એકમાત્ર અજમામાં સેંકડો પ્રકારનાં અન્ન, આહારનું પાચન કરવાની ક્ષમતા રહેલી છે. અનુભવના આધારે દૃઢતાપૂર્ણ શબ્દોમાં કહી શકાય કે, આ વાત પૂર્ણ અંશે સત્ય છે.
અજમાના ઔષધીય ગુણો વિશે અગાઉ લખી ચૂક્યો છું. અહીં માત્ર સાધારણ-દેશી અજમાનો કઈ રીતે ઔષધીય ઉપયોગ કરવો તેનું નિરૂપણ કરું છું.
ઉપયોગો
અજમાને સારી રીતે પાણીથી ધોઈને સૂકવી લેવો. પછી તેને એક સ્વચ્છ બરણીમાં ભરી, અજમો ડૂબી જાય એ રીતે તેમાં લીંબુનો રસ ભરી દેવો. આ બરણીને તડકામાં ખુલ્લી મૂકી રાખવી. લીંબુનો રસ સુકાઈ જાય એટલે ફરી પાછો લીંબુનો રસ નાંખી સૂકવવું. આવી રીતે 7 વખત લીંબુનો રસ નાંખી સૂકવવું. છેલ્લે તેને સારી રીતે સૂકવી લેવો. અડધી ચમચી સવાર-સાંજ આ અજમો લેવાથી ઉદર રોગો અને મંદ પાચનશક્તિ મટાડી પુરુષત્વ શક્તિ વધારે છે.
ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગડગડાટ હોય, ઓડકારો આવતા હોય તો સાફ કરેલ ધોઈને સૂકવેલ અજમો અડધી ચમચી અને અજમાથી અડધો ખાવાનો સોડા જમ્યા પછી સહેજ નવશેકા પાણીથી ફાંકી જવો. સવાર-સાંજ ભોજન કર્યા પછી બંને વખત લેવાથી, બે-ત્રણ દિવસમાં જ સારું પરિણામ મળશે.
અજમાનાં ફૂલ 10 ગ્રામ, પીપરમીંટ 10 ગ્રામ અને દેશી કપૂર 20 ગ્રામ. આ ત્રણે ચીજો એક કાચની બોટલમાં ભરી દેવા. થોડો સમય પછી આ ત્રણે વસ્તુ મળીને જળ સ્વરૂપ થઇ જશે. દાંતનો દુખાવો, કાનનો દુખાવો, પેટની ચૂંક વગેરેમાં આ પ્રવાહી અચૂક ફાયદો આપે છે. દાંતના દુખાવામાં અને કાનના દુખાવામાં તેનાં ત્રણ-ચાર ટીપાં પાડવાં. પેટના દુખાવામાં એક પતાસા ઉપર પાંચ-સાત ટીપાં નાખીને તે ખાવા આપવું. આ જ રીતે અતિસાર, પેટનો દુખાવો, ઊલટી, જીવ મૂંઝાવો, ખાંસી, માથાનો દુખાવો વગેરેમાં આ રીતે જ ઉપયોગ કરવો.
અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર, નાગરવેલના પાનમાં નાખીને તેને ચાવવાથી ખોટી ખાંસી મટે છે.
નાનાં બાળકોને લીલા-પીળા ઝાડા થતા હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક-એક ચમચી પાણી દિવસમાં ત્રણ-ચાર વખત આપવું.
અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગના સંચળ સાથે ગરમ પાણીમાં આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે.
અજમો, સિંધાલૂણ, કાળાં મરી. આ ત્રણેમાં સરખા વજને ખાવાનો સોડા ઉમેરી બોટલ ભરી લેવી. ભૂખ ન લાગતી હોય, ખાધેલું પચતું ન હોય અને પેટમાં ગડગડાટ હોય તો આ ચૂર્ણ અડધી ચમચી દિવસમાં ત્રણ વખત છાશ સાથે લેવું.
દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટીને તેનો લેપ કરી, પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું આ પ્રયોગથી મટે છે.
અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. દિવસમાં બે વખત સવાર-સાંજ ઉપયોગ કરવો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
