પુરુષ પ્રેમમાં તો પડી જાય, લગ્ન પણ કરી લે અને પછી પત્ની-બાળકો-ઘરસંસાર કરતાં સમગ્ર સંસારને કે પછી ઇશ્વર-મોક્ષ-નિર્વાણને પ્રાયોરિટી આપે ત્યારે સ્ત્રી નારાજ થવાની જ.

આ વાત ટોલ્સ્ટોય-સોફિયાના લગ્નજીવનને પણ લાગુ પડતી હતી.

એમાં પણ ટોલ્સ્ટોય તો કેવળ અધ્યાત્મ કે કેવળ સમાજમાં ખૂંપનારા નહોતા. એમને તો બંને બાબતોમાં રસ હતો. એ પણ જેવો તેવો નહીં, પ્રચંડ રસ હતો. એક તરફ એ પચાસની ઉંમર પછી શ્રદ્ધાળુ બન્યા બાદ ઇસુના ઉપદેશમાં ઊંડે સુધી ખૂંપ્યા અને બીજી તરફ સામાજિક સમસ્યાઓમાં જેમ કે, ગુલામીપ્રથાની નાબૂદી, વંચિતોના શિક્ષણ અને આરોગ્યની ચિંતા વગેરેમાં પણ ગળાડૂબ રહેતા. આ બધી બાબતોએ પતિ-પત્ની વચ્ચે દીવાલ ઊભી કરવાનું કામ કર્યું.

અને આટલું ઓછું હોય તેમ ટોલ્સ્ટોય-સોફિયાના લગ્નજીવનને સૌથી સુંદર તેમજ સૌથી દુઃખદ બનાવનારી એક ભળતી જ બાબત હતી, ટોલ્સ્ટોયની લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ.

ટોલ્સ્ટોય અત્યંત મહાન લેખક હતા એમાં તો કોઈ બેમત નથી, પરંતુ ટોલ્સ્ટોયની લેખનપ્રતિભા એમને પત્ની સાથે જોડનારી હતી કે પત્નીને એમનાથી દૂર ધકેલનારી હતી એ નક્કી કરવું અત્યંત કપરું છે. સોફિયા પોતે જ આ મુદ્દે બેતરફી અભિપ્રાયો આપતાં રહ્યાં. લગ્નના બીજા જ વર્ષે ટોલ્સ્ટોય એમની અમર કૃતિ વૉર એન્ડ પીસનો કાચો મુસદ્દો તૈયાર કરી રહ્યા હતા ત્યારે એક સંતાનની માતા બની ચૂકેલાં સોફિયાએ લેખન વિરુદ્ધ ગૃહસ્થીના મામલે ડાયરીમાં પોતાની અકળામણ ઠાલવતાં લખ્યું: `મારે બસ એમની (ટોલ્સ્ટોયની) સુખ-ભૂખ ભાંગવાની, એમનું બાળક ઉછેરવાનું, હું તો ઘરનું એક ફર્નિચર જ છું, હું એક સ્ત્રી છું. હું જરાક પણ એકલી પડું અને વિચારવા બેસું ત્યારે મને સમજાય છે કે આ બધું કેટલું ગૂંગળાવનારું છે.'

વર પોતાની જાતમાં અને કામમાં જ ખૂંપેલો રહે છે એ જોઈને માંડ 19-20 વર્ષનાં સોફિયા કેવાં દુઃખી થયાં એ વિશે એમણે એ સમયગાળાની પોતાની ડાયરીમાં લખ્યું: `(એક તબક્કે) મને એવું લાગ્યું કે એ મને નથી ચાહતા અને હું એમને મારા પ્રેમમાં બાંધી શકી નહીં (જોકે, આવું વિચારવાનો અત્યારે મને અફસોસ થઈ રહ્યો છે). એમનો પ્રેમ ગુમાવી બેસવા સિવાયની બીજી કોઈ જ વાતની મને પરવા નહોતી. (ગુસ્સામાં) મને એવું લાગ્યું કે એ જે બધું લખે છે એનો પણ શો મતલબ? એમની નવલકથામાં એક રાજકુમારી બીજી રાજકુમારીને શું કહે છે એની સાથે મારે શી લેવાદેવા (મને તો મતલબ છે મારા પતિથી). આવું બધું વિચાર્યા બાદ મને મારી જાત પ્રત્યે નફરત જાગી. મને લાગ્યું કે મારી જિંદગી તો સાવ જ સામાન્ય છે, જ્યારે એમનું આંતરિક જીવન, એમની પ્રતિભા, એમનું (એમના લખાણનું) અમરત્વ આ બધું કેટલું સમૃદ્ધ છે. મને ક્યારેક એમનો ડર લાગે છે અને ઘણી વાર તો એ મને સાવ અજાણ્યા લાગે છે.'

આ થઈ પતિના લેખનથી થયેલી પીડાની વાત.

હવે આનાથી સામેના છેડે, પતિના લેખનને લીધે પોતે કેટલું સુખ મેળવ્યું એ વિશે પણ લગ્નના ચોથા વર્ષે સોફિયાએ પોતાની ડાયરીમાં શું લખ્યું છે એ જુઓઃ `જેમ જેમ હું નકલ ઉતરાવાનું (વૉર એન્ડ પીસ નવલકથાનું પતિનું લખાણ સુઘડ અક્ષરે ફરી લખવાનું) કામ કરતી જાઉં છું તેમ તેમ મારી સમક્ષ લાગણીઓ, વિચારો અને ચિત્રોનું આખું એક નવું જ વિશ્વ ખૂલતું જાય છે. આવું હમણાં હમણાંથી જ થઈ રહ્યું છે. શું હું બદલાઈ ગઈ છું કે પછી નવલકથા જ અસાધારણ હદે સારી છે એટલે આવું થઈ રહ્યું છે એ મને નથી સમજાતું. (પણ મને ખૂબ મજા પડી રહી છે એ પાક્કું.). અમે બેય ઘણી વાર નવલકથા વિશે સાથે મળીને ચર્ચા કરીએ છીએ અને કોઈ કારણસર એ મારી વાતો સાંભળે પણ છે (જેને લીધે હું ખૂબ ગર્વ અનુભવું છું). એ મારા અભિપ્રાયને આદર આપે છે.'

ટૂંકમાં, આ નવલકથા વૉર એન્ડ પીસ એક તરફ સોફિયાને સૌતન જેવી ત્રાસજનક પણ લાગેલી અને પછી આ જ નવલકથા જાણે એક મજબૂત સહેલી પણ બની રહી. એક સંયુક્ત પ્રોજેક્ટ તરીકે વૉર એન્ડ પીસ નવલકથા એ પતિ-પત્નીને ખૂબ નજીક લઈ આવી.

એક તરફ પતિને સહાયરૂપ બનવાથી સોફિયાને પોતાનું અસ્તિત્વ સાર્થક થતું જણાયું અને બીજી તરફ પત્નીની સહાય પતિને પણ ખૂબ ઉપયોગી નીવડી. ઘરસંસારની, જમીન-જાગીરની, લખાણના પુનર્લેખનની અને પ્રકાશનની ઘણી ખરી જવાબદારી સોફિયાએ ઉપાડી લીધી તેના પરિણામે ટોલ્સ્ટોય બીજું બધું ભૂલીને વૉર એન્ડ પીસ લખવા પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા.

આ સંયુક્ત ઉપક્રમ દરમિયાન પતિ-પત્નીએ લગ્નજીવનનું, સહજીવનનું, સાથ-સહકારનું જે સુખ માણ્યું એ જોકે પછી એમણે જીવનમાં ફરી ક્યારેય ન માણ્યું. એટલું જ નહીં, આગળ જતાં આ જ નવલકથા વૉર એન્ડ પીસ (તેમજ અન્ય પુસ્તકો)ની રોયલ્ટીની આવક જતી કરવા બાબતે ટોલ્સ્ટોયે વિચાર્યું ત્યારે સોફિયાએ પૂરી જીદ અને ઝનૂન સાથે ટોલ્સ્ટોય સામે લડત માંડી. પોતાના અને ખાસ તો સંતાનોના હકના પૈસા પતિ જતા કરે, જવા દે એ વાત સોફિયાને કેમેય મંજૂર નહોતી.

એક જ પત્ની હતી અને એક જ પતિ હતો અને એમનું એક જ લગ્નજીવન હતું છતાં એમાં એકની એક વાતે (જેમ કે વૉર એન્ડ પીસ જેવી એક નવલકથા બાબતે) કેટકેટલી વિરોધી બાબતો, લાગણીઓ, અભિગમો જોવા મળ્યાં!

માણસ એકધારું પ્રાણી નથી. સંબંધો એકધારા રહેતા નથી. આ બધાં સત્યોને ટોલ્સ્ટોય-સોફિયાનું લગ્નજીવન એકદમ શાનદાર રીત ઉજાગર કરે છે. એટલે એમના લગ્નજીવનની વાતો કેવળ ચટાકેદાર કૂથલીની બે ઘડીની મોજનો મામલો નથી. આ પતિ-પત્નીનો સંબંધ આપણને ઘણું શીખવે છે, આપણને વધુ પુખ્ત અને સમજદાર બનાવે છે. માટે તેને ગંભીરતાપૂર્વક, શિષ્યભાવે જોવા-સમજવા જેવો છે. (ક્રમશઃ)