એપ્રિલે ઈસ્ટરની ઉજવણી થઈ એ પહેલાં જ યુરોપના દેશોમાં ઈસ્ટરનો તહેવાર ઊજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તહેવારના દિવસે મરઘીથી માંડીને ઈમુ જેવાં વિવિધ પક્ષીઓનાં ઈંડાંને એવાં સજાવવામાં આવે કે એ ઈંડાં કોઈ પક્ષીનાં હોય એવી કલ્પના પણ ન આવે!
ઈસ્ટર એ ખ્રિસ્તી ધર્મનો અત્યંત મહત્ત્વનો તહેવાર છે, જે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સ્મૃતિમાં ઊજવવામાં આવે છે. ઈસ્ટરની ઉજવણીમાં લોકો ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓમાં ભાગ લે છે. આ તહેવારની પરંપરાઓમાં પારિવારિક મિલન, મિજબાની અને એકબીજાને ભેટ આપવાનો સમાવેશ થાય છે. બાળકો માટે `ઈસ્ટર એગ હન્ટ' જેવી રમતો પણ યોજવામાં આવે છે. ઈસ્ટરમાં ઈંડાંનું વિશેષ મહત્ત્વ છે. ઈંડું એ નવજીવન અને ફળદ્રુપતાનું પ્રતીક ગણાય છે. જે રીતે ઈંડાના કવચમાંથી પક્ષીનો જન્મ થાય છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તની કબર પરથી સજીવન થવાને ઈંડા સાથે સાંકળવામાં આવે છે. પ્રાચીન કાળથી ઈંડાંને લાલ રંગથી રંગવાની પરંપરા હતી, જે ખ્રિસ્તના રક્તનું પ્રતીક ગણાય છે.
ઈસ્ટરના તહેવાર દરમિયાન ચારેબાજુ બજારમાં ભાતભાતનાં રંગબેરંગી ઈંડાં વેચાતાં જોવા મળે છે. એમ તો મરઘીથી માંડીને ઈમુ જેવાં પક્ષીઓનાં એ ઈંડાં હોય છે, પરંતુ એ ઈંડાં એવાં સજાવેલાં હોય છે કે સાચુકલાં ઈંડાં હોવાનો અહેસાસ પણ થાય નહીં! ઈંડાને સજાવવાની અનોખી કળા અહીંના સ્લાવિચ બોલતા સોર્બિયન લોકોમાં ખાસ વિકસિત થયેલી છે.
જર્મનીના લુસેટિયા પ્રદેશમાં વસતી લઘુમતી સોર્બિયન જનજાતિની મહિલાઓ ઈંડાં પર જે અદ્ભુત ચિતરામણ કરે છે, તેને `સોર્બિશે ઓસ્ટરેયર' કહેવાય છે. એટલે કે સોર્બિયન ઈસ્ટર એગ એ માત્ર કળા નથી, પરંતુ સદીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે. બાળક બે વર્ષનું થાય ત્યારથી તેને આ કળા શીખવવામાં આવતી હોય, ત્યારે એ પ્રજામાં ઈંડાં ઉપર બારીક ચિત્રકામ-ડિઝાઈન કરવાની આવડત હોય એ સ્વાભાવિક છે. આ કળા પણ એક બે નહીં સેંકડો વર્ષથી પારંપરિક રીતે સોર્બિયન લોકોમાં ચાલતી આવેલી છે. એમ તો 1500 વર્ષ પહેલાં મધ્ય તથા પૂર્વ યુરોપમાંથી આ પ્રજા જર્મનીમાં વસેલી છે. આ પ્રજા સ્લાવિચ જનજાતિઓના વંશજ છે.
સામાન્ય રીતે, સોર્બિયન જનજાતિની મહિલાઓ ઈંડાં પર વિવિધ ભાત ચીતરવાનું કામ કરે છે. ગરમ કરેલા રંગીન મીણનો ઉપયોગ કરીને ઈંડાના બહારના કોચલા પર એવી ભાત પાડવામાં આવે છે કે એ ઈંડું છે, એવો પણ ખ્યાલ ભાગ્યે જ કોઈને આવી શકે! કુંવારી છોકરીઓ લાલ પારંપરિક ડ્રેસ અને ટોપી પહેરે છે, જ્યારે પરણિત મહિલાઓ લીલા રંગનાં કપડાં અને ટોપી પહેરે છે. એ પારંપરિક ડ્રેસ પહેરીને ઈંડા પરની ભાત તેઓ પાડતી હોય છે અને ડિઝાઈન પાડેલાં ઈંડાં વેચતી હોય છે.
જોકે, ઈંડાં પર ડિઝાઈન પાડવી એ કંઈ સહેલું નથી. એ માટે ધીરજ ખૂબ જ જરૂરી હોય છે. સરેરાશ એક ઈંડાને સજાવવા માટે 90 મિનિટ એટલે કે દોઢ કલાકથી 6 કલાકનો સમય લાગે છે. ખેડૂતો પાસેથી મરઘીથી માંડીને ઈમુ જેવાં પક્ષીઓનાં ઈંડાં તેઓ ખરીદી લાવી તેના પર ડિઝાઈન ચીતરવાનું કામ કરતા હોય છે.
ખાસ પ્રકારની સોય અને પક્ષીનાં પીંછાંનો ઉપયોગ કરીને ઈંડાં પર જુદા જુદા પ્રકારની ડિઝાઈન ચીતરવામાં આવે છે. ખાસ કરીને હંસનાં પીંછાંનો ઉપયોગ ડિઝાઈન માટે કરવામાં આવે છે. પીંછાંને જુદી જુદી ડિઝાઈન પ્રમાણે કાપીને તૈયાર કરવામાં આવે છે. સોર્બિયન મહિલાઓ ઈંડાંને શણગારવા માટે અમુક પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે:
વેક્સ રિઝિસ્ટ ટેક્નિક : આ સૌથી પ્રચલિત પદ્ધતિ છે. જેમાં ગરમ કરેલા મીણને પીંછાં કે સોય દ્વારા ઈંડા પર ટપકાં અને ત્રિકોણ જેવા ભૌમિતિક આકારોમાં કંડારવામાં આવે છે, ત્યારબાદ ઈંડાને રંગમાં ડુબાડવામાં આવે છે. જ્યાં મીણ હોય ત્યાં રંગ લાગતો નથી, જેથી સુંદર ભાત ઊપસી આવે છે.
સ્ક્રેચિંગ : પહેલાં ઈંડાંને ડાર્ક રંગથી રંગવામાં આવે છે અને પછી કોઈ તીક્ષ્ણ સાધનથી તેની ઉપર રંગ ઉખાડીને બારિક ડિઝાઈન બનાવવામાં આવે છે.
એસિડ ટેક્નિક : પ્રાકૃતિક એસિડનો ઉપયોગ કરીને રંગીન ઈંડાં પર સફેદ ભાત બનાવવામાં આવે છે.
સોર્બિયન માન્યતા મુજબ, આ રીતે શણગારેલાં ઈંડાં દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. તે તેમના માટે ગુડલક લાવે છે. ત્યારે આજે પણ જર્મનીના બૌત્ઝેન જેવાં શહેરોમાં ઈસ્ટર પહેલાં `સોર્બિયન એગ માર્કેટ' ભરાય છે, જ્યાં આ કલાના અદ્ભુત નમૂનાઓ જોવા મળે છે. આ કળા તેમની આગવી ઓળખ અને પૂર્વજો સાથેના જોડાણને જીવંત રાખે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો