અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ આફ્રિકા પર શ્વેત લોકો સામે નરસંહારનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં G 20 સમિટ યોજાઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ લીધો ન હતો.
અમેરિકાએ આ સમિટમાં પોતાના દૂતાવાસના એક વરિષ્ઠ પ્રતિનિધિને મોકલ્યા હતા. આવતા વર્ષે અમેરિકામાં G 20 સમિટ યોજાવાની છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાએ પરંપરા તોડીને આગામી સમિટનું પ્રમુખપદ અમેરિકન અધિકારીને સોંપવાનો ઈનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે દક્ષિણ આફ્રિકા સામે એક મોટી જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાને લઈને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'G 20ના સમાપન સમયે દક્ષિણ આફ્રિકાએ સમાપન સમારોહમાં હાજરી આપનારા અમારા યુએસ દૂતાવાસના વરિષ્ઠ પ્રતિનિધિને G 20નું પ્રમુખપદ સોંપવાનો ઇનકાર કર્યો હતો, તેથી મારા નિર્દેશ પર દક્ષિણ આફ્રિકાને 2026 G 20 માટે આમંત્રણ નહીં મળે, જે આવતા વર્ષે ફ્લોરિડાના મહાન શહેર મિયામીમાં યોજાશે. દક્ષિણ આફ્રિકાએ વિશ્વને બતાવી દીધું છે કે તેઓ ક્યાંય પણ સભ્યપદ માટે લાયક નથી અને અમે તેમને આપવામાં આવતી તમામ ચુકવણી અને સબસિડી તાત્કાલિક ધોરણે બંધ કરીશું.'
બ્રિટનમાં 30 વર્ષમાં પ્રથમ વખત રેલ ભાડામાં થયેલો વધારો સ્થગિત કરવો પડ્યો
બ્રિટન સરકારે 30 વર્ષમાં પહેલીવાર રેલવે ભાડામાં વધારો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે રેલવે ભાડામાં વધારો સ્થગિત કરવાના કારણે લાખો પ્રવાસીઓ સીઝન ટિકિટ પર સેંકડો પાઉન્ડની બચત કરી શકશે. સૌથી ખર્ચાળ રૂટો પર પ્રવાસીના પ્રતિ વર્ષ 300 પાઉન્ડ બચી શકશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હાઇડી એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે, સરકારી માલિકીની ગ્રેટ બ્રિટિશ રેલવેઝની રચનાના પુનઃનિર્માણની યોજનામાં આ બદલાવો અમલી કરાશે. રેલવે ભાડાના વધારા પરની રોક ઇંગ્લેન્ડ અને ઇંગ્લિશ ટ્રેન ઓપરેટિંગ કંપનીઓને લાગુ થશે. ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રજૂ થનારા બજેટમાં અમે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા, રાષ્ટ્રીય દેવું ઘટાડવા અને મોંઘવારી પર લગામ કસતા પગલાંની જાહેરાત કરીશું. તેથી જ અમે રેલવે ભાડામાં વધારાને સ્થગિત કરવાનો પણ નિર્ણય લઇ રહ્યા છીએ. આવું 30 વર્ષમાં પહેલીવાર થઇ રહ્યું છે. રેલવે ભાડા યથાવત્ રહેવાથી પરિવારો પરનો આર્થિક બોજો હળવો થશે અને તેઓ સરળતાથી પ્રવાસ કરી શકશે.
જેના ખૂન માટે 5 લોકોની ધરપકડ થઇ એ માણસ 5 વર્ષે જીવતો મળ્યો!
પાંચ વર્ષ પહેલાં લાપતા બનેલો ઇસ્માઇલ અલી ગયા સપ્તાહમાં પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. પોલીસ વિભાગે તેને મૃત માની લીધો હતો અને તેની હત્યા થઇ હોવાની શંકાના આધારે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે, ઇસ્માઇલ અલીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઇને જણાવ્યું હતું કે તે સુરક્ષિત છે. 2020માં ગુમ થયેલા અલીની હત્યા થઇ હોવાનું માની પોલીસે 3 મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, ઇસ્માઇલ અલી કેવા સંજોગોમાં લાપતા બન્યો તેની અમે તપાસ કરી રહ્યા છીએ. ઇસ્માઇલ સુરક્ષિત હોવાની જાણ તેના પરિવારને કરી દેવાઇ છે. બીજી તરફ અલીની હત્યાના શંકાસ્પદોની પ્રોપર્ટીમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી. તેમના પર મની લોન્ડરિંગના આરોપ પણ લગાવાયા હતા અને હાલ તેઓ જામીન પર મુક્ત છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
માતાના અવાજથી નવજાત બાળકના મગજનો વિકાસ થાય છે : સંશોધન
‘ફર ન્ટિયર્સ ઈન હ્યુમન ન્યૂરોસાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસનાં તારણો અનુસાર માતાના અવાજથી બાળકના મગજના બંધારણને આકાર મળે છે અને તેનું ભાષાકીય કૌશલ્ય ખીલે છે. સંશોધન અનુસાર કસમયે જન્મેલાં બાળકોને તેમની માતાના અવાજમાં વંચાયેલા પાઠનું રેકોર્ડિંગ સંભળાવામાં આવે તેનાથી તેમના મગજમાં ભાષા સાથે સંકળાયેલા વિસ્તારનો સારો વિકાસ જોવા મળે છે. આ અભ્યાસમાં હોસ્પિટલમાં પ્રારંભિક સપ્તાહો કે મહિનાઓ સુધી માતાથી અળગાં રહેલાં પ્રીમેચ્યોર અથવા તો વહેલાં જન્મેલાં નવજાત બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આવાં બાળકો સામાન્યપણે તેમના જન્મની નિયત તારીખોની આસપાસ જ ઘેર જતાં હોય છે, પરંતુ આ સમયગાળામાં તેઓ ગર્ભ કરતાં પણ વધુ શાંત અને એકલવાયી જગ્યાએ રહે છે. સંપૂર્ણ મુદતે જન્મેલાં બાળકો જન્મ પહેલાં પણ તેમની માતાનો અવાજ, લયબદ્ધ વાતચીતોને સાંભળતા રહે છે. આનાથી વિપરીત ઈન્ક્યુબેટર્સમાં રહેતાં પ્રીટર્મ બાળકોએ મોટાભાગે યંત્રનો ધીમો ઘરઘરાટ જ સાંભળવો પડે છે. કસમયે જન્મેલાં બાળકોમાં મોટાભાગે ભાષાકીય જ્ઞાન વિલંબથી આવે છે. સ્ટેનફોર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ 46 પ્રીમેચ્યોર બાળકોનાં બે ગ્રૂપ પર અભ્યાસ કર્યો હતો. એક ગ્રૂપને દરરોજ રાત્રે કુલ બે કલાક સુધી તેમની માતાના અવાજમાં રેકોર્ડ કરાયેલા પાઠ સંભળાવાતા હતા, જ્યારે બીજા ગ્રૂપનાં બાળકોને વોર્ડના સામાન્ય અવાજો જ સાંભળવા મળ્યા હતા. બાળકોનાં MRI કરાવાયા ત્યારે જે બાળકોને માતાના અવાજનું રેકોર્ડિંગ સંભળાવાયું હતું તેમના મગજના ભાષા સંબંધિત વિસ્તારમાં સારો વિકાસ જોવા મળ્યો હતો.