રામનગરી અયોધ્યા વિશે તો આપણે બધા જાણીએ છીએ. આ જ વિશેષ જગ્યાએ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આ પવિત્ર જગ્યાનો મહિમા જ અલગ છે, પણ તમને જાણીને નવાઇ લાગશે કે થાઇલેન્ડમાં પણ એક અયોધ્યા છે. જ્યાં ભારતની પ્રાચીન પરંપરાઓને મહત્ત્વ આપવામાં આવે છે. થાઇલેન્ડમાં અયુત્યા શહેરનું નામ અયોધ્યાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ જેને યુદ્ધ દ્વારા જીતી ન શકાય એવો થાય છે.   

અહીં એક એવો રાજવંશ છે જેના દરેક રાજાને રામનો અવતાર માનવામાં આવે છે. આજે ભલે આ નગર ખંડેર બની ગયું હોય, પરંતુ તેના સ્તૂપો, ભવ્ય મંદિરો અને કલાત્મક મૂર્તિઓ આજે પણ તેના ગૌરવશાળી ભૂતકાળની સાક્ષી છે. 1991માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વિરાસત જાહેર કરાયેલું આ નગર ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોકથી માત્ર 80 કિલોમીટર દૂર અયુત્યા આવેલું છે.   

ભવ્ય ઇતિહાસ અને સ્થાપના

અયુત્યા એ પ્રાચીન થાઇ સામ્રાજ્યની રાજધાની હતી. જેને અયુત્યાયન સામ્રાજ્યના નામથી ઓળખવામાં આવતી હતી. ઇ.સ. 1350માં રાજા રામાથિબોડી પ્રથમ દ્વારા અયુત્યા નગરની સ્થાપના કરવામાં આવી હતી. આ નગરની રચના ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ જ વ્યૂહાત્મક રીતે કરવામાં આવી હતી, કારણ કે તેની ફરતે મુખ્ય ત્રણ નદીઓ, ચાઓ ફ્રાયા, લોપબુરી અને પા સાક આવેલી છે, તેથી આ શહેર ટાપુ જેવું દેખાતું હતું. આ ભૌગોલિક રચનાને કારણે તેને અન્ય દેશોના આક્રમણથી કુદરતી રક્ષણ મળતું હતું. આશરે 417 વર્ષ સુધી આ નગરે સયામ સામ્રાજ્યની રાજધાની તરીકે કામ કર્યું. એ દરમિયાન અયુત્યા પર પાંચ અલગ અલગ રાજવંશોના કુલ 33 રાજાઓએ શાસન કર્યું અને તેને કલા, સંસ્કૃતિ અને વેપારનું વૈશ્વિક કેન્દ્ર બનાવ્યું હતું. 16થી 17મી સદી સુધીમાં અયુત્યા વિશ્વના સૌથી મોટું અને સમૃદ્ધ શહેર બની ગયું હતું. નદીઓ દ્વારા દરિયાઇ માર્ગ સાથે જોડાયેલું હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય વેપારનું મોટું હબ બની ગયું હતું. પરિણામે અહીં અંગ્રેજો, ડચ, પોર્ટુગીઝ, ચાઇનીઝ અને જાપાનીઝ વેપારીઓ આવીને વસ્યા હતા. સોનાથી મઢેલા સ્તૂપો અને ભવ્ય મહેલોના કારણે આ શહેર દૂરથી પણ ચમકતું હતું.   

અયુત્યાનો વિનાશ

વધારે પડતી સમૃદ્ધિ પણ ક્યારેક વિનાશનું કારણ બનતી હોય છે. એવું અયુત્યામાં થયું. એ સમયે તેના પડોશમાં આવેલ દેશ બર્મા હાલના મ્યાનમાર સાથે અયુત્યાના સતત સંઘર્ષો થતા રહેતા હતા. છેવટે 1767માં બર્મીઝ સેનાએ અયુત્યા પર હુમલો કર્યો. હુમલો એટલો મોટો અને ઘેરાવાના કારણે અયુત્યા શહેર પર કબજો જમાવી લીધો. એટલું જ નહીં બર્મીઝ સેનાઓએ આખા શહેરને લૂંટી લીધું. મહેલો અને મંદિરોને આગ લગાડી દીધી. આ ભયાનક વિનાશ પછી અયુત્યા સંપૂર્ણપણે ઉજ્જડ થઇ ગયું.   

અયુત્યા વિશે રોચક માહિતી

અયુત્યાનું સૌથી મોટું અને અદ્ભુત આકર્ષણ વાટ માહાથત મંદિરમાં છે. અહીં એક બૌધિવૃક્ષના મૂળની અંદર ભગવાન બુદ્ધનું પથ્થરનું મસ્તક કુદરતી રીતે ફસાયેલું છે. એવું કહેવાય છે કે, બર્મીઝ સેનાએ મંદિરમાં રહેલ બુદ્ધની પ્રતિમાના મસ્તકને તોડી નાંખી હતી. જમીન પર પડેલા મસ્તકની આસપાસ વૃક્ષનાં મૂળ વીંટળાઇ ગયાં હતાં. 

થાઇલેન્ડ બૌદ્ધ ધર્મ પાળે છે, પણ અયુત્યાના ઇતિહાસ પર હિન્દુ ધર્મ અને ખાસ કરીને રામાયણનો ઊંડો પ્રભાવ છે. થાઇલેન્ડમાં રામાયણને રામકિઅન કહેવાય છે. અયુત્યા નગર ભલે ખંડેર બની ગયું હોય, પરંતુ આજે પણ અહીં વિરાટ કદની સૂતેલી મુદ્રાવાળી બુદ્ધ પ્રતિમા વાટ લોકાયસુથા ખાતે જોવા મળે છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. વાટ ચાઇવથનારામ નામનું મંદિર પણ અયુત્યાનું સૌથી અદ્ભુત મંદિર છે. ખ્મેર સ્થાપત્ય શૈલીમાં બનેલું આ મંદિર ચાઓ ફ્રાયા નદીના કિનારે આવેલું છે. આ મંદિર હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનના મેરુ પર્વતનું પ્રતિનિધિત્વ કરે છે.   

એક સમયે સમૃદ્ધ એવું અયુત્યા નગર ભલે નાશ પામ્યું હોય, પરંતુ તે માત્ર પથ્થરો અને ઇંટોનાં ખંડેરો નથી, તે માનવ સંસ્કૃતિના ઉત્થાન અને પતનનું જીવંત ઉદાહરણ છે. આજે પણ આ નગર પોતાની ગરિમા ગુમાવ્યા વગર અડીખમ ઊભું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો