ઇજિપ્તમાં ભયાનક રણ અને ઊંચી ગ્રેનાઇટ પર્વતમાળાઓ વચ્ચે આવેલું સેન્ટ કેથરીન ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી આ ત્રણેય ધર્મોનું મિલનસ્થળ ગણાય છે. આ સ્થળ દરિયાઇ સપાટીની આશરે 1577 મીટરની ઊંચાઇએ આવેલું છે. 2002માં યુનેસ્કો દ્વારા આ સમગ્ર ક્ષેત્રને તેની આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્રીય અજોડતા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.   

સેન્ટ કેથરીનનો ઇતિહાસ

ઇ.સ. 337માં પ્રથમ ખ્રિસ્તી રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનનાં માતા સંત હેલેના આ પવિત્ર ભૂમિની યાત્રાએ આવ્યાં હતાં. તેમણે મૂસાની સળગતી ઝાડીના સ્થાન પર એક નાના ચર્ચ અને આશ્રયસ્થાનનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો, જેથી ત્યાં એકાંતમાં સાધના કરતા સાધુઓને આક્રમણોથી રક્ષણ મળી શકે. ઇ.સ. 527થી 565 દરમિયાન બાયઝેન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયન પ્રથમે આ નાની પ્રાર્થના શાળાને એક વિશાળ, અભેદ કિલ્લા જેવા મઠમાં ફેરવી દીધી. તેમણે બેદુઇન સમુદાયના ચોકીદારોને મઠની રક્ષા માટે ત્યાં રાખ્યા હતા. મૂળભૂત રીતે આ મઠ ટ્રાન્સફિગરેશન મઠ તરીકે ઓળખાતો હતો. ઇ.સ. 9મી સદીની આસપાસ, એલેક્ઝાન્ડ્રિયાના જ્ઞાની અને શહીદ રાજકુમારી સેન્ટ કેથરીન જેમને રોમન શાસકોએ ઇ.સ. 305માં મૃત્યુદંડ આપ્યો હતો, તેના અકબંધ અવશેષો સાધુઓને નજીકના પર્વતની ટોચ પરથી મળ્યા. એવું માનવામાં આવે છે કે દેવદૂતો દ્વારા તેમનો દેહ ત્યાં લાવવામાં આવ્યો હતો. આ અવશેષોને મઠમાં લાવીને સ્થાપિત કરાયા બાદ આ સમગ્ર ક્ષેત્ર અને મઠ સેન્ટ કેથરીન તરીકે પ્રખ્યાત થયો.   

વાસ્તુશૈલી અને સ્થાપત્યની વિશેષતાઓ

મઠની ચારેય બાજુ પહાડોના સ્થાનિક ગ્રેનાઇટ પથ્થરોમાંથી અભેદ્ય દીવાલો બનાવવામાં આવી છે. આ દીવાલો 15થી 25 મીટર ઊંચી અને બેથી ત્રણ મીટર જાડી છે. પ્રાચીન સમયમાં ડાકુઓ અને આક્રમણકારોથી બચવા માટે મઠમાં જમીન પર કોઇ પ્રવેશદ્વાર નહોતો. સાધુઓ, પ્રવાસીઓ અને સામાનને મઠની અંદર લેવા માટે ઊંચાઇ પરથી દોરડાં, ચરખી અને લાકડાના પાંજરાનો ઉપયોગ કરતા હતા. મઠના કેન્દ્રમાં આવેલું મુખ્ય ચર્ચ છઠ્ઠી સદીનું છે. તેની અંદરના ભાગમાં સોના અને આરસપહાણની કારીગરી તેમજ છત પર ઇસુ ખ્રિસ્તનું દિવ્ય મોઝેઇક ચિત્ર આવેલું છે, જે બાયઝેન્ટાઇન કળાનો શ્રેષ્ઠ નમૂનો છે.   

રસપ્રદ બાબતો 

તમને જાણીને નવાઇ લાગશે કે સેન્ટ કેથરીન મઠ એ વિશ્વનો સૌથી જૂનો ખ્રિસ્તી મઠ છે, જેણે તેની મૂળ સ્થાપનાથી લઇને આજ સુધી પોતાનું કાર્ય ક્યારેય બંધ કર્યું નથી. 1400થી વધુ વર્ષોથી અહીં સંતો અને સાધુઓ નિવાસ કરે છે અને વિશિષ્ટ બાયઝેન્ટાઇન પરંપરાઓ જાળવી રાખી છે.   

ઇસ્લામના પ્રારંભિક કાળમાં પ્રબોધક મુહમ્મદ સાહેબે મઠના સાધુઓને એક વિશેષ સનદ આપી હતી, જેને અહતીનામા કહેવામાં આવે છે. આ પત્રમાં મઠના રક્ષણની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખ્રિસ્તીઓને કરમુક્તિ તેમજ સુરક્ષાની ગેરંટી આપી હતી, તેથી સદીઓ સુધી રાજકીય ઊથલપાથલ વચ્ચે પણ આ મઠ સુરક્ષિત રહ્યો હતો.   

દુનિયામાં અલગ અલગ જગ્યાએ અમુક ખાસ પ્રકારની વનસ્પતિ ઊગતી હોય છે, જે બીજે ક્યાંય જોવા મળતી નથી, એવી જ રીતે આ મઠની અંદર સળગતી ઝાડી નામની ખાસ વનસ્પતિ ઊગે છે. એવું કહેવાય છે કે આ વનસ્પતિ દ્વારા ભગવાને મૂસા સાથે વાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ઝાડનાં કટિંગ્સ કે છોડને વિશ્વમાં બીજે ક્યાંય ઉગાડવાનો પ્રયાસ સફળ થયો નથી. તે માત્ર આ જ પરિસરમાં પાંગરે છે.   

સેન્ટ કેથરીન મઠની લાઇબ્રેરીમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોનો સંગ્રહ છે. વોટિકન લાઇબ્રેરી પછી વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ પ્રાચીન ખ્રિસ્તી હસ્તપ્રતો અહીં સંગ્રહિત છે. આ મઠમાં પાંચમી અને છઠ્ઠી સદીના દુર્લભ એન્કાઉસ્ટિક ચિત્રો સાચવવામાં આવ્યાં છે. બાયઝેન્ટાઇન સામ્રાજ્ય દરમિયાન જ્યારે મૂર્તિપૂજા વિરોધી ચળવળ શરૂ થઇ હતી, ત્યારે વિશ્વભરમાંથી પ્રાચીન ચિત્રો નષ્ટ કરી દેવાયાં હતાં, પરંતુ આ મઠમાં તે સુરક્ષિત રહ્યાં હતાં.   

સેન્ટ કેથરીન ક્ષેત્ર એ માત્ર ઇજિપ્તનો એક ઐતિહાસિક વારસો નથી, પરંતુ માનવ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભાઇચારાની અજોડ મિશાલ છે. રણમાં આવેલું આ સ્થળ આધ્યાત્મિક શાંતિ, સ્થાપત્ય અને ઇતિહાસની શોધમાં નીકળેલા પ્રવાસીઓ માટે અનિવાર્ય ધામ છે એવું કહી શકાય.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો