સ્ટેચ્યૂ તો તમે ઘણાં જોયાં હશે, પરંતુ રોક સ્ટેચ્યૂ એટલે કે પથ્થરમાંથી કાપીને બનાવવામાં આવેલ કોઇ વિશાળ મૂર્તિ તમે ભાગ્યે જ જોઇ હશે. આવા રોક સ્ટેચ્યૂ બનાવવાની પરંપરા અનેક વર્ષોથી ચાલી રહી છે. સમગ્ર વિશ્વમાં કોઇ ને કોઇ ખૂણે રોક સ્ટેચ્યૂ જોવા મળે છે. એમાં સ્ટેચ્યૂ ઓફ શાપુરનો સમાવેશ થાય છે.

સ્ટેચ્યૂ ઓફ શાપુર ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા ફાર્સ પ્રાંતમાં, પ્રાચીન શહેર બિશાપુર નજીક ઝાગ્રોસ પર્વતમાળામાં એક વિશાળ પથ્થરની ગુફા આવેલી છે. જેને શાપુર ગુફા તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફા તેની કુદરતી રચના માટે જ નહીં, પરંતુ ઇરાનના સસાનિયન સામ્રાજ્યના બીજા શાહ, શાપુર પ્રથમની ભવ્ય અને વિરાટ પ્રતિમા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

શાપુર મૂર્તિની શોધ અને ઇતિહાસ

સ્ટેચ્યૂ ઓફ શાપુરની શોધ 20મી શતાબ્દીની શરૂઆતમાં સ્થાનિક સંશોધકોના એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી. તેના નિર્માણ વિશેની ઠોસ માહિતી જાણી શકાઇ નથી, પરંતુ તેને ત્રીજી શતાબ્દીમાં બનાવવામાં આવી હતી એવું માનવામાં આવે છે. શાપુર પ્રથમ સસાનિયન સામ્રાજ્યના સૌથી મહાન શાસકોમાંના એક હતા. તેમના શાસનકાળમાં તેમણે રોમન સામ્રાજ્ય સામે અનેક સફળ લશ્કરી અભિયાનો કર્યાં હતાં. સૌથી નોંધપાત્ર ઘટના ઈ.સ. 260માં થયેલ એડેસાનું યુદ્ધ છે, જ્યાં તેમણે રોમન સમ્રાટ વેલેરિયન અને તેની આખી સેનાને કેદી બનાવી લીધી હતી. આ વિજયને ઈરાની ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ માનવામાં આવે છે. આ પ્રતિમા સંભવતઃ તેમના શાસનકાળ ઈ.સ. 265થી 270 દરમિયાન જ બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે અને તે કદાચ તેમના દફન સ્થળ અથવા તેમના શાસક સંપ્રદાયના સ્થળને દર્શાવવા માટે બનાવવામાં આવી હશે. તે સસાનિયન રાજાની દિવ્યતા અને પૃથ્વી ઉપરના પ્રભુત્વને દર્શાવે છે. મૂર્તિને રાજાની જીત અને તેમના દિવ્ય રાજત્વનું સન્માન કરવા માટે બનાવવામાં આવી હતી. પછીથી આ ગુફાનો ઉપયોગ આક્રમણોથી બચવા માટે સ્થાનિક લોકો કરતા હતા.

સ્ટેચ્યૂની રચના

શાપુર પ્રથમની પ્રતિમા ખરેખર વિશાળ છે. ગુફામાં એક વિશાળ પથ્થરને કોતરીને તેને બનાવવામાં આવી છે. આ વિરાટ સ્ટેચ્યૂની ઊંચાઇ આશરે 6.7 મીટર છે અને તેના ખભાની પહોળાઇ બે મીટરથી વધુ છે. આ સ્ટેચ્યૂ ગુફાના પ્રવેશદ્વારથી લગભગ 35 મીટર અંદર સ્થાપિત કરવામાં આવી છે. તેનું વજન આશરે 30 ટન હોવાનો અંદાજ છે. આ સ્ટેચ્યૂ એટલે કે શાપુર પ્રથમનો દેખાવ એક શક્તિશાળી અને એથ્લેટિક રાજા તરીકે દર્શાવે છે. તેના સ્નાયુબદ્ધ હાથ, પહોળી છાતી અને સપાટ પેટ તેના શારીરિક સામર્થ્યને પ્રદર્શિત કરે છે. શિલ્પમાં રાજાને શણગારવામાં આવેલ મુગટ, લાંબી દાઢી અને મૂછ, કાનમાં મોતીનાં કુંડળ, ગળાનો હાર અને જમણા કાંડામાં પહેરેલું કડું આજે પણ જોઇ શકાય છે. તેમના લાંબા વાળ મુગટ નીચેથી બહાર નીકળીને ખભા પર પડેલા છે. રાજાનો પોશાક અને વસ્ત્રો પર પડેલ ઘડી આટલાં વર્ષો પછી પણ અકબંધ છે. પ્રતિમામાં જમણો હાથ કમર પર અને ડાબો હાથ તલવારની મૂઠ પર મૂકેલો દર્શાવવામાં આવ્યો છે, જે સત્તા અને ગૌરવનું પ્રતીક છે.

જીર્ણોદ્ધાર અને આધુનિક યુગ

સદીઓથી આ વિરાટ પ્રતિમા ધરતીકંપ કે અન્ય કારણોસર પડી ગઈ હતી અને ગુફાના તળિયે ખંડિત હાલતમાં પડી રહી હતી. તેના પગ અને હાથને નુકસાન થયું હતું. લગભગ 1400 વર્ષ સુધી જમીન પર પડી રહ્યા પછી 1957-58માં ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રેઝા પહલવીના આદેશથી ઈરાની સૈન્યના એક દળે તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. સૈન્યએ તેને ફરીથી ઊભી કરી અને તૂટેલા પગનું લોખંડ અને સિમેન્ટની મદદથી સમારકામ કર્યું. આ પ્રોજેક્ટમાં ગુફા સુધી રસ્તાઓ, પર્વત પર પગથિયાં અને સુરક્ષા રેલિંગ પણ બનાવવામાં આવી, જેથી પ્રવાસીઓને સરળતા રહે.

શાપુર ગુફામાં આવેલી શાપુર પ્રથમની વિરાટ પ્રતિમા માત્ર એક પથ્થરનું શિલ્પ નથી, પરંતુ તે ઈરાનના સમૃદ્ધ ઇતિહાસ, સસાનિયન સામ્રાજ્યની ભવ્યતા અને શાપુર પ્રથમની શક્તિ અને બુદ્ધિનું જીવંત પ્રમાણ છે. તે પ્રાચીન કલાકારોની કુશળતા અને તેમના રાજા પ્રત્યેની શ્રદ્ધાની અદ્ભુત ગાથા રજૂ કરે છે. આ અજોડ ઐતિહાસિક સ્મારક આજે પણ ઈરાનની સાંસ્કૃતિક ધરોહરનો એક અમૂલ્ય ભાગ છે.