માનવ જાતિના ઉદ્ભવને લઇને અનેક પુરાતત્ત્વવિદ અને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યાં છે. એમનો મૂળ આધાર જૂનાં હાડપિંજરો પણ રહ્યાં છે. એમાં લ્યુસી એ વિશ્વમાં માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રખ્યાત અશ્મિભૂત હાડપિંજરમાં માનવામાં આવે છે. આ સિવાય પણ એવાં અનેક હાડપિંજરો દુનિયામાં અલગ અલગ જગ્યાએથી મળી આવ્યાં છે. એમાં સ્ટેર્કફોન્ટેન ગુફાઓનો સમાવેશ કરી શકાય.
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગથી ઉત્તર-પશ્ચિમે આશરે 50 કિલોમીટર દૂર આવેલી સ્ટેર્કફોન્ટેન ગુફાઓમાત્ર ચૂનાના પથ્થરોથી બનેલી અંધારી ગુફાઓ નથી, પરંતુ તે સમગ્ર માનવજાત માટે સમયની એક અદ્ભુત યાત્રા છે એવું કહી શકાય. ઈ.સ. 1999માં યુનેસ્કો દ્વારા આ સમગ્ર વિસ્તારને `ક્રેડલ ઓફ હ્યુમનકાઇન્ડ'એટલે કે માનવજાતનું ઘોડિયું જાહેર કરવામાં આવ્યું હતું.
સોનાની શોધમાંથી અશ્મિઓનું મિલન
19મી સદીના અંતમાં એટલે કે 1890ના દાયકામાં દક્ષિણ આફ્રિકામાં `ગોલ્ડ રશ' એટલે કે સોનાની શોધનો યુગ ચાલી રહ્યો હતો. એ સમયે ખાણિયાઓએ ઔદ્યોગિક વપરાશ માટે ચૂનાના પથ્થર મેળવવા માટે સ્ટેર્કફોન્ટેનની પહાડીઓમાં ડાયનામાઈટથી વિસ્ફોટો કરવાનું શરૂ કર્યું. ચૂનાના પથ્થર મેળવવા માટે કરવામાં આવતા આ વિસ્ફોટો દરમિયાન લાઈમસ્ટોનની ગુફાઓની દીવાલોમાંથી કેટલાંક વિચિત્ર અને પ્રાચીન હાડકાં બહાર આવવા લાગ્યાં. શરૂઆતમાં લોકો તેને સામાન્ય જંગલી પ્રાણીઓના અવશેષો માનતા હતા, પરંતુ જ્યારે 20મી સદીના પ્રારંભમાં વિજ્ઞાનીઓ અને પુરાતત્ત્વવિદોની નજર આ ગુફાઓ પર પડી, ત્યારે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. જે સ્થળ માત્ર પથ્થરો અને ખાણો માટે જાણીતું હતું, તે જોતજોતામાં માનવ ઈતિહાસના સૌથી મોટા અશ્મિઓમાં ફેરવાઈ ગયું.
ઉત્ક્રાંતિના અવશેષો
સ્ટેર્કફોન્ટેન ગુફાઓમાંથી મળી આવેલા અશ્મિઓએ માનવ ઉત્ક્રાંતિ વિશેના જૂના વિચારોને સંપૂર્ણપણે બદલી નાખ્યા. તેમને જાણીને નવાઇ લાગશે કે, સમગ્ર વિશ્વમાંથી મળી આવેલા પ્રાચીન માનવ પૂર્વજોના અશ્મિઓમાંથી લગભગ 40 ટકા અશ્મિઓ એકલા આ વિસ્તારમાંથી મળી આવ્યા છે.
ઈ.સ. 1947માં ડો. રોબર્ટ બ્રૂમ અને જ્હોન રોબિન્સને આ ગુફામાંથી એક સંપૂર્ણ ખોપરી શોધી કાઢી. આ ખોપરી ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રિકન્સ પ્રજાતિની હતી, જે આશરે 21થી 25 લાખ વર્ષ જૂની હોવાનું મનાય છે. તેને `મિસિસ પ્લેસ' નામ આપવામાં આવ્યું. આ ખોપરીએ સાબિત કર્યું કે આધુનિક માનવના પૂર્વજો વાંદરા જેવા દેખાતા હોવા છતાં બે પગ પર સીધા ચાલી શકતા હતા.
1994માં પ્રોફેસર રોન ક્લાર્કે ગુફામાંથી મળેલી પ્રાણીઓની ફેંકાયેલી બોક્સ-અસ્થિઓનું નિરીક્ષણ કરતી વખતે કેટલાક માનવ સમાન અશ્મિઓ શોધ્યા. ત્યારબાદ ગુફાના અંધારિયા અને સાંકડા વિસ્તારોમાં સતત 20 વર્ષ સુધી ચાલેલા અત્યંત મુશ્કેલ સંશોધન પછી એક સંપૂર્ણ અશ્મિભૂત હાડપિંજર બહાર આવ્યું. `લિટલ ફૂટ' નામનું આ હાડપિંજર લગભગ 36 લાખ વર્ષ જૂનું છે અને તે પૃથ્વી પરથી મળેલા સૌથી પ્રાચીન અને સંપૂર્ણ માનવ પૂર્વજોના હાડપિંજરોમાંનું એક હોવાનું મનાય છે.
રહસ્યમય બાબતો અને ભૂગર્ભ તળાવ
સ્ટેર્કફોન્ટેન માત્ર વિજ્ઞાન માટે જ નહીં, પણ સાહસિકો માટે પણ અત્યંત રોમાંચક છે. આ ગુફાઓ જમીનથી ઘણી નીચે ઊંડાણમાં ફેલાયેલી છે. ગુફાની ઊંડાણમાં એક વિશાળ ભૂગર્ભ તળાવ આવેલું છે, જેનું પાણી અત્યંત સ્વચ્છ, શાંત અને ઠંડું છે. આ તળાવ કેટલું ઊંડું છે તે આજે પણ સંપૂર્ણ જાણી શકાયું નથી. ભૂતકાળમાં ડાઇવિંગ દરમિયાન થયેલી કેટલીક અણધારી ઘટનાઓને કારણે તે આજે પણ રહસ્યમય માનવામાં આવે છે. ગુફાની અંદર ચૂનાના પાણીના લાખો વર્ષો સુધી સતત ટપકવાથી બનેલા સ્ટેલેક્ટાઇટ્સ અને સ્ટેલેગ્માઇટ્સના આકારો અંધારામાં એક કાલ્પનિક અને રહસ્યમય દુનિયાનો અનુભવ કરાવે છે.
માનવતાનું મૂળ
સ્ટેર્કફોન્ટેન ગુફાઓ આપણને એ યાદ અપાવે છે કે માનવજાતનાં મૂળિયાં કેટલાં ઊંડાં છે. આ ગુફાઓ માત્ર પ્રાચીન પથ્થરોનો ઢગલો નથી, પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં માનવે પ્રકૃતિ સામે ઝઝૂમીને બે પગ પર ઊભા રહેવાની અને આધુનિક માનવ બનવાની સફર શરૂ કરી હતી. આજે જ્યારે દુનિયા ભવિષ્ય અને ટેક્નોલોજી તરફ દોડી રહી છે, ત્યારે સ્ટેર્કફોન્ટેનની અંધારી ગુફાઓ આપણને આપણા કરોડો વર્ષ જૂના અતીતની યાદ અપાવે છે. માત્ર માનવપૂર્વજો જ નહીં, પરંતુ વિલુપ્ત થઇ ગયેલાં હિંસક પ્રાણીઓ જેવાં કે સાબર, ટૂથ્ડ કેટ્સ, પ્રાચીન હાઇના, વાંદરાંઓ અને અન્ય વન્યજીવોના અવશેષો પણ અહીંથી મળી આવ્યા છે.
આમ, સ્ટેર્કફોન્ટેન ગુફાઓ માત્ર વૈજ્ઞાનિક સંશોધનનું કેન્દ્ર નથી, પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો