પંકજ ઓફિસના કામે બહારગામ ગયેલો. ઘરમાં કોઈ ખાસ કામ ન હોવાથી `પંકજપત્ની' સોનલ જૂના કબાટની સાફસફાઈ કરવા બેઠી. ત્યાં એને કબાટમાં ચોરખાનું દેખાયું.
એણે ધક્કો મારી ચોરખાનું ખોલ્યું તો એમાં એક `ભેદી બોક્સ' દેખાયું. બોક્સ કાઢી એણે એ બોક્સ ખોલવાનો ટ્રાય કર્યો, પણ એ બોક્સ ખૂલ્યું નહીં. એણે પંકજને ફોન કરી ચોરખાના અને બોક્સ વિશે પૂછ્યું તો પંકજે ધમકાવીને કહ્યું, `હું આવું ત્યાં સુધી એ બોક્સ ખોલતી નહીં.' આટલું કહી પંકજિયાએ ફોન કટ કરી નાખ્યો.
હવે સોનલને બોક્સ પર કચ્ચીને શંકા પડી. એ હથોડી, સ્ક્રૂ ડ્રાઈવર જેવાં સાધનો લઈ આવી અને પછી `બોક્સ, મૈં તેરા ખૂન પી જાઉંગી' એવું બોલી બોક્સ પર તૂટી પડી. થોડી જ વારમાં એણે એ બોક્સ તોડી ફોડીને નવરું કરી નાખ્યું. બોક્સ ખૂલતાં જ સોનલના આશ્ચર્યનો પાર ન રહ્યો. બોક્સમાં રેશમી રૂમાલમાં લપેટાયેલા કેટલાક પત્રો હતા. એને લાગ્યું કે નક્કી આ કોઈના `લવલેટર' જ છે. એણે રેશમી રૂમાલમાંથી લેટર બહાર કાઢ્યા અને વાંચવાના શરૂ કર્યા.
લેટરો વાંચતાંની સાથે જ સોનલનાં ભવાં તંગ થયાં. આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને પછી ભૂરાંટી થયેલી ગાયની જેમ એ નાકમાંથી ફૂંફાડા મારવા માંડી. સોનલનું આટલું બધું `આકરા પાણીએ' થવાનું કારણ પેલા બધા લેટર્સમાં લખેલું લખાણ હતું. દરેક પત્રની શરૂઆતમાં લખેલું હતું, `મારા વહાલા' અને પછી કમળનું ચિત્ર હતું. આ સંબોધન પછી દરેક પત્રમાં કોઈ પ્રેમિકાએ પોતાના પ્રેમીને ઉદ્દેશીને લખેલું પ્રગાઢ પ્રેમનું અદ્ભુત વર્ણન હતું અને પત્રના અંતમાં `તમારી વહાલી' એવું લખી અને બાજુમાં આંખનું સુંદર ચિત્ર દોરેલું હતું. આવાં કમળ અને આંખના ચિત્ર વચ્ચે `પ્રેમાલાપ'વાળા પચાસેક પત્રો હતા, જે વાંચી સોનલ બરાબર `ગિન્નાઈ' ગઈ. એણે થોડું મગજ દોડાવ્યું એટલે એના દિમાગમાં બત્તી થઈ કે આ કમળનું ચિત્ર એટલે એના વરનું નામ પંકજ એવો અર્થ થાય. હવે એણે `તમારી વહાલી' સાથે આંખોના ચિત્ર સાથે કોનું નામ આવે એ વિચારવાનું શરૂ કર્યું અને પાંત્રીસમી સેકન્ડે એને યાદ આવ્યું કે એમની સોસાયટીના નવ નંબરના બંગલામાં રહેતી નયના એના પંકજિયા સાથે બહુ `લટુડાપટુડા' કરતી'તી એટલે હવે સોનલના મગજમાં તાળો બેસી ગયો કે, એના વર પંકજિયા અને નયનાડી વચ્ચે `ઇલુ-ઇલુ' ચાલી રહ્યું હશે. પંકજિયો એ નયનાડીના પ્રેમપત્રો કબાટમાં સંતાડી રાખતો હતો. સોનલે પંકજ ઉપર સર્જિકલ સ્ટ્રાઇ કરવાનું નક્કી કરી નાખ્યું.
સાંજે પંકજ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે સોનલ
`અટેન્શન મોડ'માં આવી ગઈ'તી. એણે સીધું જ પંકજ 52 ફાયરિંગ શરૂ કર્યું. ટેબલ ઉપર સોનલે બધા જ લેટર ખુલ્લા કે સુરંગની જેમ પાથરીને મૂક્યા હતા. એને દેખાડી સોનેલે ધડાકો કર્યો કે, `આ બધું શું છે પંકજિયા? તારા અને નયનાડી વચ્ચે ક્યારથી આ ચક્કર ચાલી રહ્યું છે બોલ.' સોનલનું આક્રમણ જોઈ પંકજ સહેજ અચકાયો અને પછી તરત જ એ પરિસ્થિતિને પામી ગયો. કશું જ બોલ્યા વગર એ પૂજાના રૂમમાં ગયો અને ત્યાંથી એક નોટ લઈ આવ્યો. એ નોટ એણે સોનલ સામે ધરીને કહ્યું, `આ નોટમાં શું લખ્યું છે જો.' સોનલે નોટમાં જોઈને કહ્યું, `આમાં તો તારા ગુજરી ગયેલ બાએ શ્રીરામ જય રામ જય જય રામ એવું લખ્યું છે.' આ સાંભળીને પંકજે કહ્યું, `બાએ આ નોટમાં રામનામ લખ્યું છે એ વાત સાચી, પણ હું તને બાના અક્ષર જોવાનું કહું છું.' સોનલે નોટમાં પંકજનાં ગુજરી ગયેલ બાના અક્ષર જોયા અને એ ચમકી, કેમ કે એ અક્ષર `એક્ઝેટ' પેલા પ્રેમપત્રોના અક્ષર જેવા જ હતા.
આ જોઈ સોનલ બોલી, `આ નોટના અક્ષર અને પત્રોના અક્ષર તો એકદમ સરખા છે, આવું કેમ?' આ સાંભળી પંકજે કહ્યું, `આવું એટલા માટે છે કે, આ પ્રેમપત્રો મારાં ગુજરી ગયેલાં બાએ મારા ગુજરી ગયેલા બાપાને લગ્ન પહેલાં વેવિશાળ પછી લખ્યા હતા.' સોનલ હવે બરાબર ગૂંચવાઈ ગઈ હતી. પંકજે એનું કન્ફ્યૂઝન દૂર કરવા કહ્યું, `સોનલ, એ જમાનામાં પતિ-પત્ની એકબીજાનું નામ નહોતાં લેતાં એટલે બાએ કમળનું અને આંખનું ચિત્ર દોર્યું હતું જો.' આ સાંભળી સોનલના ભેજામાં અજવાળું થયું. એના સસરાનું નામ અરવિંદ હતું અને સાસુનું નામ મીનાક્ષીદેવી હતું. એટલે સ્વર્ગસ્થ સાસુમાએ અરવિંદ એટલે કમળ અને મીનાક્ષી એટલે સુંદર આંખો દોરી સરસ મજાના પ્રેમપત્રો લખ્યા હતા. ભૂલ સમજાતાં ભોંઠી પડેલી સોનલ રસોડામાં જતી રહી. પંકજે સાવચેતીથી બાના પ્રેમપત્રો ભેગા કરી પાછા કબાટમાં મૂકી દીધા. દીવાલ પરના ફોટામાં બા-બાપુજી સ્વર્ગસ્થ હોવા છતાં સ્મિત કરી રહ્યાં હતાં.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
