ડાયરામાં કહેવાય છે એ રીતે કહું તો `આ ઝગતની માલીપા કંઇકેટલીયે ઝુગલ ઝોડિયું હોય સે..' જેમ કે, બૂટ-મોજાં, ફાફડા-ચટણી, ચડ્ડી-બુશકોટ, ટેબલ-ખુરશી, નેતા-કૌભાંડ વગેરે, પણ એક વસ્તુ એવી છે.

જેણે `પતિ પત્ની ઔર વો'ની જેમ રિલેશનશિપનો `ટ્રાએન્ગલ' બનાવ્યો છે. એ વસ્તુ છે `દોરી'. દોરીને પતંગ સાથે અને ફીરકી સાથે એમ બે વસ્તુ સાથે સંબંધ છે. આમાં દોરીને કોની સાથે `સીધો' સંબંધ છે અને કોની સાથે `આડો' સંબંધ છે એ નક્કી નથી થઈ શકતું, એટલે આપણે આ `ત્રણની ત્રોડી'નો સ્વીકાર કરી લીધો છે. (બે વસ્તુ સાથે હોય તો એને `જોડી' કહે છે, તો ત્રણ વસ્તુઓ સાથે હોય એને `ત્રોડી' કહી અમે સમાજને નવો શબ્દ આપ્યો છે.) ચાલો, તો આ દોરી વિશે થોડું વધારે પિષ્ટપેષણ કરીએ.

આમ તો દોરીઓ ઘણા પ્રકારની આવે છે. જેમ કે, કપડાં સીવવાની દોરી, કપડાં સૂકવવાની દોરી, બૂટની દોરી વગેરે, પણ આ બધાથી પતંગ ના ચડાવી શકાય હોં. પતંગ ચડાવવા ખાસ દોરી આવે છે. જે છ, નવ, બાર, સોળ તારની હોય છે. તેને માંજો પણ કહે છે. આ દોરી ઉર્ફ માંજાનું હજાર વારનું રીલ, ટ્રેલર આવે છે. જેને લોકો `ટેલરિયું' કહે છે. આ ટેલરિયા પરની દોરી તો `કાચી કુંવરી' હોય છે. પતંગ ચડાવવા માટે એને ખાસ સજાવવી પડે છે. તેને દોરી રંગાવવી, માંજો પાવો કહે છે.

દોરી રંગવા માટે સૌથી પહેલાં સાબુદાણાના લોટમાં કલર અને કાચનો ભુક્કો નાખી રોટલી માટેની `કણક' જેવો પિંડ, `લુદ્દી' તૈયાર કરવામાં આવે છે. દૂર દૂર રોપેલા લાકડાના બે થાંભલા પર રીલની બધી કાચી દોરી બાંધવામાં આવે છે અને પછી એના પર તૈયાર કરેલી લુદ્દી ઘસી ઘસીને દોરી તૈયાર કરવામાં આવે છે. ઉત્તરાયણ પહેલાં દોરી રંગનારા સ્પેશિયાલિસ્ટ કારીગરો સુપરસ્ટાર બની જતા હોય છે. એમની જબરજસ્ત ડિમાન્ડ હોય છે. એમની આજુબાજુ જોરદાર ભીડ ભેગી થતી હોય છે. દોરી રંગાવવા માટે લાંબું વેઇટિંગ લિસ્ટ હોય છે. એમને દોરી રંગવાના `મુંહ માંગે દામ' પણ મળતા હોય છે.

એક્સપર્ટ કારીગર દ્વારા જાતજાતના રંગોવાળી દોરીને ફીરકી પર લપેટવામાં આવે છે, ઘરાકોને સુપ્રત કરવામાં આવે છે. સાથે સાથે ઢગલાબંધ ફીરકીઓને બજારમાં વેચવા માટે ઉતારવામાં આવે છે. સ્પેશિયલ કારીગરોની દોરી તેમજ સુરતી દોરી અને બરેલીની દોરી ઊંચા ભાવે વેચાય છે. (બરેલીની દોરી કાળા રંગની આવતી હોવાથી અમે વર્ષો સુધી એને બળેલી દોરી સમજતા હતા.)

પતંગ દોરી માટેની ખાસ પણ સિઝનલ દુકાનની બહાર ઝૂલતી રંગબેરંગી દોરીવાળી ફીરકીઓ પતંગ રસિયાઓના મનને લોભાવતી હોય છે. દોરી, પતંગનો ધંધો કરનારાઓ માટે આ રોકડી કરી લેવાની મોસમ છે. ગળાકાપ સ્પર્ધાની સીઝનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગળા કાપી નાખે એવી દોરીએ એન્ટ્રી લીધી છે. એ છે ચાઈનીઝ દોરી. આ ચાઈનીઝ દોરી ખૂબ જ ખતરનાક, ખોફનાક અને જીવલેણ છે. એટલે જ એના પર સરકારે `બૅન' મૂક્યો છે. તોયે ઘણા લેભાગુ, લાલચુ લોકો એ વેચે છે અને અક્કલ વગરના લોકો એ ખરીદે છે. જેને લીધે જીવલેણ અકસ્માતો થાય છે. તો મારા વાલીડાવ, આ લાફ્ટરમાં એક સિરિયસ વાત કહું છું કે આ ચાઈનીઝ દોરી વેચો નહીં અને ખરીદો પણ નહીં, પ્લીઝ.

યુદ્ધ પહેલાં યોદ્ધાઓ જેમ શસ્ત્રસરંજામ તૈયાર કરીને રાખે છે એમ પતંગ રસિયાઓ ઉત્તરાયણ પહેલાં પતંગ, દોરી, ફીરકીઓ, ગુંદરપટ્ટીઓ તૈયાર કરીને રાખે છે અને પછી ઉત્તરાયણના દિવસે પતંગ, દોરીની ફીરકીઓ લઈ આપણે અગાશીએ ધસી જઈએ છીએ.

પતંગની દોરીનું મુખ્ય કામ પતંગ ચડવામાં મદદ કરવાનું અને બીજાના પતંગ કાપવાનું હોય છે. મોટાભાગે લોકો ખેંચીને કે ઢીલ આપીને સામેવાળાના પતંગ કાપતા હોય છે. મૂળમાં દોરી તો દોરી જ હોય છે, પણ આપણે એને ખેંચની દોરી અને ઢીલની દોરી એમ બે ભાગમાં વહેંચી દઈએ છીએ. મૂળમાં તો જેમાં આપણી ફાવટ હોય એમ દોરીનું નામ આપી દઈએ છીએ. આપણી આવડત ખેંચવાની હોય તો આપણે નક્કી કરી લઈએ છીએ કે, `આ ખેંચની દોરી છે' અને ખેંચતા ન ફાવે તો ઢીલ છોડતા કહીએ છીએ કે, `આ ઢીલની દોરી છે.' પતંગ કપાઈ જાય ત્યારે આપણે દોરીનો અને ફીરકી પકડનારનો વાંક કાઢીએ છીએ. એક વાત તો છે જ કે દોરી ઉપર જ આખી ઉત્તરાયણનો આધાર છે. તો સૌને ઉત્તરાયણની શુભકામના સાથે સારી દોરીની પણ શુભકામના.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો