દરેકેદરેક સ્ક્રીન પર રોજ અનેક જાહેરાતો દૃશ્ય-શ્રાવ્ય હોય છે. એટલું જ નહિ, રેડિયો પર ફક્ત શ્રાવ્ય પણ હોય છે. વિવિધ પ્રકારોની જાહેરાતોનો એક જ હેતુ હોય છે તે ઉપભોક્તાઓને ઓછામાં ઓછા સમય-શબ્દોમાં માહિતી આપી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવાનો. જાહેરાતોના અનેક પ્રકારોમાં એક પ્રકાર છે ભય દર્શાવતી જાહેરાત. જાહેરાતકર્તાઓ આ યુક્તિનો ઉપયોગ વાસ્તવિક લાગે તેવી ધમકી અથવા ભય બતાવીને, ડર અથવા ચિંતા ઊભી કરાવી, ભયની લાગણીની લણણી કરે છે. જોકે, જાહેરાતમાં ભયનો ઉપયોગ કરવો હંમેશાં સારો વિચાર નથી. જો કોઈ જાહેરાત ખૂબ ડરામણી હોય અથવા સમસ્યાને ઉકેલવાનો સ્પષ્ટ માર્ગ ન આપે, તો તે વિપરીત અસર કરી શકે છે. ઘણી ઓનલાઈન જાહેરાતો લોકોને ઝડપથી કાર્ય કરવા માટે પ્રેરિત કરવા માટે FOMO તકનીકનો ઉપયોગ કરે છે.
ભયની જાહેરાત શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?
જાહેરાતોમાં, માર્કેટર્સ દર્શકનું ધ્યાન ખેંચવા માટે સ્પષ્ટ ધમકી અથવા ભય દર્શાવે છે. ભયભીત કરતી જાહેરાત જોનાર ચિંતિત થઇ અથવા બીકના માર્યા જાહેરાતના સંદેશ પર ધ્યાન આપે છે. આવી જાહેરાત પાછળનો વિચાર એ છે કે જોખમ વાસ્તવિક અને વ્યક્તિગત લાગે, જેથી તમને તાત્કાલિક પગલાં લેવાની જરૂર અનુભવાય. ભયનો ઉપયોગ માનવીના કુદરતી લડાઈ અથવા પલાયન સ્વભાવ ઉજાગર કરે છે. આ વૃત્તિનો ઉપયોગ છબીઓ અથવા સંદેશાઓ બતાવીને કરે છે, જે સૂચવે છે કે જો પગલાં લેવામાં નહિ આવે તો કંઈક હાનિકારક થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ જાહેરાત ધૂમ્રપાનને કારણે ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિ અથવા નબળી સ્વચ્છતાથી પ્રભાવિત પરિવાર બતાવી શકે છે. આ છબીઓ અને સંદેશાઓ એક મજબૂત ભાવનાત્મક પ્રતિક્રિયા બનાવે છે જે જાતને બચાવવા માટે પ્રેરિત કરે છે. ફિઅર માર્કેટિંગના ત્રણ મહત્ત્વપૂર્ણ ભાગો હોય છે, વાસ્તવિક અને ચોક્કસ ભય દર્શાવવો, સંદેશની ભાવનાત્મક અસર થવી જોઈએ, જેથી જોનારને ભય તેમજ ચિંતાનો અનુભવ થાય અને જાહેરાતમાં ખતરાથી બચવા માટે શું કરવું તે બરાબર જણાવવું. આવી જાહેરાતોનો ઇતિહાસ લાંબો છે. ઘણી જાણીતી ઝુંબેશોએ ધ્યાન ખેંચવા અને કાર્યવાહી કરવા માટે ડરનો ઉપયોગ કર્યો છે. મોંમાંથી આવતી વાસનો ભય; જાહેરાતમાં દુર્ગંધ ધરાવતી વ્યક્તિને બતાવીને ગ્રાહકોને માઉથવોશ કે ટૂથપેસ્ટ ખરીદવા ઉક્સાવવામાં આવે છે, પરંતુ મોંમાંથી આવતી દુર્ગંધ માટે ડાયાબિટીસ, કબજિયાત સહિત અનેક કારણો જવાબદાર હોય છે. યંગ જનરેશનને તો મોંમાંથી આવતી સુગંધ છોકરા કે છોકરીને આકર્ષિત કરી શકે છે તેવું પ્રલોભન પણ બતાવવામાં આવે છે. આવું જ પ્રલોભન અને ડર પરફ્યૂમની જાહેરાતમાં પણ બતાવવામાં આવે છે. પ્રલોભન છોકરીઓ લપટાઈ જાય તે અને ડર શરીરમાંથી આવતી ગંધના કારણે છોકરીઓ દૂર ભાગે તે. આ ડરનો ઉપયોગ કરવાનું ઉત્તમ ઉદાહરણ છે. તે રોજિંદી ચિંતાઓમાં દબાણ કરે છે, લોકો આકર્ષવા કે દૂર ભાગતા અટકાવવા આવી વસ્તુઓ ખરીદે છે. લોકોની વર્તણૂક પર મજબૂત અસર કરી શકે છે. જ્યારે ડરનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે, લોકોને વર્તનમાં ફેરફાર કરવા અને સુરક્ષિત પસંદગીઓ કરવા માટે પ્રેરિત કરે છે. જોકે, વધુ પડતો અને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે નકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી શકે છે.
આ એક શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ નિર્ણયોને પ્રભાવિત કરવા માટે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. કેટલીક જાહેરાતો ખૂબ ભયાનક હોય છે. જોકે, ગ્રાહકો માર્કેટિંગ યુક્તિઓ પ્રત્યે વધુ જાગ્રત થઈ રહ્યા છે, તેમ છતાં ડરની ભાવના પ્રત્યે માનવ સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો