એક સમય એવો હતો જ્યારે ભારતની નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીઓ વિશ્વમાં પંકાતી હતી. સમય બદલાયો. અંગ્રેજોએ આપણા દેશ ઉપર બસો વર્ષ રાજ કર્યું અને શિક્ષણની બાબતમાં ખૂબ જ પ્રગતિ કરી.

એની ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશ્વમાં પંકાવા લાગી. આપણા લગભગ બધા જ નેતાઓએ એમનું ઉચ્ચ શિક્ષણ ઓક્સફોર્ડ યા કેમ્બ્રિજની યુનિવર્સિટીમાં લીધું છે. સમય પાછો બદલાયો ઈંગ્લેન્ડની જગ્યાએ શિક્ષણની બાબતમાં અમેરિકાની હાર્વર્ડ, સ્ટેનફર્ડ યુનિવર્સિટીએ અગ્ર સ્થાન મેળવ્યું. વિશ્વના બધા જ દેશોના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જવા લાગ્યા. ભારત પણ એમાં કંઇ અપવાદ નહોતો. ભારતીય વિદ્યાર્થીઓ પણ અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જવા લાગ્યા. ગયા વર્ષે તો લગભગ ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરતા હતા.

જો કોઈ પરદેશી વિદ્યાર્થીને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો એણે `એફ-1' સંજ્ઞા ધરાવતા `નોન ઈમિગ્રન્ટ' વિઝા મેળવવા પડે. આ વિઝા મેળવવા માટે સૌ પ્રથમ અંગ્રેજી ભાષા ઉપર કાબૂ હોવો જોઈએ. પછી જે અભ્યાસ કરવા જવાના હોય બેચલર્સ કે માસ્ટર્સનો એના માટે જરૂરી એવી `સેટ' કે `જીમેટ' યા `જીઆરએ'ની પરીક્ષા આપવાની રહે. અંગ્રેજી આવડે છે એ દેખાડી આપવા માટે `ટોફેલ'ની પરીક્ષા આપવાની રહે છે. અમેરિકાની યુનિવર્સિટીઓની જે ધરખમ ટ્યુશન ફી એમની પાસે છે એ પણ દેખાડી આપવાનું રહે છે.

આ સ્ટુડન્ટ વિઝા જેની સંજ્ઞા `એફ-1' છે એ મેળવીને તમે અમેરિકામાં પ્રવેશો ત્યારે તમને જે `એફ-1' વિઝા આપવામાં આવ્યા હોય એનો સમય ગમે તેટલો હોય, પણ ઈમિગ્રેશન ઓફિસરો તમને પ્રવેશ આપતી વખતે તમારા પાસપોર્ટ ઉપર `ડી/એસ' એવું લખીને આપે છે. આનો અર્થ `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ' એટલે કે તમે જ્યાં સુધી એક વિદ્યાર્થી હોવ જ્યાં સુધી અમેરિકામાં ભણતા હોવ ત્યાં સુધી તમારા આ વિઝા વેલિડ ગણાય. તમને જે આપવામાં આવ્યા હોય એ `એફ-1' વિઝાનો સમય ગમે તેટલો હોય જો અમેરિકામાં અભ્યાસ કરતા હોવ તો ત્યાં રહી શકે.

સામાન્ય રીતે બેચલર્સનો કોર્સ બેથી ચાર વર્ષનો હોય છે. માસ્ટર્સનો કોર્સ બે વર્ષનો હોય છે. પીએચડી કરો તો એના માટે પાંચથી સાત વર્ષ લાગે છે. ડ્યુરેશન સ્ટેટ્સ ઉપર તમે આ બધો જ સમય અમેરિકામાં રહી શકો છો. તમે બેચલર્સનો કોર્સ કરવા ગયા હોવ અને એ પૂરો થાય પછી તમે માસ્ટર્સનો કોર્સ કરો એ પૂરો થાય પછી તમે ડોક્ટરેટ કરો એ પણ પૂરો થાય, તમે ડોક્ટરેટની પદવી મેળવો એ છતાં તમારે અમેરિકામાં રહેવું હોય તો તમે બીજો કોઈ કોર્સ લો અને એ ભણવાનું શરૂ કરો. તો તમને જે `એફ-1' વિઝા આપ્યા હોય અને તમને `ડી/એસ' ઉપર અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવ્યા હોય એટલે તમે ત્યાં રહી શકો.

આમ જે `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ'ની પરવાનગી આપવામાં આવતી હતી એનો અનેકો ગેરલાભ લેતા હતા. ભણવાનું પૂરું થઈ જાય, માસ્ટર્સનો કોર્સ કરવો હોય એ પૂરો થઈ જાય પછી તેઓ નોકરી શોધતા હોઈ નેવું દિવસની અંદર નોકરી મેળવવાની હોય. ઓપ્શનલ ટ્રેનિંગ પિરિયડમાં પણ એ ન મળે, તો ભારત પાછા આવવાને બદલે તેઓ બીજા કોઈ સબ્જેક્ટમાં માસ્ટર્સ કરવા લાગે. એટલે બીજા બે વર્ષ તેઓ અમેરિકામાં રહી શકે. આ માટે એમણે ફરી પાછા સ્વદેશ આવીને વિઝા મેળવવાની જરૂરિયાત ન રહે. `ડી/એસ' એટલે કે `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ' ઉપર સ્ટુડન્ટ હોવ ત્યાં સુધી અમેરિકામાં રહી શકો.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે જોયું કે અનેક પરદેશી વિદ્યાર્થીઓ `ડી/એસ'ની છૂટનો ગેરલાભ ઉઠાવે છે. તેઓ અમેરિકામાં ખોટા ભણવાના કોર્સ લઈ લાંબો સમય રહે છે અને ખોટી રીતે નોકરીઓ કરે છે. આથી એમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો જેના કારણે એમણે આ `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ' બંધ કર્યું.

હવે તમે અમેરિકામાં ભણવા માટે આવો અને `એફ-1' સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવો તો તમે એ `એફ-1' વિઝા ઉપર ફક્ત ચાર વર્ષ જ અમેરિકામાં રહી ભણી શકો. જો તમે જે કોર્સ કરતા હોવ એ ચાર વર્ષમાં પૂરો ન થાય તો તમારે તમારા દેશમાં પાછા જઈને અરજી કરીને વિઝા મેળવીને પછી અમેરિકામાં આવી તમારું ભણતર કન્ટિન્યૂ કરવાનું રહે. તમે જો બેચલર્સનો કોર્સ કર્યો હોય, પણ હવે માસ્ટર્સનો કરવા માગતા હોવ પણ તમારાં ચાર વર્ષ અમેરિકામાં પૂરાં થઈ ગયાં હોય તો તમે પહેલાંની જેમ ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ એટલે કે જ્યાં સુધી ભણો છો, જ્યાં સુધી વિદ્યાર્થી છો ત્યાં સુધી અમેરિકામાં રહી શકો એવું કરી શકતા નથી. તમારે ફરી પાછા તમારા દેશમાં જઈને સ્ટુડન્ટ વિઝા મેળવવાના રહે છે.

આ નિયમથી જે ખોટું કરતા હતા `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ'નો ગેર ઉપયોગ કરતા હતા એ લોકો તો અટકી જશે,

પણ અનેક વિદ્યાર્થીઓ જેઓ ખરેખર અમેરિકામાં ભણવાની ઈચ્છા ધરાવે છે અને બેચલર્સનો કોર્સ કર્યા પછી માસ્ટર્સનો કોર્સ કરવા ઈચ્છે છે કે પછી ડોક્ટરેટ કરવા ઈચ્છે છે તો એમણે દર ચાર વર્ષે સ્વદેશ પાછા આવી નવા વિઝા મેળવાના રહેશે. આ કારણસર એમને ખર્ચો થશે. હવે `એફ-1' વિઝા ઈન્ટરવ્યૂ માટે સમયમાં પણ બહુ વાર લાગે છે. વિદ્યાર્થીને એ પણ પ્રશ્ન સતાવતો હોય છે કે એમને ફરી પાછા `એફ-1' વિઝા મળશે કે નહીં.

પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં કંઈ ને કંઈ થોડું યા વધારે ગેરકાયદેસર કામ યા વર્તન કરતા હોય છે. એ લોકો વિઝા લેવા પોતાના દેશમાં આવે તો કદાચ એમને વિઝા આપવામાં ન આવે. જો વિઝા આપવામાં આવશે પછી તેઓ અમેરિકામાં પ્રવેશતા હશે ત્યારે એમને કદાચ પ્રવેશ આપવામાં નહીં આવે.

ભારતીય વિદ્યાર્થીઓને હંમેશાં મનમાં શંકા રહ્યા કરશે, પ્રશ્ન ઉપસ્થિત થયા કરશે કે, શું અમને ફરી પાછા સ્ટુડન્ટ વિઝા મળશે?