બોટનિકલની દુનિયામાં ઘણીવાર દુર્લભ વનસ્પતિ, છોડ કે ફૂલ જોવા મળે છે. ભારતના અરુણાચલ પ્રદેશમાં એક એવા દુર્લભ પ્રજાતિનો છોડ જોવા મળ્યો છે, જેને 19મી સદીની શરૂઆતમાં જોવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ આ છોડ ક્યાંય જોવા મળ્યો ન હતો. આ છોડ અંદાજિત 189 વર્ષ બાદ જોવા મળ્યો છે, જેનું નામ `હેન્કેલિયા મોનોફિલા'છે. મૂળ આ છોડની શોધ ભારતના બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા(BSI)ના વૈજ્ઞાનિકોએ કરી છે. પ્રસ્તુત છોડ ગેસનેરિયાસી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જે ખાસ પ્રકારની બહુવર્ષીય જડીબુટ્ટી ધરાવતો છોડ માનવામાં આવે છે અને તે ભેજવાળા તેમજ ગાઢ જંગલોમાં ખાસ જોવા મળે છે. સામાન્ય રીતે, હેન્કેલિયા પ્રજાતિના છોડમાં સીધી કે થોડી વળેલી દાંડી જોવા મળતી હોય છે. તેનાં પાંદડાંનો આકાર અંડાકાર કે ભાલા જેવો જોવા મળે છે. આ છોડમાં જે ફૂલ થયાં છે તે એક અથવા તો ખૂબ જ ગુચ્છાઓમાં જોવા મળતાં હોય છે. આ છોડનાં ફળ લાંબી સિંગો સ્વરૂપે વિકસે છે જેમાં નાનાં બીજ હોય છે, જે યોગ્ય પરિસ્થિતિઓમાં સરળતાથી ફેલાય છે અને નવા છોડને જન્મ આપે છે.
વાંદરાંઓ ભગાડવા હોય તો રીંછ બની જાઓ
જગતના તાત કહેવાતા ખેડૂત પોતાના પાકને ખૂબ જ દિલથી ચાહતા હોય છે. તેમના પાકને કોઇ નુકસાન ન કરે તે માટે તેઓ પૂરતી તકેદારી રાખતા હોય છે, પરંતુ ઘણીવાર તેમના પાક પર કેટલાંક પશુ-પંખીઓના હુમલાથી ઘણું નુકસાન વેઠવું પડતું હોય છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પણ ઘણા ખેડૂતો વાંદરાંઓનાં ટોળાંના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. અહીં વાંદરાંઓનાં ટોળાં પાકને ખાઈ-ખાઈને ખૂબ જ નુકસાન પહોંચાડતા હતા અને તેમની ધમાલમાં પાકને તોડી પણ નાખતા હતા, તેથી ત્યાંના ખેડૂતોએ કંટાળીને રીંછ બનવાનો નિર્ણય કર્યો! અહીં મોટાભાગના ખેડૂતો રીંછ જેવું જેકેટ અને મહોરું પહેરીને વાંદરાના ટોળાને સફળતાથી દૂર કરી રહ્યા છે. જેટલા પણ ખેડૂતો રીંછનાં જેકેટ, મહોરાં પહેરીને ખેતરમાં ફરી રહ્યા છે, તેનાથી વાંદરાંઓનાં ટોળાં દૂરથી જ ભાગી જાય છે અને તે ખેતરમાં જવાની હિંમત કરતા નથી. ટૂંકમાં, અહીંના ખેડૂતોને ફટાકડા ફોડવા કે થાળી-વાટકાના ભેદી અવાજથી મુક્તિ મળી ગઇ છે અને રીંછના નકલી પહેરવેશથી ઘણો ફાયદો થઇ રહ્યો છે. સંભલની આસપાસ રહેતા ખેડૂતો પણ તેમના આ સફળ પ્રયોગથી આકર્ષાયા છે.
સિકંદરનું ખોવાયેલું શહેર મળ્યું
દુ નિયા પર ફતેહ કરવા માટે એલેક્ઝાન્ડર નીકળ્યો હતો. તેને લોકો પ્રેમથી સિકંદર તરીકે બોલાવતા હતા. થોડા દિવસ પહેલાં જ પુરાતત્ત્વવિદો દ્વારા તેણે વસાવેલા અંદાજિત 2000 વર્ષ જૂના શહેરને શોધી કાઢ્યું છે. આ પ્રાચીન શહેર દક્ષિણ ઇરાકમાં, પર્શિયન ગલ્ફની નજીક આવેલું છે. તેનું નામ ટાઇગ્રિસ નદી પરથી એલેક્ઝાન્ડ્રિયા હોવાનું કહેવાય છે, જે અંદાજિત સૌથી જૂના બંદર પૈકીના એક બંદર તરીકે ઓળખવામાં આવતું હતું. નોંધનીય છે કે, આ શહેર પ્લસ તેને બંદર ખાસ એટલા માટે ગણવામાં આવતું હતું કે તે ભારત, મેસોપોટામિયા અને ભૂમધ્ય સાગરના વચ્ચેના સંપર્ક માટે મહત્ત્વનું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રસ્તુત શહેરને શોધવા માટે વૈજ્ઞાનિકોએ ડ્રોન ઇમેજિંગ અને આધુનિક ભૂ-ભૌતિક ટેક્નિકનો ઉપયોગ કરીને આ વિસ્તારનો વિશેષ અભ્યાસ કર્યો છે. આ ટેક્નિકોએ નકશા પર શહેરની દીવાલો, રસ્તાઓ અને મોટા વિસ્તારોને સ્પષ્ટપણે જાહેર કર્યાં છે, જે તે વાતની સાબિતી આપે છે કે આ એ જ પ્રાચીન શહેર છે, જેનો ઐતિહાસિક દસ્તાવેજોમાં ઉલ્લેખ જોવા મળે છે. અલબત્ત, અહીં ખોદકામ દરમિયાન ધાર્મિક સ્થળ તેમજ મજબૂત કિલ્લાબંધી ઉપરાંત અન્ય કાર્યશાળાઓના અવશેષો પણ જોવા મળ્યા હતા. આ શહેરને ખુદ સિકંદરે વસાવ્યું હતું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો