હજુ આઝાદીનાં એંધાણ વરતાયાં નહોતાં. રાજાશાહીનો જાજરમાન જમાનો હતો. ત્યારે રંગીલા ને રળિયામણા નગર રાજકોટમાં રાજવીની દિલાવરી ને કદરદાનીની આ ઘટના ઘટી હતી.

દિવસ ઊગીને પોતાનું આકરું ને તપીલું પોત પ્રકાશે એ પહેલાં એક રજવાડી બગી ગુજરાતી ગર્લ્સ સ્કૂલના પહોળા પ્રાંગણમાં આવીને ઊભી રહી હતી. થોડીવારે બગીમાંથી નગરના રાજવી લાખાજીરાજ ઊતર્યા હતા. સ્કૂલના ફૂલડાં જેવાં ભૂલકાંઓ તેઓને વિસ્મયથી જોવા લાગ્યાં હતાં, પણ કન્યાશાળાનો સમગ્ર સ્ટાફ એક ઉચાટ સાથે તહેનાતમાં લાગી ગયો હતો.

દરબારશ્રી લાખાજીરાજ ધીરગંભીરપણે ડગ માંડતા સ્કૂલના દરવાજે આવીને અટક્યા હતા. જોયું તો દરવાજે એક બોર્ડ લટકતું હતું, પણ બોર્ડ પર રાજવીની નજર ગઈ નહિ. આમ તો સ્ટાફમાં ખબર હતી વળી રાજવી સાથે આવેલા હજુરિયાઓ પણ અજાણ નહોતા. છતાંય સૌના મનમાં હતું, આ બોર્ડ પર લખવામાં આવેલી સૂચના પ્રજાજન કે સામાન્ય માણસ માટે હોય, રાજા માટે ન હોય.

બોર્ડમાં સ્પષ્ટ સૂચના લખવામાં આવી હતી: `કોઈ પુરુષોએ રજા સિવાય ઉપર આવવું નહિ.' પણ રાજકોટ રાજના તાબા હેઠળની સ્કૂલ અને ખુદ દરબાર સાહેબની પધરામણી હોય તેમાં કોઈને કહેવાની કે પૂછવાની વાત જ ન આવેને? સૌના મનમાં આવી ધારણા હતી.

સર લાખાજીરાજ ધીમેથી દાદરનું એક પગથિયું ચઢ્યા હતા ત્યાં એક બડકમદાર અવાજ રાજવીના કાને અથડાયો હતો: `બાપુ!' અવાજમાં ભારોભાર મક્કતા ભરેલી હતી: `આપ અમારા અન્નદાતા છો, પાલનહાર છો પણ...' મહામના રાજવીએ એકદમ મોં ફેરવીને પાછળ જોયું હતું તો સામે સ્કાઉટ ગાઈડનાં શિક્ષિકા કાશીબહેન પૂરા અદબ સાથે ઊભાં હતાં. આ બોલવું, કહેવું પણ તેમનું જ હતું.

કાશીબહેન તો ફરજપાલન અને શિસ્તના ભારે આગ્રહી. કન્યાકેળવણી તેમનો જીવનમંત્ર. તેમાં સહેજ પણ બાંધછોડ કરે નહિ. વળી, જરૂરી હોય ત્યાં કોઈની શરમ ભરે નહિ. ચમરબંધીને પણ છોડે નહીં. તેમણે કશો ભે રાખ્યા વગર કે રાજા સાહેબની છેહશરમ રાખ્યા વગર પૂરી અદબ સાથે, માનવંતા રાજવીનો માન-મરતબો જાળવીને મક્કમ છતાં દબાતા સ્વરે કહ્યું હતું: `આપ બોર્ડ વાંચો!'

રાજવીની નજર બોર્ડ પર ગઈ હતી. બોર્ડમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું, પુરુષોએ રજા સિવાય ઉપર જવું નહિ. ત્યાં કાશીબહેને આગળ ઉમેર્યું હતું: `છતાંય આપ ઉપર જવા ઇચ્છતા હો તો હેડમિસ્ટ્રેસની મંજૂરી મેળવીને જઇ શકો છો.' તેઓએ બિન્ધાસ્તપણે પોતાની ફરજ અદા કરી હતી.

`માર્યા.' કોઈક સમસમીને બોલી ગયું હતું: `નક્કી આ બાઇનું મોત ઢૂંકડું આવ્યું લાગે છે. નહિતર દરબાર સાહેબને આવું કહેવા, સંભળાવવા તૈયાર નો થાય.' નજરોનજર જોનારાં સૌ મોંમાં આંગળાં ઘાલી ગયાં હતાં. ત્યાં કોઈકના હૈયે હતું તે હોઠે આવીને ઊભું રહ્યું હતું: `આ દોઢડાયી માસ્તરાણીને કહેવું પણ શું, ભોંમાંથી ભાલા ઊભા કરે છે!'

`મારો બાપલિયા, જે થાય તે થાવા દ્યો!' આવું કહેનારા પણ હાજર હતા.

સ્કૂલના પહેલા માળે હેડમિસ્ટ્રેસ પાર્વતીબા સ્કૂલની બાળાઓને રાસ-ગરબાની પ્રેક્ટિસ કરાવતાં હતાં. તેમાં સ્વયં સ્પષ્ટ હતું, બાળાઓને કોઈ પુરુષ આગમનથી તેમના મુક્ત અભિનયમાં ખલેલ ન પહોંચે, એવો ઉમદા ઉદ્દેશ, આવી સૂચના લખવા પાછળનો હતો અને એક મર્યાદા

પણ હતી.

હેડમિસ્ટ્રેસ પાર્વતીબાને ખ્યાલ આવી ગયો હોય કે પછી ગમે તે હોય, પણ સમાચાર સાંભળી તરત નીચે આવ્યાં હતાં. પૂરતી અદબ સાથે રાજવીને નમસ્કાર કર્યા પછી બે હાથ જોડી વિનંતી કરી હતી: `મા'રાજ

સાહેબ, પધારો.'

દરબાર સાહેબ તો ઉપર પધારવા આતુર છે, પણ દોઢ ડહાપણ કરી આવું બોર્ડ લટકાવ્યું છે અને પાછું તો ખુદ રાજવીને કહી સંભળાવ્યું બોર્ડ વાંચી જુઓ. સૌ ગુસ્સાથી તમતમી ઊઠ્યાં હતાં.

સર લાખાજીરાજને પાર્વતીબા બાઅદબ સ્કૂલના ઉપરના ભાગે લઇ ગયાં હતાં. બાળાઓના રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી, સમજાવી પછી બાળાઓના રાસની રમઝટથી દરબાર સાહેબનો સત્કાર કરવામાં આવ્યો હતો. બાળાઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગમી હતી, સારી લાગી હતી. પછી સદ્ભાવ સાથે સ્કૂલમાંથી વિદાઈ લીધી હતી.

હાશ, કહેતા એક જાતનો હાશકારો અનુભવ્યો હતો. હવે પછી આવી હરકત ન કરવી તેવી મનમાં ઘોડાગાંઠ વાળી લીધી હતી, પણ વળતા દિવસે કાશીબહેનને રાજનું તેડું આવ્યું હતું. તેમણે જ રાજવીને ઉપર જતા અટકાવ્યા હતા. `એક રાજાને ના પાડવાનું કે તેમની આગળ દોઢ ડહાપણ કરવાનું પરિણામ શું આવે તે હવે ખબર પડશે.' કોઈ કહેતા હતા: `હવે આવી બન્યું સમજો !'

`ગમે તે હોય પણ બધાએ પોતાની મર્યાદામાં

રહેવું જોઈએ.'

કાશીબહેનને રાજવીની આજ્ઞા પાળવા સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. વળી મનથી પણ એટલા જ મજબૂત હતાં. જે થાય તે, પડશે તેવાં દેવાશે. પોતે ફરજનું પાલન કર્યું છે, ચિંતા શું કરવી?

તેઓ રુઆબભેર રાજવી સામે ઊભાં રહ્યાં હતાં, પણ સૌની ધારણા સાવ પોકળ નીવડી હતી. સર લાખાજીરાજે શિક્ષિકા કાશીબહેનનાં તેમની ફરજનિષ્ઠા અને શિસ્તના ભરપેટ વખાણ કરતાં કહ્યું: `અમારા રાજમાં આવાં ફરજનિષ્ઠ ગુરુજીઓ છે, કન્યાકેળવણીના આગ્રહી છે તેનો અમોને ગર્વ છે.'

 પછી કાશીબહેનની કદરરૂપે સર લાખાજીરાજે બે માસનો પગાર ભેટ તરીકે આપ્યો હતો.