આપનાં બાળકો અને પરિવાર અંગે ધ્યાનથી વિચારો - આવાં બોર્ડ મહદંશે રસ્તાઓ ઉપર અકસ્માત નિવારવા બેફામ ડ્રાઈવિંગ ન કરવાની સલાહ આપવા માટે લગાવેલાં હોય છે.
પરંતુ ચેતવણી આપતાં આ પ્રકારના લખાણવાળાં બોર્ડ જંગલમાં વાંચવા મળે તો આશ્ચર્ય જરૂર થાય. જાપાનનું એક જંગલ જીવન ટૂંકાવી દેવા માટે લોકો ઘણું પસંદ કરતા હોવાને કારણે ત્યાં આત્મહત્યા ન કરો એવા ઉદ્દેશ સાથે ચેતવણીનાં બોર્ડ લગાવેલાં જોવા મળે છે. જાપાનનું એ વન એટલે ઑકિગહરાનું જંગલ!
વિક્રમે સવાલનો જવાબ આપ્યો કે તરત જ તેના ખભેથી વેતાળ ઝાડ પર લટકી ગયો. વિક્રમ અને વેતાળની વાર્તામાં વૃક્ષ પર લટકતી લાશનો એ નજારો જંગલમાં જોવા મળી જાય તો કેવી કમકમાટી પેદા થઈ જાય? ફળ કે ફૂલથી લચી પડતાં વૃક્ષોને બદલે મૃતદેહો લટકતા જોવા મળે તો ભયથી કોણ છળી ન મરે? આ વાત ભલે એક નરી કલ્પના લાગે, પણ જાપાનમાં એક એવું જંગલ છે, જ્યાં દર વર્ષે સોથી વધુ લોકો આત્મહત્યા કરી લે છે! એ કારણે જ ઑકિગહરા નામનું એ જંગલ સ્યુસાઈડ જંગલ તરીકે ઓળખાય છે!
જંગલ એટલે વૃક્ષો બેસૂમાર હોય, દિવસે પણ સૂર્યનો પ્રકાશ માંડ ધરતી પર આવી શકે એવો હોય, છતાં તેની વચ્ચેથી પસાર થતી કેડી પર ઘૂમનારા અનેક લોકો હોય. હરિયાળી વચ્ચે કુદરતનો આનંદ માણવા માટે અનેક લોકો જંગલમાં ઘૂમતા હોય છે. એ ખરું કે જંગલી પ્રાણીઓ હોય તો ડર જરૂર લાગે, પણ વનરાજીનું આકર્ષણ પણ અનોખું હોય છે. જાતજાતના આભને આંબતાં વૃક્ષો ઉપર કલરવ કરતાં પંખીઓને માણવાનું કોને ન ગમે? હા, વન્યજીવોને કારણે થોડો ડર જરૂર રહે, પરંતુ રામસે બ્રધર્સની ફિલ્મની જેમ વૃક્ષ પર મૃતદેહ લટકતા જોવા મળે તો તો છળી જવાય. હા, ઘણા લોકો વૃક્ષ પર ફાંસો ખાઈ લેતા હોવાના સમાચાર આપણે ત્યાં પણ આવતા હોય છે, પરંતુ ઑકિગહારાની વાત સાવ અનોખી છે. દર વર્ષે ત્યાં સોથી વધુ મૃતદેહો મળી આવતા હોવાને કારણે એમ લાગે કે જાણે એ જંગલમાં લોકો ફરવા માટે નહીં, પણ આત્મહત્યા કરવા માટે જ જાય છે.
જાપાનની રાજધાની ટોકિયોથી દૂર માઉન્ટ ફૂજી નામનો વિશ્વભરમાં જાણીતો પર્વત આવેલો છે. તેની ઉત્તર પશ્ચિમે 35 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું આ જંગલ દુનિયાના સૌથી જાણીતાં આત્મહત્યા માટેનાં સ્થળોમાં બીજા નંબરે આવે છે. આ વન એટલું ગાઢ છે કે તેમાં ભૂલા પડી ગયા બાદ બહાર નીકળવું મુશ્કેલ છે. ખાસ તો મોબાઈલ પણ કામ આવતો ન હોવાને કારણે ભૂલા પડેલાઓ માટે માર્ગ શોધવો મુશ્કેલ થઈ જાય છે, તો દિશાશોધન માટે વપરાતા કંપાસની સોય પણ પાગલ થઈ હોય એમ ચોક્કસ દિશા દેખાડતી નથી. એમ માનવામાં આવે છે કે જ્વાળામુખીના લાવાની જમીન બનેલી હોવાને કારણે તેમાં લોખંડની માત્રા વધુ છે. લોખંડની ચુંબકીય અસરને કારણે કંપાસની સોય દિશા નિર્ધારિત કરી શકતી નથી. આ સંજોગોમાં કોઈ ભૂલું પડે તો બહારની દુનિયા સાથે સંપર્ક સાધવો મુશ્કેલ થઈ પડે છે. એ સંજોગોમાં ભૂલા પડેલાઓમાંથી કેટલાક જંગલી પ્રાણીઓનો શિકાર થઈ જાય છે, તો કેટલાક વળી જંગલમાંથી બહાર નહીં નીકળાય એવા ડરથી ગભરાઈને આત્મહત્યા કરી લેતા હોય છે. એ કારણે ઑકિગહરા જંગલમાંથી મૃતદેહો મળતા રહે છે.
કોઈક લાશ જમીન પર સડેલી મળી આવે તો કેટલાક મૃતદેહો વૃક્ષ પર લટકતા જોવા મળે છે. મૃતદેહો મળવાની ઘટનાઓને કારણે એવી માન્યતા પણ ફેલાયેલી છે કે ઑકિગહરામાં ભૂતોનો વાસ છે અને તેઓ લોકોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. જંગલની નજીકમાં રહેતા લોકોનું કહેવું છે કે ઘણી વાર રાત્રે જંગલમાંથી લોકોની ચીસ સંભળાતી હોય છે.
એ કારણે જ તમારું જીવન તમારાં માતા-પિતાએ આપેલી કીમતી ભેટ છે, એવાં બોર્ડ લગાવીને વનખાતું લોકોને આત્મહત્યા ન કરવા માટે પ્રેરણા આપે છે. એમ છતાં વૃક્ષોના મહાસાગર તરીકે પણ ઓળખાતા આ વનમાં લોકો આત્મહત્યા માટે પહોંચી જતા હોય છે. એ કારણે જ સ્યુસાઈડ જંગલ તરીકે ઑકિગહરા બદનામ પણ છે.
