એમ તો વિશ્વના તમામ દેશ-ટાપુ પર પુરુષો જઈ-આવી શકે એવું માનતા હોય તો તમે ભૂલો છો. એક ટાપુ એવો છે કે જ્યાં પુરુષો જઈ શકતા નથી. ફક્ત મહિલાઓનું જ રાજ ચાલે છે. એ ટાપુ એટલે ફિનલેન્ડ નજીક આવેલો છે. ફક્ત મહિલાઓ જ ત્યાં રહી શકે અને પુરુષો આસપાસ ફરકી પણ ન શકે એવો એ ટાપુ એટલે સુપર શી .

આફ્રિકામાં માનવી ઉત્ક્રાંતિ દ્વારા પેદા થયો, એ સમયથી આદમ અને ઈવ બધે જ સાથે આગળ વધતાં રહીને ધરતી પરના એન્ટાર્કટિકા સિવાયના તમામ ખંડો પર માનવ વસ્તીનો પ્રસાર કરી શક્યાં છે. આજે તો ધરતી પર ચારેકોર માનવ વસ્તી જોવા મળે છે. સ્વાભાવિક રીતે જ માનવીનું અસ્તિત્વ જ સ્ત્રી-પુરુષોના સહઅસ્તિત્વથી જ ટકેલું છે. એ સંજોગોમાં દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ તો પણ મહિલા અને પુરુષો જોવા મળતાં જ હોય છે, પરંતુ એક સ્થળ એવું પણ છે, જ્યાં ફક્ત મહિલાઓ જ રહે છે. એ ટાપુ ફિનલેન્ડ નજીક બાલ્ટિક સમુદ્રમાં આવેલો છે. ફિનલેન્ડ સહિતના સ્કેન્ડેવિયન દેશોમાં કુદરતે છૂટા હાથે મહેર કરી છે. પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે વસ્તી ઓછી હોવાને કારણે આ દેશોમાં સુવિધા પૂરતી હોવાને કારણે સુખની અનુભૂતિ થતી રહે છે. ખાસ તો કામ કરતાં જીવનને વધુ પ્રાધાન્ય અપાતું હોવાને કારણે એ દેશોમાંથી મોટા ભાગના દેશો દુનિયાના સૌથી સુખી દેશોમાં સ્થાન મેળવે છે. ખૈર, ફિનલેન્ડ પણ એવો જ એક દેશ છે. તેની પડોશમાં જ એક ટાપુ આયલેન્ડ શી આવેલો છે. પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ એ ટાપુ પર ક્યાંય પુરુષ જોવા મળે નહીં!

એમ કેમ?

8.4 એકર જમીનમાં પથરાયેલા આ આયલેન્ડ પર ફક્ત મહિલાઓ જ જઈ શકે છે. વાસ્તવમાં આ ટાપુ લક્ઝરી વેલનેસ રિટ્રીટ તરીકે વિકસાવાયો છે. આ ટાપુ પર મળતી સુવિધાઓ બેમિસાલ હોય છે. ક્રિસ્ટીના રોથ નામની મહિલાએ આ ટાપુ વિકસાવ્યો છે. એ વખતથી જ એ ટાપુ વાસ્તવમાં એક પર્યટન સ્થળ છે, પરંતુ એ સ્થળે ફક્ત મહિલાઓ જ જઈ શકે છે. આખી દુનિયામાં મહિલા-પુરુષોનું સહઅસ્તિત્વ જોવા મળે છે. એકલી રહેતી મહિલાઓને પણ નોકરી કે અડોશપડોશમાં પુરુષો સાથે પનારો પડતો જ હોય છે. એ સંજોગોમાં મહિલાઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને તરોતાજા કરવા માટે એકાંત મળતું નથી. એ કલ્પનામાંથી જ આયલેન્ડ શી વિકસાવાયો છે. સાંસારિક જીવનમાં સતત દબાણ હેઠળ બધા રહે છે. મહિલાઓએ તો ઘર અને નોકરી બંને સંભાળવાનાં રહેતાં હોવાને કારણે ઘણી મહિલાઓ વધુ દબાણ અનુભવે છે. દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો બધું જ છોડીને ક્યાંક એકાંતમાં ભાગી જવાનું મન થતું હોય છે, પરંતુ એવાં સ્થળો ખાસ મળતાં નથી. હિમાલય જેવા વિસ્તારમાં જવામાં વિષમતા સામે પણ ઝઝૂમવું પડતું હોય છે. એટલે એ શારીરિક અને માનસિક રીતે બીજા તણાવ પેદા કરી શકે છે, પરંતુ સરળતાથી પહોંચી શકાય, બધી સુવિધાઓ મળી શકે અને પોતાનું એકાંત માણી શકાય એવું સ્થળ મહિલાઓ માટે જરૂરી છે. બધી જ પળોજણથી છૂટીને શારીરિક આરામ મળવા સાથે માનસિક રીતે પ્રફુલ્લિત થઈ જવાય એવી સુવિધાઓ મળતી હોય તો મહિલાઓને જાણે સ્વર્ગ મળ્યાનો અનુભવ થઈ શકે. જીવનમાં એવો કેટલોય સમય આવી શકે કે જ્યાં બધા જ વળગણ છોડીને પોતાનામાં સમાઈ જવાનું મન બધાને જ થતું હોય છે.

મહિલાઓ પણ પોતાને સમજી શકે એવું, જાતને ઓળખી શકે એવું સુરક્ષિત સ્થળ મળે તો સ્વઓળખ મેળવી શકાય એ માટે આયલેન્ડ શી વિકસાવાયો છે. ભીડ થઈ જાય તો પણ એકાંત રહેતું નથી, એ કારણે જ એ ટાપુ પર એક સમયે ફક્ત 10 મહિલાઓ જ જઈ શકે છે. જાતને ઓળખવા માટે આ દસ મહિલાઓ યોગ અને ધ્યાન કરી શકે છે. એ ઉપરાંત હાઈકિંગ, બાલ્ટિક સમુદ્રમાં ક્યાકિંગ, વેલનેસ વર્કશોપ અને કૂકિંગ ક્લાસ જેવી પ્રવૃત્તિ પણ ચાલે છે. ટૂંકમાં, મહિલાઓ જાતને ઓળખીને જીવન માણી શકે એ માટે જ આયલેન્ડ શી વિકસાવાયો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો