વિશ્વમાં જબરી ગડમથલ ચાલી રહી છે. એક તરફ હોર્મુઝની ખાડી પર ઈરાને નાકાબંધી કરી દીધી એમાં વિશ્વ આખું ઊર્જાસંકટ સામે ઝઝૂમી રહ્યું છે. રાંધણગેસ અને વાહનો માટેનું ફ્યુઅલ નજીકના ભવિષ્યમાં મોંઘુંદાટ થઇ જશે, એવી આશંકા સહુને સતાવી રહી છે. એક તરફ સામાન્ય લોકોને પેટ્રોલના ભાવમાં જબરો વધારો ઝીંકાશે તો ઓફિસ કઈ રીતે જઈશું એની ચિંતા છે, તો બીજી તરફ પેલા નાસાવાળાઓએ ઠેઠ ચંદ્ર સુધી જવા માટે પોતાનું Artemis II મિશન તરતું મૂકી દીધું છે. આ પહેલાં ઠેઠ 1972માં લોન્ચ થયેલું Apollo 17 મિશન નાસાનું માનવ સંચાલિત મૂન મિશન હતું. એના પાંચ દાયકા બાદ હવે ફરી એક વાર નાસાએ Artemis II સ્વરૂપે માનવશીત મિશન લોન્ચ કર્યું છે.
NASAના Artemis II મિશનને વૈજ્ઞાનિકો `ક્રૂડ લુનર ફ્લાયબાય' (Crewed Lunar Flyby) તરીકે ઓળખાવે છે. એટલે કે આ મિશન ચંદ્રની આસપાસથી પસાર થશે ખરું, પણ તે ચંદ્રની ધરતી પર ઉતરાણ નહિ કરે. બલકે ચંદ્રની નજીક જઈને વળાંક લઇ પૃથ્વી પર પાછું ફરશે, કેમ કે આ મિશનનો મુખ્ય હેતુ સંશોધનનો નહિ, પણ પહેલેથી જ ચંદ્રની આસપાસ સંશોધન કરી રહેલા બીજા મિશન્સ બરાબર કામ કરે છે કે નહિ, એ ઓબ્ઝર્વ કરવાનો છે. હવે તમને વિચાર આવશે કે ચંદ્ર ઉપર સંશોધન કરવા માટે નાસા કેટલી મોટી રકમ ખર્ચતું હશે! વાત સાચી છે. અવકાશીય સંશોધનો પાછળ ઇસરો અને નાસા સહિત આખી દુનિયાની સ્પેસ એજન્સીઝ દર વર્ષે જંગી રકમ ખર્ચે છે. આની પાછળ અનેક કારણો છે, જે પૈકીનું એક મુખ્ય કારણ એટલે એનર્જી સોર્સ શોધી કાઢવાની લાલસા. માણસને આવનારા ભવિષ્યમાં એનર્જીના નવા સ્રોતોની જરૂર પડવાની જ છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ હાલનો સમયગાળો છે.
અહીં સિક્કાની બીજી બાજુ એ છે કે બિનપરંપરાગત ગણાતા એનર્જી સ્રોત માત્ર અવકાશમાં જ નહિ, પણ પૃથ્વી ઉપરેય અઢળક માત્રામાં ઉપલબ્ધ છે. એમાં એક ઓછો ચર્ચાતો વિકલ્પ છે જ્વાળામુખી! એય પાછા કોઈ રેન્જીપેન્જી જ્વાળામુખી નહિ, પણ હજારો વર્ષ પહેલાં ફાટેલા `સુપર વોલ્કેનોઝ'.
સુપર વોલ્કેનો એટલે શું?
જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી ધગધગતા લાવાની સાથે પ્રચંડ ઊર્જા બહાર નીકળતી હોય છે. જે રીતે ભૂકંપને રિક્ટર સ્કેલ વડે માપવામાં આવે છે, એ જ પ્રમાણે જ્વાળામુખી ફાટવાની ઘટનાને પણ ખાસ વોલ્કેનિક સ્કેલ વડે માપવામાં આવે છે. જો વોલ્કેનિક સ્કેલ 8ની તીવ્રતા બતાવે તો એનો અર્થ એવો થાય કે આ જ્વાળામુખીને કારણે આસપાસના એક હજાર ક્યુબિક કિલોમીટર વિસ્તારને અસર થશે! આવા વોલ્કેનોને `સુપર વોલ્કેનો' તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં સમજવું હોય તો `સુપર વોલ્કેનો' એટલે જ્વાળામુખી ફાટવાની એવી ઘટના, જે સામાન્ય જ્વાળામુખી વિસ્ફોટ કરતાં 10,000 ગણી વધુ શક્તિશાળી હોય! જો ખરેખર આવી ઘટના બને તો આસપાસના એક હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ધગધગતો લાવા પથરાઈ જાય! છેલ્લા હજારો વર્ષમાં આવી ઘટના બની નથી. એ પહેલાં જુદા જુદા સમયે 80 જેટલા સુપર વોલ્કેનો ફાટવાની ઘટના બની હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે.
હજારો વર્ષો પૂર્વે બનેલી આવી સુપર વોલ્કેનો ઘટનાઓને કારણે કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયા હશે, જેમાં વોલ્કેનોની રાખ સાથે જ લિથિયમ જેવાં તત્ત્વોની મોટા પ્રમાણમાં `ડિપોઝિટ' થઇ હશે. સમય જતાં આ ખાડાઓમાં પાણી ભરાવાથી કુદરતી તળાવોનું નિર્માણ થયું હશે. ભૂતકાળમાં જ્યાં આ પ્રકારની ઘટનાએ આકાર લીધો હશે, ત્યાં તપાસ કરવામાં લિથિયમનો મોટો ભંડાર હાથ લાગવાની શક્યતા ભારોભાર હોવાની! એ ઉપરાંત સુપર વોલ્કેનો સાઈટ્સ જિયોથર્મલ એનર્જીનો પણ મોટો સ્રોત બની શકે છે.
જિયોથર્મલ એનર્જી
સુપર વોલ્કેનો ફાટવાથી વિશાળ ખાડાઓ બને છે, જેને Caldera - કેલ્ડેરા તરીકે ઓળખવામાં આવે છે. યેલોસ્ટોન કેલ્ડેરા (યુનાઇટેડ સ્ટેટ્સ), ટોબા કેલ્ડેરા (ઇન્ડોનેશિયા, સુમાત્રા) અને તાઉપો વોલ્કેનો (ન્યૂઝીલેન્ડ) જાણીતા કેલ્ડેરા છે. કેલ્ડેરા અને ભૂગર્ભમાં રહેલી ગરમી (મેગ્મા ચેમ્બર અથવા હોટસ્પોટની અસરથી) આજે જિયોથર્મલ ઊર્જા (ભૂતાપીય ઊર્જા) માટે ઉત્તમ સ્રોત મનાય છે. ભૂતકાળમાં જ્વાળામુખી ફાટ્યા બાદ એની વિસ્ફોટક એનર્જી તો વપરાઈ ગઈ હોય, પરંતુ ભૂગર્ભમાં ગરમ પાણી અથવા વરાળ મોજૂદ હોઈ શકે છે. આ ગરમ પાણી અથવા વરાળ વીજળી ઉત્પન્ન કરવામાં વાપરી શકાય છે. જોકે, એ દેખાય એટલું સરળ નથી.
જેમ કે, યેલોસ્ટોન કેલ્ડેરા (યુએસએ)માંથી જિયોથર્મલ એનર્જી મળવાની મહત્તમ સંભાવના છે. વિજ્ઞાનીઓના મતાનુસાર આખા અમેરિકા ખંડને પાવર આપી શકે તેટલી ઊર્જા અહીંથી મળી રહે
એમ છે. NASAએ પણ અહીં ઊંડું ડ્રિલિંગ કરીને ઉષ્માઊર્જા મેળવવાનો અને એમાંથી વીજળી પેદા કરવાનો વિચાર કરેલો. એ પ્રોજેક્ટ થકી ભૂગર્ભમાં એકથી થતી ગરમીને એક્ઝોસ્ટ આપીને ભવિષ્યમાં ફરી જ્વાળામુખી ફાટવાના જોખમનેય ટાળી શકાય એમ હતું, પરંતુ આ આખો વિસ્તાર કેટલાંક ભૂસ્તરીય જોખમોને કારણે નેશનલ પાર્ક તરીકે જાહેર કરવો પડ્યો છે.
બીજી તરફ કેલિફોર્નિયાના લોન્ગ વેલી કેલ્ડેરા ખાતે ઠેઠ 1985થી જિઓથર્મલ પાવર પેદા કરાઈ રહ્યો છે. આઇસલેન્ડ અને હવાઈ પણ વોલ્કેનિક પ્રવૃત્તિવાળા વિસ્તારોમાં જિયોથર્મલ પ્લાન્ટ્સ ચલાવે છે અને દેશની મોટાભાગની વીજળી ત્યાંથી જ મેળવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો