આધુનિક યુદ્ધક્ષેત્રમાં માત્ર જમીની સરહદો જ નહીં, પરંતુ આકાશી સરહદોની સુરક્ષા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. દુશ્મન દેશોનાં લડાકુ વિમાનો, ડ્રોન, હેલિકોપ્ટર અને ક્રૂઝ મિસાઈલો ક્ષણભરમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે. આવાં આકાશી જોખમોનો હવામાં જ ખાતમો કરવા માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, તેને સરફેસ-ટુ-એર મિસાઇલ (SAM) અથવા `જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ' કહે છે. આ મિસાઈલો કોઈ પણ દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી(Air Defence System)નો સૌથી મહત્ત્વનો હિસ્સો છે.

મુખ્ય પ્રકારો અને શ્રેણી

દુશ્મનના હુમલાને રોકવા માટે આ મિસાઈલોને મુખ્યત્વે ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવે છે.

ટૂંકા અંતરની (Short Range - SR-SAM) : આ મિસાઈલો સામાન્ય રીતે 10થી 30 કિલોમીટરના અંતર સુધી ત્રાટકતાં ડ્રોન કે વિમાનોને તોડી પાડવા વપરાય છે. તેમાં ખભા પરથી છોડી શકાય તેવી મિસાઈલો (MANPADS)નો પણ સમાવેશ થાય છે.

મધ્યમ અંતરની (Medium Range - MR-SAM) : આ મિસાઈલો 50થી 100 કિલોમીટર સુધીના વિસ્તારને સુરક્ષા પ્રદાન કરે છે.

લાંબા અંતરની (Long Range - LR-SAM) : આ પ્રણાલીઓ 150થી 400 કિલોમીટર અથવા તેનાથી પણ વધુ દૂરથી આવતી દુશ્મનની બેલેસ્ટિક મિસાઈલો કે ફાઈટર જેટ્સને શોધીને હવામાં જ નેસ્તનાબૂદ કરી દે છે.

સરફેસ-ટુ-એર મિસાઇલની કાર્યપદ્ધતિ

એક SAM સિસ્ટમ એકલી મિસાઈલ નથી હોતી, પરંતુ તે લોન્ચર, પાવરફુલ રડાર અને કમાન્ડ સેન્ટરનું એક આખું નેટવર્ક છે. તેની કાર્યપદ્ધતિ મુખ્યત્વે આ ચાર તબક્કામાં વહેંચાયેલી છે.

ડિટેક્શન (શોધખોળ) : એર ડિફેન્સ સિસ્ટમનું શક્તિશાળી રડાર સતત આકાશમાં નજર રાખે છે. જ્યારે કોઈ અજાણ્યું વિમાન, ડ્રોન કે મિસાઈલ સરહદ નજીક આવે, ત્યારે રડાર તેને શોધી કાઢે છે અને તેની ગતિ, ઊંચાઈ તેમજ દિશાની ગણતરી કરે છે.

ટ્રેકિંગ અને કમાન્ડ : કમાન્ડ સેન્ટર આ જોખમનું મૂલ્યાંકન કરે છે કે તે મિત્ર દેશનું વિમાન છે કે દુશ્મનનું (IFF - Identification Friend or Foe સિસ્ટમ દ્વારા). જો દુશ્મનનું સાબિત થાય, તો કમ્પ્યૂટર ઓટોમેટિકલી લોન્ચ પેડ પર રહેલી મિસાઈલને ટાર્ગેટ લોક કરવાના આદેશ આપે છે.  

ગાઇડન્સ અને ઉડાન : મિસાઈલ લોન્ચ થયા પછી અવાજ કરતાં પણ ઘણી વધારે ઝડપે (સુપરસોનિક કે હાઈપરસોનિક ગતિએ) ટાર્ગેટ તરફ આગળ વધે છે. ઉડાન દરમિયાન રડાર કે મિસાઈલની અંદર રહેલું પોતાની સીકર સિસ્ટમ દુશ્મનના વિમાનના લાઈવ લોકેશનને ટ્રેક કરીને મિસાઈલનો રસ્તો સતત બદલતી રહે છે.

ઇન્ટરસેપ્શન (હવામાં નાશ) : જ્યારે મિસાઈલ દુશ્મનના વિમાન કે મિસાઈલની બિલકુલ નજીક પહોંચે છે, ત્યારે તે કાં તો તેની સાથે સીધી અથડાય છે (Hit-to-Kill) અથવા તેની નજીક જઈને બ્લાસ્ટ થાય છે. મિસાઈલના વિસ્ફોટથી નીકળતા હજારો ટુકડાઓ દુશ્મનના વિમાનને હવામાં જ કચડી નાખે છે.

યુદ્ધના આધુનિક દોરમાં જે દેશનું આકાશ સુરક્ષિત નથી, તે યુદ્ધ જીતી શકતો નથી. સરફેસ-ટુ-એર મિસાઈલો કોઈ પણ દેશના મહત્ત્વનાં શહેરો, પરમાણુ મથકો અને સૈન્ય પ્રમુખ સ્થાનોને દુશ્મનના હવાઈ હુમલાથી બચાવવા માટે સુરક્ષાની પ્રથમ હરોળ છે. ટેક્નોલોજીની પ્રગતિ સાથે હવે આ સિસ્ટમ્સ વધુ ઝડપી, સચોટ અને સ્વાયત્ત બની રહી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો