1960ના દાયકામાં ક્રાંતિના નામે મિનિ સ્કર્ટનો ઉદય થયો. નવી ફેશન બળવો, સ્વતંત્રતા અને યુવા ઊર્જાનું પ્રતિનિધિત્વ કરતી મુક્તિ ચળવળનું પ્રતીક બની ગયું. મિનિ સ્કર્ટ એક રાજકીય અને સામાજિક નિવેદન, મહિલાઓની સ્વતંત્રતા પ્રત્યે બદલાતા વલણને પ્રતિબિંબિત કરી તે સમયની નારીવાદી ચળવળ સુધ્ધાં બન્યાં. 1970થી 1990ના દાયકામાં અતિ વૈવિધ્યસભર શૈલીઓનો ઉદય થયો.
અંગ્રેજી A અક્ષર બનાવતા, ઉપર કમર પર ફિટ અને નીચે ઘેરો બહાર નીકળે તે A-લાઇન સ્કર્ટ. એક સાંકડી, સીધી કટવાળી, સામાન્ય રીતે ઘૂંટણ પર કે નીચે સમાપ્ત થાય છે તે પેન્સિલ સ્કર્ટ. આરામ કે ભવ્યતા માટે રચાયેલ, જમીન સુધી લાંબા થતા મેક્સી સ્કર્ટ. ઊભી ફોલ્ડ્સ, સાંકડી (એકોર્ડિયન) કે પહોળી (બોક્સ પ્લેટ્સ) પ્લીટ્સ ધરાવતા પ્લીટેડ સ્કર્ટ. શરીરની આસપાસ લપેટીને કમર પર બાંધેલા ફેબ્રિકના એક ટુકડાનો સમાવેશ થાય છે તે રેપ સ્કર્ટ. સર્કલ સ્કર્ટ ફેબ્રિકના ગોળાકાર ટુકડામાંથી કાપો, મહત્તમ ફ્લેર પ્રદાન કરે છે. ટ્યૂલિપ સ્કર્ટ આગળના ભાગમાં ઓવરલેપિંગ સ્તરો ધરાવે છે, જે ટ્યૂલિપ પાંખડીના આકાર ધારણ કરે છે. એસિમેટ્રિકલ સ્કર્ટ અસમાન, ત્રાંસા અથવા અપરંપરાગત હેમલાઇન ધરાવે છે. ક્યૂલોટ/વિભાજિત સ્કર્ટ આરામ માટે ટ્રાઉઝર જેવા સ્પ્લિટ સાથે સ્કર્ટના દેખાવને જોડે છે અને મિનિ સ્કર્ટ એટલે ઘૂંટણની ઉપર સમાપ્ત થતું ટૂંકું સ્કર્ટ.
મેક્સી, મીડી અને માઇક્રો, જે વિવિધ લંબાઈની શ્રેણી ઓફર કરતાં હતાં, બધાએ પોતપોતાની ફેશનોના લોકપ્રિયતાના સ્વાદો ચાખ્યા. 20મી સદીના અંતમાં ફેશન ચળવળના ઉદયથી સ્કર્ટ પર વધુ બળવાખોર ને વૈકલ્પિક દેખાવ શરૂ થયો. ડેનિમ સ્કર્ટ, પ્લેઇડ સ્કર્ટ અને ફાટેલા કાપડ એજી, એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ લુકનો ભાગ બન્યા. જોકે, સ્કર્ટનો લલચામણ તરીકે પણ વિકાસ થયો, હલનચલનની સરળતા સાથે સાથે કેટલીક સ્ત્રીઓએ પુરુષોને લલચાવવાના સાધન તરીકે ઉપયોગ કરવાનો માર્ગ અપનાવ્યો.
મુખ્યત્વે વિનય, મર્યાદા, લજ્જા અને આરામ પર કેન્દ્રિત વસ્ત્રોથી પ્રલોભન(સિડક્શન)નાં સાધન સુધીનો વિકાસ એ બદલાતાં સામાજિક ધોરણો, નારીવાદી સશક્તીકરણ અને વ્યક્તિગત આત્મવિશ્વાસ સાથે જોડાયેલ એક જટિલ પરિવર્તન છે. ઐતિહાસિક અને વ્યાવહારિક રીતે આરામ અને હલનચલનની સ્વતંત્રતા માટે રચાયેલ હોવા છતાં, આધુનિક દૃષ્ટિકોણ ઘણીવાર સ્કર્ટના સૌંદર્યલક્ષી, આત્મવિશ્વાસ વધારનારા અને ક્યારેક ઇરાદાપૂર્વક પ્રલોભન અને સશક્તીકરણ છતી કરતાં પાસાંઓ પર ભાર મૂકે છે. મિનિ સ્કર્ટ પરંપરાગત વિનય, મર્યાદા, લજ્જા સામે સીધો પડકાર હતો. વધુ ને વધુ તન ઢાંકવા માટે જેનું નિર્માણ થયું હતું તે પૂર્વજ સ્કર્ટના જ વંઠેલ વંશજ જેવા માઇક્રો મિનિ સ્કર્ટ વધુ ને વધુ તન પ્રદર્શિત કરનારા થઇ ગયાં, જેને આજે પણ મહિલા મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
નવાઈ લાગશે કે સ્કર્ટને કારણે અકસ્માત મૃત્યુ થયાં હતાં! ના, સ્કર્ટ પહેરેલી યુવતીઓને જોઈને વાહનો સાથે ભટકાઈ જતા પુરુષોના અકસ્માત નહોતા થયા કે સ્કર્ટ પહેરનારને રૂઢિચુસ્તોએ મારી નહોતી નાખી. 1908-1914માં `હોબલ સ્કર્ટ' ફેશનમાં આવ્યાં હતાં, જેમાં ઊંચી કમર અને ટેપર્ડ, અત્યંત સાંકડી પગની ઘૂંટીનો હેમ હતો જેના કારણે સ્ત્રીઓને નાનાં પગલાં માંડવાં પડતાં કે હોબલ (લંગડાતી ચાલવાની) લેવાની ફરજ પડી હતી. આ સ્કર્ટને ઘણીવાર `હોબલ ગાર્ટર' સાથે પહેરવામાં આવતું હતું; હોબલ ગાર્ટર કાપડનું એક બેન્ડ હતું, જે નીચે ઘૂંટણની આસપાસ પહેરવામાં આવતું હતું. તેનો મુખ્ય હેતુ એ હતો કે તે બંને પગને એક ચોક્કસ અંતરે જોડીને રાખતું, જેનાથી મહિલાઓ મોટું પગલું ભરીને તેમનું ચુસ્ત સ્કર્ટ ફાડી નાખે નહીં; જે ક્યારેક મહિલાઓના અકસ્માતમાં પડી જવાનું કારણ બનતું હતું. આ હેમ ક્યારેક ફક્ત 24 ઇંચ આસપાસ રહેતો, જેથી ચાલવામાં, ટ્રામમાં ચઢવામાં કે સીડી ચઢવામાં અવરોધ ઊભો કરતો. આને કારણે અનેક ઇજાઓ ને અકસ્માતો થયા, જેમાં 1910માં પેરિસ રેસટ્રેક પર ને 1911માં અમેરિકામાં મહિલાનાં મૃત્યુ થયાં હતાં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો