દિવાળી પર આપણે ત્યાં આખા ઘરની તળિયાઝાટક સાફસફાઈ કરવાનો રિવાજ છે. આમ તો ઘર કે ઓફિસ કે ફેક્ટરીને ચોખ્ખાચણાક રાખવા એ સારી બાબત છે. પણ આપણા ભારતીયોની એક બહુ મોટી તકલીફ છે. આપણું ઘર ચોખ્ખું કરતા નીકળેલો કચરો આપણે પડોશીના આંગણામાં ઠાલવી દઈએ છીએ અથવા જાહેર સ્થળોએ એનો નિકાલ કરીએ છીએ. પરિણામ? થોડા જ દિવસોમાં એ જ કચરો પવન સાથે વહીને ફરી આપણા ઘરમાં ઘૂસી જાય, અને બધું હતું ત્યાંનું ત્યાં! જાહેર આરોગ્ય અને ગંદકીના પ્રશ્નો તો વળી અલગ ચર્ચાનો મુદ્દો બનીને ઉભા જ હોય.
લેન્ડફિલ્સ (Landfills) એટલે કચરો ફેંકવાની અને દાટવાની જગ્યા.સરળ ભાષામાં કહીએ તો જ્યાં ઘરેલું, ઔદ્યોગિક કે અન્ય પ્રકારનો કચરો જમીનમાં ખાડા કરીને ભરી દેવામાં આવે અને માટી કે અન્ય સામગ્રીથી ઢાંકી દેવામાં આવે, એ સ્થળને ‘લેન્ડફિલ’ કહેવાય. વિશ્વના લગભગ બધા જ દેશો કચરાના નિકાલ માટે લેન્ડફિલ્સ (અથવા ઓપન ડમ્પ્સ)નો ઉપયોગ કરે છે. આ લેન્ડફિલ્ડ્સ આમ જુઓ તો પ્રદૂષણની આખી સર્કિટ પેદા કરે છે. જેના કારણે હવા, પાણી અને ભૂમિનું મોટા પાયે પ્રદૂષણ થવાના ચાન્સ પૂરેપૂરા. લેન્ડફિલ્સમાંથી નીકળતા મિથેન જેવા ગ્રીનહાઉસ ગેસિસ વાતાવરણ માટે અત્યંત હાનિકારક છે. જો કે હાલના સમયમાં લેન્ડફિલ્સને સંપૂર્ણપણે બંધ કરવાની શક્યતા કોઈ દેશમાં જોવા નથી મળતી. ખાસ કરીને ભારત સહિતના અનેક દેશોમાં તો પરિસ્થિતિ ખાસ્સી બદતર છે. આપણે ભલે ઇકોનોમીની દ્રષ્ટિએ પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, પણ કચરાના નિકાલ જેવી બાબતે હજી ય જોઈએ એવી જાગૃતિ કે લાઈન ઓફ એક્શન આપણી પાસે નથી. એ હકીકત તો સ્વીકારવી જ પડે કે આપણી પાસે કચરાના નિકાલ વેસ્ટ મેનેજમેન્ટ માટેની કોઈ જડબેસલાક યોજના કે આયોજન નથી. કોઈ પણ મહાનગરની બહાર ખડકાયેલા કચરાના ડુંગરો એની સાબિતી છે.
બીજી તરફ સ્વિડન, જર્મની, નેધરલેન્ડ્સ, સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, બેલ્જિયમ, એસ્ટોનિયા અને જાપાન જેવા દેશો વિવિધ ટેકનોલોજીઝનો ઉપયોગ કરીને કચરાના નિકાલ માટે લેન્ડફિલ્સ વપરાશ બને એટલો ઘટાડી રહ્યા છે. એમાંય સ્વિડન મોખરે છે.
સ્વિડને કચરાના નિકાલ માટે એવું સોલિડ આયોજન કર્યું છે કે લોકોના ઘરોમાંથી નીકળતા કુલ કચરા પૈકીનો માત્ર એક ટકા કચરો લેન્ડ ફિલ્સમાં જાય છે. બાકીનો કચરો રિસાયકલિંગ, કમ્પોસ્ટિંગ અથવા વેસ્ટ-ટુ-એનર્જી (Waste-to-Energy) પ્લાન્ટ્સમાં જાય છે. અહીં આ કચરામાંથી બાયોગેસ અને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. સ્વિડનમાં શિયાળો લાંબો અને કઠોર હોય છે. સ્વાભાવિક છે કે આવા દેશમાં ગરમી અને વીજળીની જરૂરિયાત હંમેશા ઊંચી રહેવાની. આ જરૂરિયાતને પહોંચી વળવામાં કચરામાંથી પેદા થયેલી ઉર્જાનો નોંધપાત્ર ફાળો છે.
સ્વીડનમાં લગભગ અડધો ઘરેલું કચરો રિસાયકલ અથવા કોમ્પોસ્ટ થાય છે, જે અમેરિકા જેવા દેશો કરતાં ઘણું વધારે છે. બાકીનો લગભગ અડધો ભાગ દેશના 33-34 વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ્સમાં બાળીને ઊર્જા બનાવવામાં આવે છે. આ પ્લાન્ટ્સ 1.2 મિલિયનથી વધુ ઘરોને ગરમી અને લગભગ 8 લાખ ઘરોને વીજળી પૂરી પાડે છે. ગોથેનબર્ગ જેવા શહેરમાં તો કુલ જરૂરિયાતના 27 ટકા જેટલી ગરમી માત્ર કચરો બાળવાથી જ મળી જાય છે! આ પ્રક્રિયામાં એક કેન્દ્રીય સ્થળેથી આખા વિસ્તારના ઘરોને ગરમ પાણી અને હીટિંગ મળે છે. ખોરાકનો કચરો બાયોગેસમાં બદલાય છે, જે બસ અને ટેક્સીઓ ચલાવવામાં ઉપયોગી સાબિત થયા છે.
કચરામાંથી કામની એનર્જી પેદા કરી લેવામાં સ્વિડિશ તંત્ર એટલું કાર્યક્ષમ સાબિત થયું છે કે હવે દેશમાંથી નીકળતો કચરો એમને ઓછો પડે છે! એમણે હજી વધુ એનર્જી પેદા કરવી છે, માટે હજી વધુ કચરો જોઈએ છે! તમને જાણીને નવાઈ લાગશે કે કચરાની આ ખાધ પૂરી કરવા માટે સ્પવિડિશ તંત્ર યુકે, નોર્વે અને ઇટાલી જેવા દેશોમાંથી દર વર્ષે લાખો ટન કચરો આયાત કરે છે!
આટલી કાર્યક્ષમતા હાંસલ કર્યા બાદ સ્વિડન કચરાના નિકાલમાંથી પૈસા ન કામાતુ હોય તો જ નવાઈ. ઉપર જણાવ્યું એમ કેટલાક દેશો પોતાના કચરાના નિકાલની જવાબદારી સ્વિડનને સોંપે છે. 1975થી સ્વીડનની રિસાયકલિંગ રેટ 38%થી વધીને લગભગ 99% સુધી પહોંચી ગઈ છે. આજે સરેરાશ સ્વીડિશ વ્યક્તિ વર્ષે લગભગ 400-450 કિલો કચરો પેદા કરે છે, પણ તેમાંથી માત્ર થોડા કિલો જ લેન્ડફિલમાં જાય છે.
કચરાના નિકાલ બાબતે સ્વિડને એવું ધૂંઆધાર પ્રગતિ કરી છે કે તે બીજા દેશોનો કચરો આયાત કરીને એમાંથી ય પોતાના હેતુ સર કરી લે છે! આ તો આપણને ભરપૂર ઈર્ષ્યા એવી વાત છે ને? આ પેટના બળેલા ચીન અને પાકિસ્તાનને બદલે સ્વિડન આપણો પડોશી દેશ હોત તો કેવું સારું થાત!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો