મહંમદ તુઘલકે 1326-27માં હિન્દુસ્તાનની રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડી હતી, પરંતુ પોતાની ભૂલનું ભાન થતાં તેણે ફરી પાછા દિલ્હી જવાની આજ્ઞા કરી. આમ `દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી' રૂઢિપ્રયોગ દેશની વિવિધ ભાષાઓમાં પ્રચલિત થયો. હવે આ જ કામ જરા જુદી રીતે, જુદા ક્ષેત્રમાં સ્વીડન કરી રહ્યું છે, રૂડા રૂપાળા નામ હેઠળ. નામ આપ્યું છે `બેક-ટુ-બેઝિક્સ'.


સ્વીડન નહિ, ડિજિટલ ટેક્નોલોજીમાં પ્રારંભિક રૂપાંતરણ કરનાર ઉત્તર યુરોપના બાલ્ટિક ક્ષેત્રમાં આવેલો દેશ હતો માંડ 14 લાખની વસ્તી ધરાવનાર એસ્ટોનિયા. વીસ વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રમાં એસ્ટોનિયા ટેક્નોલોજી પર દાવ લગાવી રહ્યું છે. 2009ની આસપાસ સ્વીડનને ઊભરો આવ્યો અને અભ્યાસક્રમ ડિજિટલ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓના હાથમાંથી પાઠ્યપુસ્તકો છોડાવીને લેપટોપ અને ટેબ્લેટ પકડાવ્યાં, વર્ગખંડોમાં ડિજિટલ બોર્ડ મૂક્યાં. જોકે, ધીમી આંચ પર ડિજિટલ પહેલ 1994માં શરૂ થઈ હતી, પરંતુ `ડિજિટલ-ફર્સ્ટ'નો ઊભરો વ્યાપક રીતે 2010ના દાયકાના મધ્ય સુધીમાં આવ્યો. શિક્ષણને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી, વિદ્યાર્થીઓને હાઇ-ટેક ભવિષ્ય માટે તૈયાર કરવા સ્વીડને તેના વર્ગખંડોને ઝડપથી ડિજિટાઇઝ કર્યા. શાળાઓએ ઝડપથી ટેબ્લેટ, લેપટોપ અને ગૂગલ ક્લાસરૂમ અપનાવ્યા અને મોટેભાગનાં ભૌતિક પુસ્તકોનો ત્યાગ કર્યો. 2015 સુધીમાં તો સરકારી હાઇસ્કૂલના લગભગ 80% વિદ્યાર્થીઓ પાસે ડિજિટલ ડિવાઇસની વ્યક્તિગત એક્સેસ ઉપલબ્ધ થઇ ગઈ હતી. ફરજિયાત ડિજિટલાઇઝેશનના ભાગ રૂપે 2019માં પ્રિ-સ્કૂલમાં પણ ટેબ્લેટ ફરજિયાત બનાવી દીધાં. `સ્વીડિશ ડિજિટલ અભ્યાસ' યુગને શિક્ષણમાં ટેક્નોલોજીને એકીકૃત કરવા માટે વૈશ્વિક લીડર તરીકે બિરદાવવામાં આવ્યો. જેના કારણે ઘણા નહિ, ભારત સહિત મોટેભાગના દેશો પણ તેનું અનુસરણ કરવા લાગ્યા. આયર્લેન્ડ સહિત ઘણા દેશોએ આધુનિક, ટેક્નોલોજી સંચાલિત શૈક્ષણિક પ્રણાલીઓના મોડલ તરીકે સ્વીડન તરફ જોયું.

દિલ્હીથી દોલતાબાદની જેમ પુસ્તકથી ડિજિટલ થયેલા સ્વીડન અને સ્વીડિશ ડિજિટલ અભ્યાસ પ્રણાલીની વાહવાહી કરતા અને અનુસરતા દુનિયાના અન્ય દેશો પૂરેપૂરી રીતે ડિજિટલાઇઝેશન એજ્યુકેશન અમલમાં મૂકે ત્યાં સુધીમાં તો સ્વીડને ફરી દોલતાબાદથી દિલ્હી તરફ જવાનું શરૂ કર્યું. 2022માં `બેક-ટુ-બેઝિક્સ' અપનાવવાનું શરૂ કર્યું. અભ્યાસમાં વિદ્યાર્થીઓના `વાંચન' કૌશલ્યમાં ઘટાડો, ટેસ્ટના ઓછા સ્કોર્સ, સ્ક્રીન પર વધતા સમયને પરિણામે આંખો પર વર્તાતા થાક અનુભવ્યા પછી, સ્વીડન હવે આ વલણને સક્રિયપણે ઉલટાવી રહ્યું છે. 2022 અને 2025 વચ્ચે ભૌતિક પુસ્તકો, હસ્તલેખન અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ પાછી લાવવા માટે 100 મિલિયન યુરોથી વધુનું રોકાણ કર્યું છે. 2026 સુધીમાં સ્વીડન સ્ક્રીનમુક્ત શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે આ ડિજિટલ-ફર્સ્ટ અભિગમને સક્રિયપણે છોડી રહ્યું છે, જે એક મોટો યુ-ટર્ન દર્શાવે છે.

લેપટોપ અને ટેબ્લેટ પર ભારે નિર્ભરતા છોડીને, જ્ઞાનાત્મક વિકાસમાં સુધારો કરવા માટે દૈનિક પેન અને કાગળનો ઉપયોગ ફરીથી શરૂ કરવા પૂરતું જ નહિ, સરકાર 9મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ઉપકરણો પર પ્રતિબંધ મૂકવા માટે કાયદા પર વિચાર કરી રહી છે અને છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પૂર્વશાળાઓમાં ફરજિયાત ડિજિટલ શિક્ષણને રોકવા માટે આગળ વધી છે.

આટલા મોટા યુ-ટર્ન માટે PIRLS વાંચન અભ્યાસ જેવાં આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકનોમાં નબળા પ્રદર્શનને પરિવર્તનનું કારણ ગણાવવામાં આવે છે. પ્રિ-સ્કૂલમાં ટેબ્લેટ સહિત ડિજિટલ નિર્ભરતામાં વધારો થવાને કારણે PIRLS (વાંચન સમજણ) જેવાં આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકનોમાં સ્કોર્સ ઓછા થયા અને ધ્યાનનો સમયગાળો ઓછો થયો, જેના કારણે 2016 અને 2021 વચ્ચે સાક્ષરતા દરમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો હતો.   

હવે સ્વીડન તેની શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ભૂલ સુધારો અભિયાન શરૂ કરીને, `ડિજિટલ-ફર્સ્ટ' અભિગમથી પરંપરાગત, એનાલોગ શિક્ષણ પદ્ધતિઓ તરફ પાછા ફરીને, ફરી એકવાર મુખ્ય વૈશ્વિક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. જોકે, વિશ્વના સૌથી ટેક-સેવી દેશોમાંનો એક ફરી એકવાર એનાલોગ લર્નિંગ અપનાવી રહ્યો છે. ત્યારે ટીકાકારો ચિંતા કરે છે કે ઝડપી AI એકીકરણના યુગમાં, વર્ગખંડમાં ટેક્નોલોજી ઘટાડવાથી `ડિજિટલ સાક્ષરતા'માં ઘટાડો થઈ શકે છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: