ઈટાલીમાં મુસોલિની સત્તા પર આવ્યો ત્યારની વાત છે. ઈ.સ. 1938માં ઇટાલીએ યહૂદીઓ વિરુદ્ધ કાયદા અમલમાં મૂક્યા. ઇટાલીમાં યહૂદીઓની સંખ્યા ઓછી હતી.
સૌથી વધુ યહૂદીઓ પોલેન્ડમાં હતા અને પછી જર્મનીમાં. હિટલરે યહૂદીઓનું લિસ્ટ બનાવવાનું ચાલુ કરી નાખેલું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એવું એક એક યહૂદીને પકડી પકડીને મારી નાખવામાં આવતા કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલવામાં આવતા. યહૂદીઓ જ્યાં રહેતા તે વિસ્તારને ઘેટ્ટો કહેવાય. આવા ઘેટ્ટો ફરતે નાકાબંધી કરીને મહિનાઓ સુધી યહૂદીઓને ત્યાં જ પુરાઈ રહેવાની ફરજ પડતી. ઇટાલીમાં યહૂદીઓ હજારોમાં ગણાય એટલા ઓછા હતા. બીજું વિશ્વયુદ્ધ ઈ.સ. 1939થી ઈ.સ. 1945 સુધી ચાલ્યું. ઈ.સ. 1943માં મુસોલિની સત્તા પર ટકી શક્યો ન હતો. નાઝી જર્મનીએ ઇટાલીમાં યહૂદીઓની કત્લેઆમ શરૂ કરી દીધી હતી.
ટીબર નામનો ટાપુ નજીક હતો ત્યાં એક હોસ્પિટલ હતી. ત્યાંથી થોડા કિલોમીટર દૂર જ એક ઘેટ્ટો હતો જેમાં યહૂદીઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યાંના બારસો યહૂદીઓમાંથી માત્ર પંદર જીવતા બચ્યા હતા. હવે શરૂ થાય છે બીજા વિશ્વયુદ્ધના ઈતિહાસનું એક નાનું પણ સોનેરી પ્રકરણ, જેનો મુખ્ય હીરો હતો એક ઉપજાવી કાઢેલો ચેપી રોગ - સિન્ડ્રોમ કે. ટીબર આઈલેન્ડની `ફેટબનેફ્રેટલી' હોસ્પિટલના હેડ હતા ડો. જીઓવાની બોરોમીઓ. તે ઇટાલિયન હતા, પણ ફાસીવાદથી જોજનો દૂર હતા. તે આ હોસ્પિટલના હેડ જ એટલા માટે બની શક્યા, કારણ કે આ હોસ્પિટલ સ્વતંત્ર હતી. ઇટાલીની બીજી કોઈ પણ હોસ્પિટલમાં નોકરી જોઈતી હોય તો મુસોલિનીના પક્ષનું સભ્ય બનવું પડે. જ્યારે આ હોસ્પિટલ પ્રાઈવેટ હતી. તેના મેનેજમેન્ટમાં દયાળુ સંતો હતા અને તે બધા ફાસીવાદના વિરોધી હતા. માટે બોરોમીઓને અહીં ફાવી ગયું. અમુક યહૂદીઓ તેની શરણે આવ્યા. આખા ઇટાલીમાં હિટલરના નાઝીપક્ષના સભ્યો યહૂદીઓને ગલીએ ગલીએ અને એક એક ભોંયરામાંથી શોધતા હતા. કોઈને ચોરખાનામાં પણ છુપાવી શકાય એમ હતા નહિ. ખંધી નાઝી પોલીસ દીવાલ તોડીને, ભોંયતળિયું ફાડીને પણ યહૂદીઓને પકડી પાડતા. એ જ હોસ્પિટલના બીજા ડોક્ટર વીટોરિયો સાચેરડોતી સાથે હેડ ડૉ. બોરોમીઓએ રાતોરાત એક નવા ચેપી રોગની શોધ કરી. પ્લેગ જેવો જ પણ તેના કરતાં વધુ ખતરનાક રોગ. જે જે યહૂદીઓ તે હોસ્પિટલમાં છુપાયા હતા અને નવા નવા યહૂદીઓને શોધીને શરણ આપવામાં આવતી તે બધા યહૂદીઓને ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગમાં એવું હતું કે જે કોઈ નાઝી અફસર હોસ્પિટલની તપાસ કરવા આવે ત્યારે એક વોર્ડમાં રહેલા બધા યહૂદીઓએ જોરજોરથી ખાંસવાનું. સામેવાળો માણસ ડરી જાય એટલી ખરાબ રીતે ઉધરસ ખાવાની.
ઓક્ટોબર, 1943માં આ બનાવટી રોગ માટેનો વોર્ડ ચાલુ થયો. યહૂદીઓને ખબર પડતાં યહૂદીઓ આ હોસ્પિટલમાં આવતા જતા હતા. હોસ્પિટલનો માયાળુ સ્ટાફ પણ રોમમાં યહૂદીઓને ગોતીને આ હોસ્પિટલમાં દાખલ કરાવી દેતો હતો. તો શું હિટલરનું ઝેર પીધેલા નાઝી જર્મનો મૂરખા હતા? તે લોકો પોતાના કોઈ ડોક્ટરને લાવીને તપાસ ન કરી શકે? નાઝીવાદી પણ ભણેલાગણેલા હતા. શું આ ભાંડો ફૂટી જાય એવી શક્યતા ન હતી? શક્યતા તો પૂરેપૂરી હતી. આ હોસ્પિટલ ઉપર નાઝી પોલીસની રેડ પણ પડી. અધૂરામાં પૂરું સાથે એક ડોક્ટર પણ હતા. બોરોમીઓ, સાચેરડોતી અને 1990માં ઇટાલીના હેલ્થ મિનિસ્ટર બનેલા ડોક્ટર એડ્રીઆનો ઓસીચિનીના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. જો સહેજ પણ લોચો વાગ્યો તો એ આખી હોસ્પિટલ તરત જ સ્મશાનઘાટમાં ફેરવાઈ જવાની વકી હતી.
રેડ દરમિયાન સવાલોની ઝડી વરસી. નાઝી ડોક્ટરોએ ઊલટ તપાસ શરૂ કરી. સવાલ - સિન્ડ્રોમ કે એટલે શું? જવાબ - કોચ સિન્ડ્રોમ. સવાલ - આ રોગ અચાનક ક્યાંથી આવ્યો? જવાબ - પ્લેગ જેવા કોઈ રોગમાંથી જ આવ્યો હોય એવું લાગે છે. ભયંકર ચેપી છે. સવાલ - એમાં શું થાય છે? જવાબ - ફેફસાં ખલાસ થઇ જાય છે. માણસ શ્વાસ લઇ શકતો નથી. પેરાલિસિસનો એટેક પણ આવી શકે એમ છે અને મગજ બંધ પડી જાય છે. સવાલ - અમારે સિન્ડ્રોમ કેના દર્દીઓના વોર્ડની મુલાકાત લેવી છે. જવાબ - આવો અમારી સાથે, અમે વોર્ડ બતાવીએ અને દર્દીઓ સાથે મુલાકાત કરાવીએ. વોર્ડ પાસે પહોંચ્યા અને અંદર રહેલા દર્દીઓનો જોરશોરથી ખાંસવાનો અવાજ આવ્યો. વિકૃત હિટલરના સૈનિકોના હાંજા ઉધરસ સાંભળીને ગગડી ગયા. નાઝી પોલીસે સીધી દોટ મૂકી અને હોસ્પિટલમાંથી તેઓ ભાગ્યા. પોતાને ચેપ લાગવાની બીકે અંદરોઅંદર એવું નક્કી થઇ ગયું કે ટીબર ટાપુ ઉપર બીજી વખત આવવું જ નહિ!
જોકે, આ હોસ્પિટલ અને તેના બહાદુર ડોક્ટરોએ સ્વતંત્રસેનાનીઓને મદદ કરવા માટે કામચલાઉ રેડિયો સ્ટેશન પણ સ્થાપ્યું હતું, પણ એની નાઝી જર્મનીને ખબર પડી જતાં રેડિયો સહિત બધો માલસામાન ટીબરના પાણીમાં ડુબાડી દેવો પડેલો. આ બધા ડોક્ટરો અને `દર્દીઓ' એ જ હોસ્પિટલમાં ગોંધાયેલા રહ્યા. છેવટે મિત્રરાષ્ટ્રો અમેરિકા અને રશિયાએ ચડાઈ કરી ત્યારે તે બધાનો છુટકારો થયો.
વર્ષો સુધી આ કહાની અંધકારમાં રહી. 2004માં બધાનું સન્માન થયું. બધા જ ડોક્ટરો અવસાન પામ્યા હતા તો પણ ઈઝરાયેલે બોરોમીઓને રાષ્ટ્રીય સ્તરે મરણોત્તર બહુમાન આપ્યું. બોરોમીઓ અને ઓસીચિનીના દીકરાઓએ મીડિયાને બધી વાત કરી. એક સો કરતાં વધુ યહૂદીઓના જીવ આ ડોક્ટરો અને તેમણે શોધેલા ખોટા ચેપી રોગને કારણે બચી ગયા હતા. કોણે કહ્યું કે બધા ચેપી રોગ ખરાબ હોય છે. કુછ દાગ ઔર બીમારિયાં અચ્છી હોતી હૈ ના?