સીરિંજ એક મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ દર્દીના શરીરમાં દવાને ઇન્જેક્ટ કરવા, ટેસ્ટિંગ માટે બ્લડ લેવા વગેરે માટે કરવામાં આવે છે.

જોકે, મોટાભાગના લોકો સીરિંજને ઇન્જેક્શન પણ કહે છે. સીરિંજ એક ઈન્સ્ટ્રુમેન્ટ છે અને ઈન્જેક્શન એક મેડિકલ પ્રોસિજર છે, જેમાં હેલ્થકેર પ્રોફેશનલ અથવા તો ડોક્ટર સોયનો ઉપયોગ કરીને શરીરમાં દવા કે અન્ય લિક્વિડ પદાર્થ ઇન્જેક્ટ કરે છે. જોકે, અત્યારે તમને જે સીરિંજ જોવા મળે છે તે પહેલેથી આવી નહોતી. સીરિંજનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને સમયની સાથે તેમાં ફેરફારો થતા ગયા છે. જાણીએ સીરિંજના ઇતિહાસ વિશે.

સીરિંજ શું હોય છે? : સીરિંજ એક વેલણાકાર ટ્યૂબ હોય છે, જેમાં એક પ્લન્જર હોય છે જે દવા કે લિક્વિડને અંદર ધકેલવા કે ખેંચવાનું કામ કરે છે. સીરિંજના નીચેના ભાગ પર રિમૂવેબલ નીડલ (સોય) હોય છે. તેને સીરિંજ સાથે જોડીને તેના દ્વારા શરીરમાં દવા કે અન્ય તરલ પદાર્થ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આજના સમયમાં જે આધુનિક સીરિંજનો પ્રયોગ કરવામાં આવે છે તેને હાઈપોડર્મિક સીરિંજ પણ કહે છે.

જાનવરોના મૂત્રાશયથી પ્લાસ્ટિક સુધી આવો રહ્યો છે સીરિંજનો ઇતિહાસ

પ્રાચીન કાળ

ઈ. પૂર્વે પાંચમી શતાબ્દીમાં ગ્રીક ફિઝિશિયન હિપ્પોક્રેટ્સે જાનવરોનાં અંગોમાંથી બનેલી સીરિંજનો ઉપયોગ એનિમા માટે કર્યો.

11મી શતાબ્દીમાં મિસ્રના નેત્ર રોગ વિશેષજ્ઞ અમ્માર ઇબ્ન અલીએ મોતિયાની સર્જરીમાં ધાતુની સક્શન સીરિંજનો ઉપયોગ કર્યો.

શોધ અને પ્રયોગ

ઈ.સ. 1656માં બ્રિટનના ફિઝિસિસ્ટ સર ક્રિસ્ટોફર રેને હંસની ખોખલી પાંખ અને પશુ મૂત્રાશયનો ઉપયોગ કરીને જાનવરોની નસોમાં ડ્રગ્સ ઇન્જેક્ટ કર્યું.

ઈ.સ. 1796માં બ્રિટિશ ફિઝિશિયન એડવર્ડ જેનરે પહેલી રસી બનાવી અને શરીરમાં ચીરો કરીને ઇન્જેક્ટ કરી.

આધુનિક વિકાસ

ઈ.સ. 1844માં આયરિશ સર્જન ફ્રાન્સીસ રયંડે પહેલી ખોખલી સોય (નીડલ) બનાવી.

ઈ.સ. 1853માં એલેક્ઝાન્ડર વૂડે પહેલી ગ્લાસ સીરિંજ બનાવી અને ચાર્લ્સ પ્રવાજે ચાંદીની સ્ક્રૂ-પ્લન્જર સીરિંજ બનાવી.

મોડર્ન યુગ

20મી સદીમાં એલેક્ઝાન્ડર વૂડની ડિઝાઈનથી પ્રેરિત હાઈપોડર્મિક સીરિંજ બનાવવામાં આવી. પછીથી તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક સીરિંજનું જ ચલણ છે, કારણ કે કાચની સીરિંજની સરખામણીમાં તે વધારે સુરક્ષિત અને પ્રયોગમાં સરળ છે.