આપણે ત્યાં હજુ પણ મહિલાઓ લાજ કાઢતી જોવા મળે છે. હા, ઘણા પરિવારોમાં એ પ્રથા નાબૂદ થઈ ગઈ છે, એમ છતાં કેટલાક સમાજ કે પરિવારોમાં એ પ્રથા જોવા મળે છે. એ કારણે જ મહિલાઓ ઘૂંઘટ કાઢતી હોય એ આપણને સામાન્ય લાગે, પરંતુ દુનિયામાં એક સમાજ એવો પણ છે, જ્યાં પુરુષ ઘૂંઘટ કાઢતો હોય છે. પુરુષનો એ ઘૂંઘટ ટેગલમસ્ટ તરીકે ઓળખાય છે.
આપણા દેશમાં ઘૂંઘટ કાઢવાનો રિવાજ હવે બહુ ઓછા સમાજમાં જોવા મળે છે. એ પ્રથા હવે નાબૂદ થઈ રહી છે. શિક્ષણની સાથે સાથે આગળ વધતી પેઢીએ એ ઘૂંઘટને મહિલાઓની ગુલામીના એક પ્રતીક તરીકે જોયો છે અને તેથી જ હવે શિક્ષિત પેઢી લાજ કાઢવાની પ્રથાથી દૂર થઈ રહી છે. વેલ, એમ છતાં ઘૂંઘટ કાઢવો કે લાજ કાઢવાની વાત આવે એટલે આપણી નજર સામે મહિલાનું ચિત્ર આવી જાય. આપણી આસપાસ મહિલાઓ જ લાજ કાઢતી જોવા મળે છે, પરંતુ સહારા રણ વિસ્તારમાં જાવ તો મહિલાને બદલે પુરુષ લાજ કાઢતો જોવા મળે છે!
દુનિયાના સૌથી રહસ્યમય અને અનોખા સમુદાયોમાં સહારા રણ વિસ્તારના તુઆરેગ જનજાતિના સમુદાયને ગણતરીમાં લેવો પડે. આ જનજાતિમાં છોકરો પુખ્ત થાય એટલે ભૂરા રંગનો ટેગલમસ્ટ પહેરવા માંડે. પુખ્ત વયના થાય એટલે પુરુષ જાહેરમાં આખો ચહેરો ટેગલમસ્ટથી ઢાંકીને જ નીકળતો હોય છે. એ કારણે જ તુઆરેગ પુરુષને કેલ તામાશેક એટલે સહારાના ભૂરા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તુઆરેગ સમાજ માતૃપ્રધાન સમાજ છે. આપણો સમાજ પુરુષપ્રધાન છે, તેથી જ સંપત્તિથી માંડીને સંતાનોના નામની પાછળ પિતાનું નામ આવે છે, પરંતુ તુઆરેગ સમાજ માતૃપ્રધાન હોવાને કારણે ત્યાં સંતાનોના નામની પાછળ માતાનું નામ આવે છે, તો સંપત્તિનો વારસો પણ માતા પક્ષમાંથી જ આગળ વધતો હોય છે. મતલબ કે પુરુષ પરણીને પોતાનું ઘર છોડીને સાસરે રહેવા આવી જતો હોય છે. લગ્ન થાય એટલે પત્ની જે તંબુમાં રહેતી હોય એ તંબુમાં પતિ રહેવા જતો રહેતો હોય છે. મતલબ કે આપણી ભાષામાં કહીએ તો એ ઘરજમાઈ થઈ જતો હોય છે. ઘરજમાઈ થવા સાથે જ રિવાજો પણ તેણે પાળવા પડતા હોય છે.
આપણે ત્યાં જમાઈનો રોફ સાવ અલગ જ જોવા મળે છે, પરંતુ તુઆરેગ સમાજમાં લગ્ન કરીને પુરુષ સાસરે જાય એટલે તેણે સાસુ-સસરા તો ઠીક પત્નીની પણ લાજ કાઢવી પડતી હોય છે. જ્યારે પત્ની ચહેરો ખુલ્લો રાખીને જાહેરમાં ફરી શકતી હોય છે. સાસુ- સસરા કે પત્નીની હાજરમાં ટેગલમસ્ટ કાઢવું એ અશિષ્ટ ગણાય છે. અરે! જમતી વેળા પણ ટેગલમસ્ટ કાઢવામાં આવતો નથી. એ ખરું કે ભૂરો ઘૂંઘટ પહેરવો એ એક સાંસ્કૃતિક પ્રતીક જરૂર છે, પણ એ ઘૂંઘટ પુરુષોને ધૂળ, રેતી અને સહારાની ભીષણ ગરમીથી પણ બચાવે છે. તુઆરેગ સમાજમાં મહિલાઓ શિક્ષિત અને સ્વતંત્ર જ નહીં આત્મનિર્ભર પણ હોય છે. તુઆરેગ મહિલાઓ વ્યાપાર કરતી હોય છે, જ્યારે પુરુષો ઊંટની દેખભાળનું કામ કરતા હોય છે. તેઓ પણ વ્યાપાર કે રણમાં રખડતા રહેતા હોય છે. મહિલાપ્રધાન સમાજ હોવાને કારણે તુઆરેગ મહિલા લગ્નનો નિર્ણય પણ જાતે જ કરતી હોય છે. પોતાને મનગમતા પુરુષ સાથે લગ્ન કરી શકે છે, તો ન ફાવે તો તે તલાક પણ લઈ શકે છે. તલાક લે એટલે તેના તંબુમાં રહેતો પતિ બેઘર થઈ જતો હોય છે.
તુઆરેગ સમાજમાં તંબુ, પશુધન અને ઝવેરાત એ બધું જ પત્નીની સંપત્તિ ગણાય છે એટલે જ તલાક લેતાં જ પુરુષે તંબુ છોડી જવો પડતો હોય છે. જોકે, સંતાન પત્ની સાથે જ રહેતાં હોય છે. એમ છતાં તુઆરેગ જનજાતિનો સરદાર તો પુરુષ જ હોય છે, પરંતુ એ પદ પણ તેને માતૃપક્ષના વારસા તરીકે જ મળતું હોય છે. આપણા સમાજ કરતાં સાવ ઊલટા રિવાજથી જીવતો આ સમાજ માલી, નાઈઝર, અલ્જીરિયા, લીબિયા અને બુર્કિના ફાસો જેવા દેશોમાં વસે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો