અરુણાચલ પ્રદેશના વાયવ્ય ખૂણામાં હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે આશરે 3,000 મીટર (10,000 ફૂટ)ની ઊંચાઈએ સ્થિત તવાંગ ભારતના સૌથી મનમોહક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે.

આ સ્થળ તેના ભવ્ય બૌદ્ધ મઠો, શાંત સરોવરો અને મોનપા જાતિની સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે. તવાંગ માત્ર એક પર્યટન સ્થળ નથી, પરંતુ શાંતિ, ધર્મ અને બહાદુરીનું પ્રતીક છે.

તવાંગનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો

તવાંગ મઠ : તે ભારતનો સૌથી મોટો અને લ્હાસાના પોતાલા મહેલ પછી વિશ્વનો બીજો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તેની સ્થાપના 17મી સદીમાં મેરાક લામા લોડ્રે ગ્યાત્સો દ્વારા 5મા દલાઈ લામાની ઈચ્છા અનુસાર કરવામાં આવી હતી. આ મઠ મોનપા સંસ્કૃતિનું હૃદય છે અને અહીં ભગવાન બુદ્ધની એક વિશાળ પ્રતિમા સ્થાપિત છે.

6ઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ : તવાંગને 6ઠ્ઠા દલાઈ લામા, ત્સાંગયાંગ ગ્યાત્સોનું જન્મસ્થળ હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત છે, જે તેનું આધ્યાત્મિક મહત્ત્વ વધુ વધારે છે.

મોનપા સંસ્કૃતિ : તવાંગમાં મુખ્યત્વે મોનપા જાતિના લોકો વસે છે. તેમનું જીવન બૌદ્ધ ધર્મ અને પરંપરાઓથી પ્રભાવિત છે. લોસાર (નવા વર્ષનો તહેવાર) અને તોર્ગ્યા તેમના મુખ્ય તહેવારો છે, જેમાં રંગબેરંગી મુખવટાનાં નૃત્યો અને ધાર્મિક વિધિઓ યોજાય છે.

કુદરતી સૌંદર્ય અને ભૂગોળ

- સેલા પાસ : તવાંગ પહોંચવા માટે સેલા દર્રાવ (13, 700 ફૂટની ઊંચાઈ) પાર કરવો પડે છે, જેને અરુણાચલ પ્રદેશના લોકોની `જીવનરેખા' માનવામાં આવે છે. આ ખાસ પર્વતો અને બરફનાં સુંદર દૃશ્યો માટે પ્રખ્યાત છે અને તેમાં એક પવિત્ર સરોવર પણ આવેલું છે.

- બુમ લા પાસ : ભારત-ચીન સરહદ નજીક (લગભગ 15,200 ફૂટ) સ્થિત આ વ્યૂહાત્મક સ્થળની મુલાકાત લેવા માટે વિશેષ પરમિટ લેવી પડે છે. તવાંગની આસપાસ ક્રિસ્ટલ બ્લૂ વોટરવાળાં સરોવરો પણ આવેલાં છે.

વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ

- 1962નું યુદ્ધ સ્મારક : તવાંગમાં એક ભવ્ય યુદ્ધ સ્મારક આવેલું છે, જે 1962ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનની યાદ અપાવે છે. આ સિવાય જસવંત ગઢમાં મેજર જસવંત સિંહ રાવતની વીરતાનું પ્રતીક જોવા મળે છે. જેમણે 1962ના યુદ્ધમાં એકલા હાથે ચીની સૈનિકોનો સામનો કર્યો હતો.

 તવાંગની મુલાકાત માટે પરમિટ

તવાંગ એ અરુણાચલ પ્રદેશના આંતરિક ભાગમાં આવેલો વિસ્તાર હોવાથી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશવા અને તવાંગ સુધીની મુસાફરી કરવા માટે ILP (Inner Line Permit) લેવી ફરજિયાત છે. આ એક અધિકૃત ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, જે ભારત સરકાર દ્વારા સંરક્ષિત અથવા સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પ્રવેશ માટે જારી કરવામાં આવે છે. ઓનલાઈન પરમિટ માટે અરુણાચલ પ્રદેશ સરકારના સત્તાવાર પોર્ટલ પરથી અરજી કરી શકાય છે. જ્યારે ઓફલાઈન પરમિટ દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, ગુવાહાટી અને અન્ય મુખ્ય શહેરોમાં આવેલી અરુણાચલ પ્રદેશ સરકારની રેસિડેન્ટ કમિશનરની ઓફિસોમાંથી મેળવી શકાય છે. આસામના લખીમપુર અને ગુવાહાટી એરપોર્ટ પર પણ તે ઇશ્યૂ કરવામાં આવે છે. પરમિટ માટે જરૂરી દસ્તાવેજોમાં ઓળખનો પુરાવો (આધાર કાર્ડ/વોટર આઈડી), રહેઠાણનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની જરૂર પડે છે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો