કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે.
ગોપાલદાસ નીરજે લખેલા આ ગીતની વાત ચાલી રહી છે. પહેલો અંતરો જુઓ.
નીંદ ભી ખુલી ન થી કિ હાયે
ધૂપ ઢલ ગઈ,
પાંવ જબ તલક ઉઠે કિ ઝિંદગી ફિસલ ગઈ.
પાત પાત ઝડ ગયે કિ શાખ શાખ જલ ગઈ,
ચાહ તો નિકલ સકી ન પર ઉમર નિકલ ગઈ.
ગીત અશ્ક બન ગએ, છંદ હો દફન ગએ,
સાથ કે સભી દીયે ધુઆં ધુઆં પહન ગએ.
ઔર હમ ઝુકે ઝુકે, મોડ પર રુકે રુકે,
ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે.
કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે.
સમય આગળ વધી ગયો અને પોતે પાછળ રહી ગયા. તક ચૂકી ગયા. હવે આમાં કશું થઈ શકે તેમ નથી. આ પ્રકારના અફસોસ અને અવસાદની અભિવ્યક્તિ કરતી આ પંક્તિઓ છે. એના શબ્દો સરળ છે અને કલ્પનો સ્પષ્ટ છે. આવામાં પહેલી નજરે એવું લાગી શકે કે આ કાવ્યપંક્તિઓને વાસ્તવિકતાના ધરાતલ પર ખેંચી લાવીને એને વર્ણવવાની ચેષ્ટા ન કરવી જોઈએ. ભીના પદ્યને કોરા ગદ્યમાં વર્ણવવામાં મજા નથી. છતાં આ કવિતામાં રજૂ થયેલાં કલ્પનોને ધારીધારીને જોવાં જેવાં છે અને સાદી ભાષામાં સમજવાં જેવાં છે.
એનું એક કારણ એ કે આ કવિતાની એક મોટી વિશેષતા એની ચિત્રાત્મકતા છે. એની પ્રત્યેક પંક્તિમાં અલગ અલગ ચિત્રો છે. આ કવિતા વાંચતી વખતે જાણે આર્ટ ગેલેરીમાં ચિત્રોનું પ્રદર્શન જોઈ રહ્યા હોઈએ એવી અનુભૂતિ થઈ શકે. આર્ટ ગેલેરીમાં દોડવાનું ન હોય, એકેએક ચિત્ર પાસે શાંતિથી ઊભા રહેવાનું હોય, એને ધારીને જોવાનું હોય. માટે પ્રત્યેક પંક્તિમાંના ચિત્રને શાંતિથી નિહાળીએ. એવું કરવાથી આ કવિતા વધુ પોતીકી પણ લાગશે અને એ વધુ યાદ પણ રહેશે.
યાદ રહેવાની વાત પરથી યાદ આવ્યું. આ કવિતા જેમને આખેઆખી યાદ હોય કે કેટલીક પંક્તિઓ જેમને યાદ રહી ગઈ હોય એવા લોકો અનેક છે. આ માત્ર એક વાર વાંચી-માણીને ભૂલી જવા જેવી કવિતા નથી. આ તો કંઠસ્થ કરવા જેવું ગીત છે. સાવ સામાન્ય લાગી શકે એવા અનેક લોકોને પણ આ કવિતા મોઢે હોય છે. હાલમાં વાયવ્ય દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેનારા એક અતિ ગરીબ યુવકનો વીડિયો ખૂબ વાઈરલ થયો. એ વીડિયોમાં એ છોકરો આ કવિતાનો, આપણે જેની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ અંતરો બોલતો જોવા મળે છે. એ છોકરો આ અંતરાની પંક્તિઓ એવી સટાસટ ઢબે બોલતો જોવા મળે છે, જાણે તલવાર વીંઝી રહ્યો હોય. એટલા આવેગથી, હૃદયપૂર્વક એ આ કવિતા કારવાં ગુઝર ગયા ટાંકે છે કે કાવ્યપઠન દરમિયાન એની આંખોમાં આ કવિતામાંનાં ચિત્રો જાણે જીવતાં થઈને તરવરતાં હોય એવું લાગી શકે.
ખૈર, મુદ્દો એ છે કે આ એક કવિતાને હૃદયમાં ઊંડે સુધી ઉતારવી હોય, એને કંઠસ્થ કરવી હોય તો પહેલી વાર સાહજિક ગતિમાં પંક્તિઓ વાંચી લીધા બાદ પ્રત્યેક પંક્તિ પાસે થોડી-થોડી વાર ઊભા રહેવા જેવું છે અને પછી એ જોવા જેવું છે કે એનાથી આપણી અંદર કેવી અનુભૂતિ થાય છે, કેવા વિચારો આવે છે. ચાલો, એવું કરવાનો પ્રયાસ કરીએ.
અંતરાની પહેલી પંક્તિઃ નીંદ ભી ખુલી નથી કિ હાયે ધૂપ ઢલ ગઈ. આ વાંચ્યા પછી મનમાં શું ઊગે છે? તમને આવો અનુભવ થયો છે ક્યારેય? કદાચ રવિવારની સાંજે આવું લાગ્યું હોઈ શકે. રવિવારે આપણે આમ પણ મોડા ઊઠીએ. પછી નિરાંતવી ગતિએ બપોરનું ભોજન લઈએ અને ફરી વામકુક્ષી-સિએસ્ટાની એક ઊંઘ ખેંચીએ ત્યાં સુધીમાં તો તડકો ઢળવા લાગ્યો હોય અને એવો વિચાર આવવા લાગે કે લે, રવિવાર તો પૂરો થવા આવ્યો. કાલથી ફરી ઢસરડા. આ થયો એકદમ વાસ્તવિક, દુન્યવી વિચાર. બીજી તરફ આ જ પંક્તિ નીંદ ભી ખૂલી ન થઈ કે હાયે ધૂપ ઢલ ગઈ વાંચીને એક બ્રૉડ, ફિલોસોફિકલ વિચાર પણ આવી શકે કે માણસ નાનપણ, કિશોરાવસ્થા, યૌવન દરમિયાન ઝાઝું કશું વિચાર્યા વિનાનું ઊંઘરેટું જીવન જીવ્યા પછી પ્રૌઢાવસ્થામાં થોડો ઠરેલ અને સમજદાર બને ત્યાં સુધીમાં તેની શક્તિઓ ઘટવા લાગી હોય. નાદાનીની ઊંઘમાંથી માણસ જાગીને સમજદાર બને ત્યાં સુધીમાં એ ઢળતી ઉંમરે પહોંચી જતો હોય છે. કંઈક આવી જ વાત ફિલ્મ તીસરી કસમના પેલા ગીતમાં અત્યંત સાદા શબ્દોમાં વ્યક્ત થઇ છેઃ
લડકપન ખેલ મેં ખોયા
જવાની નીંદભર સોયા,
બુઢાપા દેખકર રોયા
યહી કિસ્સા પુરાના હૈ.
મોટાભાગના લોકોની જીવનકથા આવી જ હોય છે.
બીજી પંક્તિ, બીજું ચિત્રઃ પાંવ જબ તલક ઉઠે કિ ઝિંદગી ફિસલ ગઈ.
પગ ઉપાડ્યા ત્યાં સુધીમાં તો પગ નીચેની ધરતી જ સરકી ગઈ. આ દૃશ્ય ખતરનાક છે, પણ આ સ્થિતિ સામાન્ય છે. માણસને કશુંક કરવા જેવું લાગે, પણ એની શરૂઆત કરવામાં એટલું બધું મોડું થઈ જાય કે પછી આખી વાતનો ઝાઝો મતલબ જ ન રહે.
ઘણા જુવાનજોધ હોવા છતાં આળસ અને આનંદપ્રમોદમાં ડૂબેલા રહેવાને કારણે જુવાનીની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા, પરંતુ પછી એ જ્યારે સમજે છે કે મારે સક્રિય બનવું જોઈએ, મહેનત કરવી જાઈએ, જીવનને કે જગતને સુધારવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
બીજી રીતે વિચારીએ. મોટાભાગના માણસો પૂરેપૂરા પગભર થાય ત્યાં સુધીમાં પોણી જિંદગી પૂરી થઈ ચૂકી હોય છે. બસ, એક નોકરી મળી જાય.
બસ, લગ્ન થઈ જાય. બસ, ઘરનું ઘર થઈ જાય. બસ, એકાદ-બે સંતાનો થઈ જાય. બસ, લોનના હપ્તા ભરાઈ જાય. બસ, સંતાનો પરણી જાય અને પગભર થઈ જાય. આટલું થઈ ગયા બાદ નિરાંત. પછી હું મારી ગતિથી ચાલીશ, ગમતાં કામ કરીશ, હું જે પ્રકારે જીવવા માગું છું એ પ્રકારે જીવીશ. આપણે એવું વિચારીએ કે નિવૃત્તિ પછી આઝાદી ભોગવીશ અને જીવનને માણીશ, પરંતુ થાય એવું કે નિવૃત્ત થતાં સુધીમાં જીવનને ભોગવવાની આપણી ક્ષમતાઓ ઠરી ચૂકી હોય છે, જિંદગી હાથમાંથી સરકી ચૂકી હોય છે.
કશુંક સાર્થક કામ કરવું હોય તો આજે જ શરૂઆત કરી દેવી. બધી અનુકૂળતા થયા બાદ ગમતું કામ કરીશ એવું વિચારતા રહીએ તો પછી છેવટે જ્યારે કામ શરૂ કરીએ, કદમ ઉઠાવીએ ત્યાં સુધીમાં જિંદગી સરકી-ફિસલી ચૂકી હોય એવું બને.
એ જ રીતે સુખ અને નિરાંતની અનુભૂતિઓને પણ આજના જ વ્યસ્ત શિડ્યુલમાંથી `ચોરી લેવી'. બાકી બધી જવાબદારીઓમાંથી પરવાર્યા પછી શાંતિથી જીવીશ એવું વિચારવાનો કોઈ મતલબ નથી. બહુ આકરી લાગે એવી સચ્ચાઈ એ જ છે કે જીવનના છેલ્લા તબક્કે બુઢાપો, નબળાઈ, રોગ અને મોત જ હોય છે.
માટે મનગમતી દિશામાં કદમ ઉઠાવવામાં વિલંબ કરવો નહીં. પાંવ જબ તલક ઉઠે કિ ઝિંદગી ફિસલ ગઈ. આ ટ્રેજેડી મોટી હોય છે અને એનાથી બચવા જેવું છે. કોઈ કહી શકે કે આ બધું કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. છતાં કોશિશ તો કરીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
