ભગવદ્ગીતાના બીજા અધ્યાય (સાંખ્યયોગ)માં સ્થિતપ્રજ્ઞ હોવા વિશે વાત છે. જેની પ્રજ્ઞા-બુદ્ધિ સ્થિર છે, કપરા સંજોગોમાં ચલિત નથી થતી એ સ્થિતપ્રજ્ઞ. ઘણી વાર ધર્મ અને અધ્યાત્મ એક સિક્કાની બે બાજુઓ જેવા લાગે છે. સ્થિતપ્રજ્ઞતાનું જ ઉદાહરણ લો. અર્જુનને તો કૃષ્ણે સમજાવ્યું, પણ કળિયુગમાં કૃષ્ણની અવેજીમાં વિજ્ઞાન તમને ગળે ઊતરે એવા ટેક્નિકલ મુદ્દાઓ સહિત સ્થિતપ્રજ્ઞતા શબ્દ સમજાવી શકે છે. એ પહેલાં તમારે પ્રજ્ઞા એટલે કે બુદ્ધિના પ્રકારો સમજી લેવા જોઈએ. આ માટે ગાર્ડનરને યાદ કરવો પડે.

`થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ'ના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા હોવર્ડ ગાર્ડનર અમેરિકન મનોવૈજ્ઞાનિક અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે. બુદ્ધિના પ્રકારોને લગતી આ થિયરી તેમણે આશરે ચારેક દાયકા અગાઉ પોતાના પુસ્તક `Frames of Mind: The Theory of Multiple Intelligences'માં પ્રગટ કરી હતી.

વર્ષો સુધી આપણે માનવની બૌદ્ધિક ક્ષમતાનો ક્યાસ કાઢવા માટે સ્ટાન્ડર્ડ ઇન્ટેલિજન્સ થિયરીનો ઉપયોગ કરતા રહ્યા. જે મુજબ બૌદ્ધિક ક્ષમતાને એક પરિમાણીય બાબત ગણવામાં આવતી અને આઈક્યૂ ટેસ્ટ વડે એનો ક્યાસ કઢાતો. એમાં મુખ્યત્વે ભાષાકીય (linguistic) અને તાર્કિક-ગાણિતિક (logical-mathematical) ક્ષમતાઓનો જ ક્યાસ નીકળતો, પરંતુ ગાર્ડનરે કહ્યું કે આ બહુ સંકુચિત વ્યાખ્યા છે. માનવ પાસે એક કરતાં વધારે પ્રકારની બુદ્ધિપ્રતિભા હોય છે, જે આમ તો સ્વતંત્રપણે કામ કરી શકે છે. તેમ છતાં આ પ્રતિભાઓ એકબીજા સાથે જોડાયેલી પણ હોય છે. આ તાણાવાણા પાછળ માનવીનું સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાર્ડનર આવી નવ જેટલી બૌદ્ધિક ક્ષમતાઓ વિશે સમજ આપે છે. અમુક જ પ્રકારની કરિયર પાછળ દોડાવી દોડાવીને સંતાનોના સાર્વત્રિક વિકાસને કુંઠિત કરી નાખનાર માતા-પિતાએ એક વાર આ લિસ્ટ પર નજર ફેરવવી જોઈએ.

પહેલા સ્થાને છે ભાષાકીય બુદ્ધિ. માત્ર કવિ-લેખક જ નહિ, પણ વકીલ અને પત્રકારત્વ જેવી કારકિર્દીમાં પણ લિંગવીસ્ટિક ઇન્ટેલિજન્સ બહુ કામ લાગે છે. તાર્કિક-ગાણિતિક બુદ્ધિ (Logical-Mathematical Intelligence) વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવામાં પાયાની ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં પહેલવાનોની છાપ `બુદ્ધિના લઠ્ઠ' તરીકેની હોય છે, પણ ગાર્ડનરના મતે પહેલવાની એટલે કે શારીરિક કૌશલ્ય અને રમતગમત માટે પણ શારીરિક ક્ષમતાઓ વિકસાવવા માટે પણ બુદ્ધિ (Bodily-Kinesthetic Intelligence) જોઈએ! એ જ પ્રમાણે સંગીતને સમજવા માટે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ પણ હોવી જોઈએ. આ સિવાય સ્થળ અને નકશાને લગતી સ્થળકીય બુદ્ધિ - Spatial Intelligence અને પ્રકૃતિનાં તત્ત્વો સાથે સંકળાયેલ પ્રકૃતિવાદી બુદ્ધિ - Naturalistic Intelligence પણ બહુ મહત્ત્વના છે. આ ઉપરાંત અસ્તિત્વબોધ પણ એક પ્રકારની બૌદ્ધિક ક્ષમતા જ ગણાય. જીવન અને અસ્તિત્વને લગતા પ્રશ્નો અંગે વિચારવું એ કંઈ જેવી તેવી વાત છે? દુઃખ, સુખ અને સંતોષ જેવી લાગણીઓ આ અસ્તિત્વવાદી બુદ્ધિ (Existential Intelligence) પર આધારિત છે.

સાંપ્રત સમયની સૌથી મોટી સમસ્યા માનવીનું એકલવાયાપણું. નવી પેઢીનાં યુવાનો-બાળકો જલદી બીજા લોકો સાથે મિક્સ નથી થઇ શકતાં. જેન ઝી તરીકે ઓળખાતી પેઢી પોતાના સમવયસ્કો સાથે જ સરખો સંવાદ સાધી શકે છે અને એય માંડ માંડ! મોબાઈલને માથે દોષનો ટોપલો ઢોળી દેવાય છે, પણ ખરી હકીકત એ છે કે આપણે બાળકોમાં બે પ્રકારની બૌદ્ધિક ક્ષમતા વિકસાવવાનું મોટા પાયે ચૂકી ગયા છીએ. એક તો ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ અને બીજી ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. નામ મુજબ જ ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ બીજાની લાગણીઓ, ઈરાદાઓ સમજવાની અને સંવાદ સાધવાની કુશળતા બક્ષે છે. જ્યારે ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ પોતાની જાતને સમજવામાં મદદરૂપ થાય છે.

ઉપરછલ્લી રીતે આ બધી વાતો તમને સમાજશાસ્ત્ર કે અધ્યાત્મને લગતી લાગશે, પણ આ તમામ બાબતોમાં સ્ટ્રોંગ અન્ડર કરન્ટ વિજ્ઞાનનો છે. તમારી બૌદ્ધિક ક્ષમતાઓ અને એની જીવન ઉપર અસરનું વિજ્ઞાન સમજી લો તો જીવન ઘણું સરળ થઇ જાય, પણ કમનસીબે આપણે જીવન પર સૌથી વધુ અસર કરતા આ વિજ્ઞાનની અવગણના કરીએ છીએ. જેની અસર ડિપ્રેશન, ચીડિયાપણું, આત્મઘાતી વલણ અને ક્યારેક હિંસકપણા તરીકે જોવા મળે છે. અહીં જે નવ પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓ જણાવી, એ માનવ મસ્તિષ્કના જુદા જુદા ભાગો સાથે જોડાયેલી છે. જો ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એમાં વેન્ટ્રોમીડિયલ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ (કપાળના નીચેના-વચ્ચેના ભાગમાં), ટેમ્પોરો-પેરાયટલ જંક્શન (બંને કાનની ઉપર-પાછળના ભાગે) અને મિરર ન્યુરોન્સ (મગજના આગળના અને પાછળના ભાગમાં) જોવા મળે છે. આમાંથી કોઈ એકાદ હિસ્સો ઇજા કે કોઈ બીજા કારણોસર બરાબર કામ ન કરતો હોય, તો વ્યક્તિની વર્તણૂકમાં અવશ્યપણે એની અસર જોવા મળશે, જેમ કે પ્રિફ્રન્ટલ કોર્ટેક્સમાં કંઈક ગરબડ થાય તો એ વ્યક્તિ સ્વાર્થી બની જાય છે! ખરું કહેવાય નહિ!

વિજ્ઞાનીઓ બૌદ્ધિક ક્ષમતાઓ વધારવા માટે સતત સંશોધનો કરતા રહે છે. આપણે માત્ર એટલું કરી શકીએ કે બાળકને કોઈ એક દિશામાં દોડાવવાને બદલે એના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. બાકી બૌદ્ધિક ક્ષમતાઓ અને માનવ મગજના ચોક્કસ હિસ્સાઓ વચ્ચેના આંતરસંબંધો પરની રસપ્રદ વાતો ફરી ક્યારેક.