હિન્દી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં અમુક અવાજો એવા છે જે સમયની સાથે કેવળ ગીત બનીને નથી રહી જતા, તે સામૂહિક સ્મૃતિઓનો હિસ્સો બની જાય છે. એવો જ અવાજ હતો સુમન કલ્યાણપુર. ગયા અઠવાડિયે, 89 વર્ષની વયે તેમની અલવિદા સાથે સિનેમાના એ સુવર્ણ પ્રકરણનું એક વધુ પાનું બંધ થઇ ગયું (તેનું આગલું પાનું આશા ભોંસલેનું હતું), જેમાં સૂર માત્ર મનોરંજન નહોતા, પણ સંવેદનાની ભાષા હતા. સુમન કલ્યાણપુરનું જવું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ એ પેઢીનાં અંતિમ પ્રતિનિધિ હતાં, જેમણે મહોમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, તલત મહેમૂદ અને લતા મંગેશકર જેવાં દિગ્ગજો વચ્ચે પોતાની જગ્યા બનાવી હતી.
ઢાકામાં બેંક મેનેજર પિતાના પરિવારમાં સુમન હેમ્મડી (પિતા કર્ણાટકના હેમ્મડી ગામના સારસ્વત બ્રાહ્મણ હતા) તરીકે જન્મેલાં સુમન કલ્યાણપુર (જે તેમના બિઝનેસમેન પતિ રામાનંદની અટક હતી) પિતાની બદલી થતાં મુંબઈ આવ્યાં હતાં અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં જોડાયાં હતાં. અહીંથી તેમને ગાયકીનો શોખ લાગ્યો હતો. 1950ના દાયકામાં તેમણે ફિલ્મ સંગીતની દુનિયામાં પગ મૂક્યો અને ધીરે-ધીરે પોતાની આગવી ઓળખાણ બનાવી.
સુમનની સૌથી મોટી વિશેષતા તેમના અવાજની પારદર્શી મીઠાશ હતી. તેમાં નાટકીયતા નહોતી, આયાસ નહોતો, પણ એક સ્ત્રી સહજ કોમળતા હતી. તેમના ઉચ્ચારણોમાં અદ્ભુત સ્પષ્ટતા અને ભાવ-અભિવ્યક્તિ એટલી સંયમિત હતી કે તે ક્યારેય ગીત પર હાવી થતી નહોતી.
કમનસીબે લોકો લતા મંગેશકરના અવાજથી એટલા બધા ટેવાઈ ગયા હતા કે સુમનની તુલના કાયમ લતા સાથે થતી રહી. ખુદ સુમને પણ એ સ્વીકાર્યું હતું કે યુવાવસ્થામાં તેઓ લતાનાં ગીતો ગાતાં હતાં અને તેમનાથી પ્રભાવિત પણ હતાં. છતાં સચ્ચાઈ એ પણ છે કે ધ્યાનથી સાંભળો તો સુમનના અવાજમાં એક અલગ પ્રકારની માસૂમિયત અને નાજુક કંપન મળે છે, જે તેમને વિશિષ્ઠ બનાવે છે.
તેમની વિરાસતને સમજવા માટેની બહેતર રીત તેમનાં ગીતોને યાદ કરવાની છે.
સૌથી પહેલાં યાદ આવે છે બહુ જાણીતું ગીત `ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે.' ફિલ્મ `જબ જબ ફૂલ ખીલે' (1965)ના આ ગીતમાં ડેશિંગ શશી કપૂર અને સેક્સી નંદાની જોડી પડદા પર હતી. મહોમ્મદ રફી સાથેનું આ ડ્યૂએટ આનંદ બક્ષીએ લખ્યું હતું અને તેને ધૂનબદ્ધ કર્યું હતું કલ્યાણજી-આનંદજીએ. આ ગીત કેવળ પ્રેમનો જ એકરાર નથી, પણ હિન્દી સિનેમાના રોમાન્સની સૌથી સુંદર ધૂનોમાંથી એક છે. સુમનનો અવાજ અહીં શરમાઈ જતા સ્મિત જેવો લાગે છે.
સુમનના નામને ભારતના ખૂણે-ખૂણે લોકોની જબાન પર પહોંચાડી દીધું ફિલ્મ `બ્રહ્મચારી'(1968)ના આ ગીતે; `આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર'. ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂર અને ઉભરતી સ્ટાર મુમતાઝ પર ફિલ્માવાયેલા આ ગીતમાં પણ સુમનને સાથ મળ્યો હતો મહોમ્મદ રફીનો. શૈલેન્દ્રના શબ્દો અને શંકર-જયકિશનનું સંગીત આ ગીતને એક ઉત્સવમાં બદલી નાખે છે. આજે પણ લગ્નો કે સમારોહમાં આ ગીત વાગે તો વાતાવરણ જીવંત થઇ ઊઠે છે.
સુમન કલ્યાણપુરની ત્રીજી મધુર પ્રસ્તુતિ પણ રફી સાથે જ હતી. ફિલ્મ `રાજકુમાર'માં શમ્મી અને સાધના પર ફિલ્માવાયેલું ગીત `તુમને પુકારા ઔર હમ ચલે આયે' એક અનુપમ યુગલ ગીત છે. હસરત જયપુરીના શબ્દો અને શંકર-જયકિશનની ધૂનથી રચાયેલા આ ગીતમાં પ્રેમ અને સમર્પણનો જે ભાવ છે, તે આજે પણ એટલો જ તાજો લાગે છે.
રફી સાથે સુમન કલ્યાણપુરીની જુગલબંધી જબરદસ્ત ફળદાયી રહી હતી. ફિલ્મ `સાંજ ઔર સવેરા' (1964)નું આ ગીત `અજહૂં ન આયે બાલમા' સુમનના શાસ્ત્રીય સંસ્કારોનું પ્રમાણ છે. રફી સાથેના આ ગીતને રાજેન્દ્ર કૃષ્ણાએ લખ્યું હતું અને મદન મોહને તેમની અનઅનુકરણીય શૈલીમાં તેની પર સંગીતના વાઘા ચઢાવ્યા હતા. આ ગીત ફરીથી ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવે કે વિરહની પીડાએ આટલી બહેતરીન રીતે ગાવાવાળા બહુ ઓછા અવાજો હિન્દી સિનેમામાં આવ્યા છે.
પછી આવે છે 1966ની હિટ ફિલ્મ `દિલ ને ફિર યાદ કિયા.' ધર્મેન્દ્ર, નૂતન અને રહેમાનના ભાવનાત્મક ત્રિકોણવાળા આ ટાઈટલ ગીતમાં મુકેશ અને રફીની સાથે સુમનનો અવાજ સ્મૃતિઓ અને વિરહનું પ્રતીક બની જાય છે. ગીતકાર જી. એલ. રાવલ અને સંગીતકાર સોનિક ઓમીની આ રચના આજે પણ એટલી જ તરોતાજા લાગે છે.
1964માં આવેલી ફિલ્મ `દૂજ કા ચાંદ' (રાજ કુમાર અને સરોજ દેવી)નું ગીત `ચાંદ તકતા હૈ ઈધર' પણ સુમનનાં શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક છે. રફી સાથે ગયેલા આ ગીતના શબ્દો સાહિર લુધિયાનવીએ લખ્યા હતા અને સંગીત રોશનનું હતું. તેમાં રાત, પ્રેમ અને પ્રતીક્ષાનું એવું સંમોહન હતું જે જૂનાં ફિલ્મી ગીતોની ઓળખ હતી.
સુમનના સોલો સોંગની વાત કરીએ તો 1965માં આવેલી ફિલ્મ `નૂર મહલ'નું `મેરે મહબૂબ ન જા, આજ કી રાત ન જા' વિશેષ ઉલ્લેખ માંગે છે. કોમેડિયન જગદીપની હીરો તરીકેની આ શરૂઆતી ફિલ્મ હતી. તેમાં ચિત્રા નામની હિરોઈન પર આ ગીત ફિલ્માવાયું હતું. આ ગીતમાં સુમનના અવાજની કરુણ મીઠાશ શ્રોતાઓને અંદર સુધી સ્પર્શી ગઈ હતી. સબા અફગાની નામના ગીતકારે તેના શબ્દો લખ્યા હતા અને તે વખતના મશહૂર કવ્વાલ જાનીબાબુ કવ્વાલે તેને સંગીતબદ્ધ કર્યું હતું.
`ન તુમ હમેં જાનો' (ફિલ્મ; બાત એક રાત કી, 1962) ગીત આમ તો હેમંત કુમારના કારણે યાદગાર છે, પણ તેનું એક વર્ઝન સુમનના અવાજમાં પણ છે. આ ગીતમાં રહસ્ય અને રોમાંચનું અદ્ભુત સંતુલન હતું. ફિલ્મ `દિલ એક મંદિર'(1963)માં છ ગીતો હતાં. એમાંથી લતાજીના ભાગે એક અને સુમનના હિસ્સામાં બે ગીતો આવ્યાં હતાં. તે બતાવે છે કે દિગ્ગજ ગાયકોમાં સંસારમાં સુમનનો સિતારો કેવો ચમકતો હતો.
સુમનનાં મશહૂર યુગલ ગીતોમાં 1964ની ફિલ્મ `શગૂન'નું રફી સાથે `પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ' અને `મેરી સુરત તેરી આંખેં'(1963)નું મુકેશ સાથેનું ગીત `યે કિસ ને ગીત છેડા' એ યુગનાં ગીત છે, જ્યાં કવિતા, ધૂન અને અવાજ ત્રણેને બરાબર તોળવામાં આવતાં હતાં. બંને ગીતોમાં સુમનનો અવાજ ઝરણાની જેમ વહે છે.
સુમનની કારકિર્દીનું સૌથી મોટું દુઃખ એ હતું કે તેમને હંમેશાં `બીજી લતા' કહીને યાદ રાખવામાં આવ્યાં. તેનું કારણ ગાયકી તો હતું જ, ઉપરાંત ફિલ્મ સંગીતમાં આંતરિક હરીફાઈ અને લતા સાથે વાંધાવચકાના કારણે અમુક લોકોએ વિકલ્પ તરીકે સુમનને આગળ ધર્યાં હતાં, પણ એ યાદ રાખવા જેવું છે કે રફી સાથે તેમનાં 140થી વધુ યુગલ ગીત રેકોર્ડ થયાં હોય અને તેમણે ખુદ 700થી વધુ ગીતોનો સંસાર રચ્યો હોય, તો તે એટલા માટે નહીં કે તેમનો અવાજ કોઈને મળતો આવતો હતો, પણ એટલા માટે કે તેમની પોતાની સંગીતમય વિશ્વસનીયતા હતી.
ડિજિટલ પ્લેટફોર્મ પર જૂનાં ગીતો શોધતી આજની પેઢીને એ જાણીને આશ્ચર્ય થશે કે જે ગીતોમાં તેઓ વર્ષો સુધી લતા મંગેશકરનો અવાજ સમજતા હતા, તે વાસ્તવમાં સુમન કલ્યાણપુરે ગાયાં હતાં. કદાચ આ જ તેમની નિયતિ હતી અને ઉપલબ્ધિ પણ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો