વિશ્વમાં હજારો વર્ષો પહેલાં બનાવવામાં આવેલી એવી અનેક વિશાળ પ્રતિમાઓ છે, જે આજે પણ પ્રવાસીઓ અને સંશોધકો માટે રસનો વિષય છે. એમાં ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલી લેસાન જાયન્ટ બુદ્ધની વિરાટ પ્રતિમા માત્ર ચીન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં એક અદ્ભુત ધાર્મિક અને સ્થાપત્ય કલાકૃતિ તરીકે જાણીતી છે. પર્વતની ભેખડને કોતરીને બનાવવામાં આવેલી આ પ્રતિમા વિશ્વમાં પથ્થરની કોતરણીથી બનેલી સૌથી મોટી બુદ્ધ પ્રતિમા છે. લગભગ 1,200 વર્ષ જૂની આ પ્રતિમા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓને આકર્ષે છે.
પ્રતિમાનો ઇતિહાસ અને નિર્માણ
લેસાન જાયન્ટ બુદ્ધની સ્થાપના પાછળ એક રસપ્રદ અને કરુણાસભર કહાની છે. આ પ્રતિમા મિન, દાદુ અને કિંગયી નદીઓના સંગમસ્થાન પર લિંગયુન પર્વતની ભેખડમાં કોતરવામાં આવી છે. પ્રાચીન સમયમાં આ નદીઓનો પ્રવાહ ખૂબ જ જોખમી હતો, જેના કારણે વારંવાર હોડીઓ ડૂબી જતી અને ઘણા લોકો મૃત્યુ પામતા. આ જોઈને 7મી સદીના તાંગ રાજવંશના એક બૌદ્ધ સાધુ હાઈ તોંગનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે નક્કી કર્યું કે આ નદીઓના પ્રવાહને શાંત કરવા અને જળદુર્ઘટનાઓ અટકાવવા માટે અહીં એક વિશાળ બુદ્ધ પ્રતિમાનું નિર્માણ કરવું જોઇએ. તેમણે ભિક્ષા માંગીને અને અથાગ પ્રયત્નો કરીને ભંડોળ એકઠું કરવાનું શરૂ કર્યું.
આ પ્રતિમાનું નિર્માણકાર્ય ઈ.સ. 713માં શરૂ થયું. જોકે, હાઈ તોંગ પોતાનું સ્વપ્ન પૂરું થતું જોઈ શક્યા નહીં અને તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી તેમના શિષ્યો અને સ્થાનિક ગવર્નરના સમર્થનથી આ કાર્ય આગળ વધ્યું અને અંતે લગભગ 90 વર્ષની મહેનત બાદ ઈ.સ. 803માં આ ભવ્ય પ્રતિમાનું નિર્માણકાર્ય પૂર્ણ થયું. એવું માનવામાં આવે છે કે ભેખડમાંથી કોતરીને બહાર કાઢવામાં આવેલા પથ્થરો નદીમાં પડવાથી તેનો પ્રવાહ શાંત થયો અને જહાજોનું પરિવહન સુરક્ષિત બન્યું.
લેસાન જાયન્ટ બુદ્ધના સ્થાપત્ય
લેસાન જાયન્ટ બુદ્ધનું કદ ખરેખર અવિશ્વસનીય છે. તેની રચનામાં ચોકસાઈ અને પ્રમાણ જાળવવામાં આવ્યું છે, જે પ્રાચીન ચીની કારીગરોનું અદ્ભુત કૌશલ્ય દર્શાવે છે. લેસાન જાયન્ટ બુદ્ધની આ બેઠેલી મુદ્રાની પ્રતિમા 71 મીટર (233 ફૂટ) જેટલી ઊંચી છે. તેની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેના ખભાની પહોળાઈ 28 મીટર (92 ફૂટ) છે, જ્યારે તેના દરેક પગ પર 100 જેટલા લોકો આરામથી બેસી શકે એટલા મોટા છે. બુદ્ધની આંગળીઓની લંબાઈ 8.3 મીટર છે અને તેમનો કાન 7 મીટર લાંબો છે. પ્રતિમાની સૌથી મોટી વિશેષતા તેની અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ છે. વરસાદી પાણીના નિકાલ માટે બુદ્ધના માથાના પાછળના ભાગમાં, કાન પાછળ અને કપડાની ગડીઓમાં ગુપ્ત ગટરો અને ચેનલો કોતરવામાં આવી છે. આ અત્યાધુનિક વ્યવસ્થા 1,200 વર્ષથી પ્રતિમાને ધોવાણથી બચાવવામાં મદદરૂપ થઈ છે. એવું કહેવાય છે કે, શરૂઆતમાં બુદ્ધની પ્રતિમાને 13 માળના એક ભવ્ય લાકડાના મંડપ (પેવેલિયન) દ્વારા સુરક્ષિત કરવામાં આવી હતી, પરંતુ મિંગ રાજવંશ (ઈ.સ. 1368-1644) દરમિયાન તે નષ્ટ થઈ ગયો અને ત્યારથી બુદ્ધ ખુલ્લા આકાશ નીચે બિરાજમાન છે.
વર્તમાન સમયમાં મહત્ત્વ
આજે લેસાન જાયન્ટ બુદ્ધ માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પણ ચીનની પ્રાચીન શિલ્પકલાનો એક જીવંત નમૂનો છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ પ્રતિમા આખા શહેરનું રક્ષણ કરે છે અને શાંતિ તથા સૌભાગ્ય લાવે છે.
પ્રવાસીઓ પ્રતિમાના વિરાટ સ્વરૂપને બે રીતે જોઈ શકે એવી વ્યવસ્થા છે. પહેલી વ્યવસ્થાની વાત કરીએ તો પગપાળા માર્ગ. પર્વતની ટોચ પરથી સાંકડા અને ઊભા દાદરા દ્વારા નીચે પગ સુધી જઈને બુદ્ધના વિશાળ પદકમલને સ્પર્શ કરવો. બીજી રીતે બોટ દ્વારા છે. નદીમાં બોટ રાઈડ દ્વારા પ્રતિમાનું સંપૂર્ણ અને વિહંગમ દૃશ્ય જોઈ શકાય છે. વર્ષોથી કુદરતી ધોવાણ અને પ્રદૂષણને કારણે પ્રતિમાને નુકસાન થયું છે, તેથી ચીનની સરકારે તેના સંરક્ષણ માટે અનેક પગલાં લીધાં છે. 1996માં માઉન્ટ એમેઇની સાથે આ સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું, જે તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વને પ્રમાણિત કરે છે.
લેસાન જાયન્ટ બુદ્ધ માત્ર પથ્થરની કોતરણી નથી, પરંતુ એક સાધુની કરુણા, હજારો કારીગરોની મહેનત અને પ્રાચીન એન્જિનિયરિંગની અદ્ભુત બુદ્ધિનું શાશ્વત સ્મારક છે, જે સદીઓથી મૌન રહીને પ્રવાસીઓને શાંતિનો સંદેશ આપે છે.