નદીના પાણીને બીજી જગ્યાએ પહોંચાડવા માટે સામાન્ય રીતે નહેર બનાવવામાં આવે છે, પરંતુ પહેલાંના વખતમાં પણ નદીઓના પાણીને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમાં અમુક પદ્ધતિઓ તો આજે પણ આશ્ચર્ય પહોંચાડે એવી છે. એમાં રોમનનો એક્વેડક્ટ ઓફ સેગોવિયા એટલે કે સેગોવિયાનો જળમાર્ગ આજે પણ નવાઇ પમાડે એવો છે.

સેગોવિયાનો ઇતિહાસ

સ્પેનના સેગોવિયા શહેરમાં આવેલ જળસેતુ પ્રાચીન રોમન સ્થાપત્યકલાનો અદ્ભુત અને અજોડ નમૂનો છે. તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો છે. પહેલી શતાબ્દીમાં બનેલ સેગોવિયાનો જળમાર્ગ આર્કિટેક્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેની ડિઝાઇન બહુ સરળ હોવા છતાં એકદમ શાનદાર લાગે છે. નવાઇની વાત તો એ છે કે બે હજાર વર્ષ પછી પણ તે આશ્ચર્યજનક રીતે મજબૂતી સાથે ટકી રહ્યો છે. આ જળમાર્ગનું નિર્માણ પહેલી શતાબ્દી ઇસવીમાં શહેરથી 17 કિલોમીટર દૂર ફ્રિયો નદીમાંથી પાણી લાવવા માટે કરવામાં આવ્યું હતું, પણ સૌથી મોટી નવાઇની વાત તો એ છે કે તેને બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમ છતાં આજે પણ અડીખમ છે.

આશરે ઇ.પૂર્વે 80માં રોમન સામ્રાજ્ય સામે હાર્યું એ પહેલાં મેડ્રિડથી આશરે 100 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવેલ સેગોવિયા મૂળભૂત રીતે સેલ્ટિક વસાહત હતી. પછી રોમન સામ્રાજ્ય હેઠળ સેગોવિયા રોમન હિસ્પાનિયા વિસ્તારનું એક મહત્ત્વપૂર્ણ શહેર બની ગયું. આ વિસ્તારમાં આજે સ્પેન અને પોર્ટુગલ દેશ છે.

સિમેન્ટ અને સળિયા વગરનું સ્મારક

સામાન્ય રીતે ઇમારતને મજબૂત બનાવવા માટે સિમેન્ટ અને સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એક ટકા પણ સિમેન્ટ કે જરાક અમથા પણ સળિયાનો ઉપયોગ કર્યા વગર બિલ્ડિંગ બાંધવામાં આવી હોય અને તે પચાસ, સો વર્ષ નહીં આશરે બે હજાર વર્ષ સુધી ટકી રહી હોય તો નવાઇ લાગે. સેગોવિયા જળમાર્ગ રૂપી સ્મારક સ્ટેક્ડ ગ્રેનાઇટ પથ્થરોથી બનેલ છે. સિમેન્ટનો ઉપયોગ ન કર્યો હોવા છતાં વર્ષોનાં વર્ષ સુધી અડીખમ રહેલી આ ઇમારત નાના-મોટા અનેક ભૂકંપો અને અન્ય કુદરતી આફતો સહન કરી ચૂકી છે. અનેક સંશોધકોના કહેવા અનુસાર આ પુલના નિર્માણમાં આશરે 20,400 ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઇમારતનું નિર્માણ પહેલી શતાબ્દીના અંતમાં અથવા બીજી શતાબ્દીની શરૂઆતનાં વર્ષોમાં થયું હતું એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે એક્વેડક્ટના પથ્થર પરના શિલાલેખમાં લખેલ એના નિર્માણની તારીખ પાણીના વહેણને કારણે ભૂંસાઇ ગઇ છે. પુરાતત્ત્વવિદો અનુસાર બીજી શતાબ્દીની શરૂઆતનો સમય હોવાની સંભાવના વધારે છે, જેથી તેનો નિર્માણ કાળ સમ્રાટ ટ્રાઝન અથવા સમ્રાટ હેડ્રિયનનો સમય હોઇ શકે છે. આ ઇમારતની લંબાઇ આશરે 823 મીટર એટલે કે 2700 ફૂટ લાંબી છે અને તેની ઊંચાઇ 28.5 મીટર એટલે કે 94 ફૂટ છે. એમાં 167 કમાન અને બે સ્તર છે, જેમાંથી ઉપરના સ્તરે પાણી વહેતું હતું. આ પાણીનો ઉપયોગ સાર્વજનિક સ્નાનઘરો, ફુવારા અને ઘરોમાં કરવામાં આવતો હતો. સેગોવિયા જળસેતુનો ઉપયોગ 1973 સુધી થતો રહ્યો, પછી પાણીના પાઇપમાં તેને બદલી નાંખવામાં આવી.

અહીં પાણીને ઊંચા એલ કેસરોન નામના એક મોટા ટેન્કમાં લાવવામાં આવ્યું હતું. અહીંથી પાણીને અન્ય નાની ધારાઓના માધ્યમથી વોટરહાઉસ નામના બીજા ટાવરમાં લઇ જવામાં આવતું હતું,

પરંતુ એ દરમિયાન પાણી ઉપર નિયંત્રણ કરવું જરૂરી હતું. એના લીધે એક્વેડક્ટનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્રિજ ઊંચી ઇમારત જેવો અને અદ્ભુત લાગે છે. તેના સ્તંભોનું સંતુલન બહુ શાનદાર છે.

સિમેન્ટનો ઉપયોગ ન કરવા પાછળ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, આ વિસ્તારમાં સિમેન્ટ બનાવવા માટે ચૂનાના પથ્થરની ભારે ઊણપ હતી, તેથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. સિમેન્ટનો ઉપયોગ ન કરવાનું કારણ જે પણ હોય તે, પરંતુ એ વખતના એન્જિનિયરોને દાદ દેવી પડે. દુનિયાભરના એન્જિનિયરો માટે આજે પણ યુરોપમાં રોમનમાં આવેલ આ ઇમારત ઉત્તમ ઉદાહરણોમાંનું એક છે. આ ઉપરાંત પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.