દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જે કુદરતી હોનારતને કારણે ભૂર્ગભમાં વિલિન થઇ ગઇ હતી, પછી પુરાતત્ત્વવિદ્દો દ્વારા તે મળી આવી છે. એમાં બોરોબુદુર વિહારનો સમાવેશ થાય છે. આ જગ્યા ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર મગેલાંગ વિસ્તારમાં આવેલ છે. બોરોબુગુરુ વિહાર અને દુનિયાનું સૌથી મોટું અને ભવ્ય બૌદ્ધ મંદિર છે. આ મંદિરને જોતા લાગે કે, આ ફક્ત પથ્થરોનું માળખું નથી, પરંતુ બૌદ્ધ બ્રહ્માંડ વિજ્ઞાનનું જાણે જીવંત પ્રતીક છે. આ મંદિર 1991થી યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે.
બોરોબુદુરનો ઇતિહાસ
બોરોબુદુરનું નિર્માણ 8મી અને 9મી સદીની આસપાસ શૈલેન્દ્ર રાજવંશના સમયમાં થયું હતું. શૈલેન્દ્ર શાસકો બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના ચુસ્ત અનુયાયીઓ હતા. આ વિહાર એટલું ભવ્ય છે કે તેને બનાવવામાં આશરે 90થી 100 વર્ષ જેટલો સમય લાગ્યો હોવાનું મનાય છે. જોકે, આ ભવ્ય મંદિરનો ઇતિહાસ સદીઓ સુધી અંધકારમાં રહ્યો હતો.
14મી સદીમાં જાવા ટાપુ પર ઇસ્લામનું આગમન થયું અને શાસન બદલાયું. તે જ સમયે નજીકના જ્વાળામુખીના વિસ્ફોટને કારણે આખું મંદિર જ્વાળામુખીની રાખ અને જંગલોની નીચે દટાઇ ગયું. લોકો ધીરેધીરે આ જગ્યા વિશે ભૂલી ગયા. આશરે એક હજાર વર્ષ પછી, ઇ.સ. 1814માં બ્રિટિશ ગવર્નર સર થોમસ સ્ટેમફોર્ડ રેફલ્સને સ્થાનિક લોકો પાસેથી જ્વાળામુખીને કારણે દટાયેલ સ્મારક વિશે જાણવા મળ્યું. તેમણે સૌથી પહેલાં એ જગ્યા સાફ કરાઇ અને ડચ એન્જિનિયર એચ.સી. કોર્નેલિયસને ખરાઇ કરવા મોકલ્યાં. છેવટે ઘણા પ્રયત્નોને અંતે દુનિયા સમક્ષ આ અદ્ભૂત ધરોહર બહાર આવી.
બોરોબુદુરની સ્થાપત્ય શૈલી
અદ્ભૂત પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવતું બોરોબુદુર મંદિર નવ સ્તરોમાં વહેંચાયેલું છે. જેમાં નીચે છ સ્તર આવેલા છે જે ચોરસ છે અને તેની ઉપર ત્રણ સ્તર આવેલા છે જે ગોળાકાર છે. એની ટોચ પર મુખ્ય સ્તૂપ આવેલો છે. ઉપરથી જોઇએ તો તે વિશાળ બૌદ્ધ મંડળ જેવું દેખાય છે. જે બ્રહ્માંડનું પ્રતીક હોય એવું લાગે છે. ઉપરના ત્રણ ગોળાકાર સ્તરો પર જાળીદાર ઘંટ આકારના 72 સ્તૂપો આવેલા છે, જેની અંદર બુદ્ધની મૂર્તિઓ બિરાજમાન છે. મંદિરમાં બુદ્ધની 504 ભવ્ય મૂર્તિઓ આવેલી છે. બુદ્ધની મૂર્તિઓ ઉપરાંત મંદિરની દિવાલો પર આશરે 2,672 કલાત્મક શિલ્પો કોતરેલા છે, જે ભગવાન બુદ્ધના જીવન, તેમના પૂર્વજન્મો અને બૌદ્ધ ગ્રંથોની વાર્તાઓ દર્શાવે છે.
મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ
બોરોબુદુર મંદિરની રચના પાછળ બૌદ્ધ ધર્મની આધ્યાત્મિક માન્યતાઓ જોડાયેલી છે. આ આખું મંદિર મનુષ્યની સંસારથી માંડીને મોક્ષ સુધીની યાત્રાને દર્શાવે છે, જેને ત્રણ મુખ્ય આધ્યાત્મિક ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
કામધાતુ - ઈચ્છાઓની દુનિયા : મંદિરની સૌથી નીચેના ભાગને કામધાતુ એવું નામ આપવામાં આવ્યું છે. આ ભાગ મનુષ્યની ધરતી પરની લૌકિક ઈચ્છાઓ, વાસનાઓ અને કર્મ-ભાવને દર્શાવે છે. અહીં શિલ્પકામ દ્વારા સારા અને ખરાબ કર્મોના પરિણામોને દર્શાવવામાં આવ્યા છે.
રૂરધાતુ - સ્વરૂપની દુનિયા : મંદિરનો વચ્ચેના એટલે કે મધ્ય ભાગને રૂરધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં માણસ પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવી લે છે,
પરંતુ તે હજુ પણ ભૌતિક સ્વરૂપ અને નામોના બંધનમાં બંધાયેલો હોય છે. અહીં બુદ્ધના જીવન ચરિત્રની વાર્તાઓને પથ્થરો પર કોતરણીકામ દ્વારા કંડારવામાં આવે છે.
અરૂપધાતુ - નિરાકાર દુનિયા : મંદિરની ટોચના ત્રણ ગોળાકાર સ્તરોને અરૂપધાતુ કહેવામાં આવે છે. અહીં કોઇપણ પ્રકારની વાર્તા કે શિલ્પો કંડારવામાં આવ્યાં નથી. તે સંપૂર્ણ શૂન્યતા અને શાંતિનું પ્રતીક છે. અહીં આત્મા ભૌતિક બંધનોમાંથી મુક્ત થઈને નિર્વાણ એટલે કે મોક્ષ તરફ આગળ વધે છે. ટોચનો મુખ્ય સ્તૂપ એ અંતિમ સત્ય અને જ્ઞાનનું પ્રતીક છે.
કુંતો બિમોની લોકમાન્યતા : અહીં જાળીદાર સ્તૂપો આવેલા છે જેની સાથે એક લોકમાન્યતા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સ્તૂપની જાળીની અંદર હાથ નાખીને અંદર બેઠેલી બુદ્ધની મૂર્તિના જમણા હાથની અનામિકા આંગળી અથવા એડીને અડી શકે, તો તેના મનની ઈચ્છા પૂરી થાય છે. જોકે, હવે શિલ્પોની સુરક્ષાને ધ્યાનમાં લઇને પ્રવાસીઓને અડવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બોરોબુદુર ઇન્ડોનેશિયાનું ગૌરવ હોવા ઉપરાંત સમગ્ર એશિયાની સાંસ્કૃતિક એક્તાનું પ્રતીક છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
