સમયની સાથે સાથે આધુનિક ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે, પરંતુ અમુક પ્રાચીન ઇમારતો એવી છે જે, આજની ટેક્નોલોજીને પણ ટક્કર મારે એવી છે અને લોકોને વિચારતા કરી મૂકે છે. એમાંની એક એલેક્ઝાન્ડ્રિયા લાઇટ હાઉસ છે.
મિસ્ત્રના ટોલેમિક શાસકોએ એલેક્ઝાન્ડ્રિયા લાઇટ હાઉસનું નિર્માણ ઇસા. પૂર્વ 280માં કર્યું હતું. આ લાઇટ હાઉસ નાવિકને માર્ગદર્શન મળી રહે એ હેતુથી બનાવવામાં આવ્યું હતું. એલેક્ઝાન્ડ્રિયાના લાઇટ હાઉસને ફારોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો સમાવેશ પ્રાચીન વિશ્વની 7 અજાયબીઓમાં થતો હતો. એની રચના એટલી અદ્ભુત છે કે, તે માનવ ઇતિહાસમાં ટેક્નોલોજી અને એન્જિનિયરિંગના સૌથી પ્રભાવશાળી કારનામાંઓમાંથી એક ગણાય છે. સદીઓ સુધી આ ભવ્ય માળખું માત્ર માર્ગદર્શક દીવાદાંડી તરીકે જ નહીં, પણ ગ્રીક જ્ઞાન, સંપત્તિ અને દરિયાઈ શક્તિના પ્રતીક તરીકે પણ ઊભું રહ્યું હતું.
ટોલેમિક એલેક્ઝાન્ડ્રિયાનો ઉદય
મહાન વિજેતા એલેક્ઝાન્ડર ધ ગ્રેટે ઇજિપ્ત પર વિજય મેળવ્યો અને પોતાનું નામ આપતું શહેર એલેક્ઝાન્ડ્રિયાની સ્થાપના કરી. તેમના મૃત્યુ પછી તેમના સેનાપતિ, ટોલેમી વન સોટરે સત્તા સંભાળી અને ટોલેમિક સામ્રાજ્યની સ્થાપના કરી. આ સમયગાળા દરમિયાન એલેક્ઝાન્ડ્રિયા ઝડપથી સંસ્કૃતિ અને વેપારનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું.
એક બંદર તરીકે એલેક્ઝાન્ડ્રિયા ભૌગોલિક રીતે અનુકૂળ હતું, પરંતુ તેના દરિયાકિનારા નજીકના ખડકાળ અને છીછરા પાણી જોખમી હતા. વધુમાં ટોલેમીઓએ આફ્રિકા, એશિયા અને યુરોપ સાથેના વેપાર પર આધારિત એક શક્તિશાળી નૌકાદળ સ્થાપિત કર્યું હતું. આ વધતા દરિયાઈ ટ્રાફિક અને સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંદરના પ્રવેશદ્વાર પર ફારોસ ટાપુ પર એક વિશાળ માર્ગદર્શક દીવાદાંડી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નિર્માણ અને આર્કિટેક્ટ
લાઇટ હાઉસનું નિર્માણ ટોલેમી એક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેમના પુત્ર ટોલેમી-બે ફિલાડેલ્ફસના શાસનકાળ દરમિયાન આશરે 280 ઇસા. પૂર્વમાં પૂર્ણ થયું. આ લાઇટ હાઉસને આર્કિટેક્ટ તરીકે રૂપરેખા આપવાનું કામ સોસ્ટ્રેટસ ઓફ ક્નિડસે કર્યું હતું. એવું કહેવાય છે કે સોસ્ટ્રેટસે લાઇટ હાઉસ પર પોતાનું નામ કોતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોલેમી-બેએ રાજાના મહિમા માટે નામ છુપાવીને માત્ર રાજાનું નામ કોતરવાની ફરજ પાડી હતી. લાઇટ હાઉસ બનાવવા માટે આછા રંગના ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની ઊંચાઈને લઇને અલગ અલગ અંદાજો લગાવવામાં આવે છે, પરંતુ મોટાભાગે તે 380થી 450 ફૂટ એટલે કે આશરે 115થી 137 મીટરની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
એ સમયે ગિઝાના પિરામિડ સિવાયની સૌથી ઊંચી માનવનિર્મિત રચના બની હોવાનું મનાય છે. લાઇટ હાઉસની વિશિષ્ટ રચના લાઇટ હાઉસને ત્રણ વિશિષ્ટ સ્તરોમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે તેની અજોડ સ્થિરતા અને ભવ્યતા માટે જાણીતું હતું. વિશાળ પથ્થરના બ્લોક્સમાંથી ચોરસ અને સૌથી મજબૂત સ્તર બનાવવામાં આવ્યું હતું. આ ભાગનો ઉપયોગ લાઇટ હાઉસના કર્મચારીઓ, સૈનિકો અને ઇંધણ સંગ્રહ માટેના રૂમો તરીકે થતો હતો. આ ભાગમાં એક વિશાળ સર્પાકાર રેમ્પ બનાવવામાં આવી હતી. આ રેમ્પ દ્વારા ઘોડાઓ અને ગધેડાંઓ ટોચ પર જરૂરી લાકડાં અને અન્ય ઇંધણ લઈ જતા હતા. ચોરસની ઉપર એક મધ્યમ કદનું અષ્ટકોણ માળખું હતું, જેને આઠ બાજુઓ હતી. તેની બાહ્ય સપાટીઓ પર કલાત્મક સજાવટ અને બારીઓ હોવાની શક્યતા છે. આ લાઇટ હાઉસનો સૌથી મહત્ત્વનો ભાગ હતો, જે દીવાદાંડી ધરાવતો હતો. અહીં એક ખુલ્લો ઓરડો હતો જ્યાં ચોવીસ કલાક અગ્નિ પ્રગટાવવામાં આવતી હતી. સૌથી આકર્ષક વિશેષતા એ હતી કે દીવાદાંડીની પાછળ એક વિશાળ, પોલિશ્ડ કાંસાનો અરીસો હતો. આ અરીસો આગના પ્રકાશને ખૂબ દૂર સુધી, કદાચ 35 માઇલ એટલે કે 56 કિમી જેટલો દૂર, રિફ્લેક્ટર તરીકે કામ કરતો હતો.
કેટલાક ઇતિહાસકારો માને છે કે આ અરીસાનો ઉપયોગ દિવસ દરમિયાન સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરવા માટે પણ થતો હતો. લાઇટ હાઉસની ટોચ પર ગ્રીક સમુદ્ર દેવતા પોસાઇડનની એક વિશાળ પ્રતિમા હતી, જે દરિયાઈ મુસાફરોને આશીર્વાદ આપતી હોય તેવું લાગતું હતું.
એલેક્ઝાન્ડ્રિયાનો ફારોસ આશરે 1500 વર્ષ સુધી અડીખમ રહ્યો. કુદરતી આફતોને કારણે તેનો વિનાશ ધીમે ધીમે થતો ગયો. એમાં ત્રણ શક્તિશાળી ભૂકંપ પછી ઇમારતની ઊંચાઇ ઘટતી ગઈ અને તેની ભવ્યતા નાશ પામતી ગઇ. એક દિવસ સંપૂર્ણપણે લાઇટ હાઉસ પડી ભાંગ્યું.
ઇજિપ્તના મામલુક સુલતાન અલ-અશરફ કાઇટબે 1480માં લાઇટ હાઉસના સંપૂર્ણપણે પડી ગયેલા પથ્થરોના કાટમાળનો ઉપયોગ કરીને તે જ સ્થળે એક મજબૂત કિલ્લો બનાવડાવ્યો છે. ફારોસે માત્ર લાઇટ હાઉસનું કાર્ય જ કર્યું નહોતું, પરંતુ તે ટેક્નોલોજિકલ પ્રેરણાનો સ્રોત બન્યો હતો. 1994માં ફ્રેન્ચ પુરાતત્ત્વવિદોની ટીમે ફોર્ટ કાઇટબેની આસપાસ સમુદ્રના તળિયે ફારોસના વિશાળ પથ્થરના બ્લોક્સ અને અવશેષો શોધી કાઢ્યા, જેણે આ મહાન માળખાની ભવ્યતાની ઝલક લોકો સમક્ષ રજૂ કરી.
એલેક્ઝાન્ડ્રિયાનો લાઇટ હાઉસ, ઇજિપ્ત અને ગ્રીસના એન્જિનિયરિંગની કલાનો અદ્ભુત દસ્તાવેજ છે. જેણે દરિયાઈ માર્ગદર્શક અને આર્કિટેક્ચરના ઇતિહાસને બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો