ઇતિહાસમાં એવી અનેક ઇમારતો છે જેની રચના સદીઓ પહેલાં રાજા રજવાડાંઓ દ્વારા કરવામાં આવી હતી અને સમય જતાં એ ઇમારતો નષ્ટ થઇ હોય અથવા તો તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોય. એવી જ એક જગ્યા બુખારાનો કિલ્લો છે, જે ધ અર્ક તરીકે ઓળખાય છે. આ કિલ્લો પહેલી નજરે ઇંટોમાંથી બનાવવામાં આવેલું એક માળખું હોય એવું લાગે છે, પરંતુ આ માળખા પાછળ અનેક રહસ્યો અને ઇતિહાસ રહેલાં છે. ઉઝબેકિસ્તાનના બુખારા શહેરમાં ધ અર્ક નામનો ભવ્ય કિલ્લો આવેલો છે, જે સદીઓ સુધી સત્તા, સંસ્કૃતિ અને સ્થાપત્યનું કેન્દ્ર રહ્યો છે. આ કિલ્લાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ધ અર્કનો ઇતિહાસ
ધ અર્કને બુખારાની સૌથી પ્રાચીન ઇમારત માનવામાં આવે છે. પુરાતત્ત્વવિદો અનુસાર આ કિલ્લાનું નિર્માણ પાંચમી સદીમાં કરવામાં આવ્યું હતું. આ કિલ્લો બનાવવા પાછળનો મુખ્ય હેતુ રક્ષણ હતું, પરંતુ સમય જતાં એક શહેર તરીકે તેનો વિકાસ થવા લાગ્યો. પ્રાચીન સમયમાં બુખારા પર શાસન કરનારા તમામ રાજવંશો જેમાં સામાનીદ, કારાખાનિદ, મંગોલ, તૈમુરીદ, જાનિદ અને મંગિત વંશના શાસકોનો સમાવેશ થાય છે. એમના માટે આ કિલ્લો સત્તાનું મુખ્ય કેન્દ્ર હતું. સામાનીદ સામ્રાજ્ય એટલે કે 9મી અને 10મી સદીમાં આ કિલ્લો વૈભવના શિખરે હતો. કહેવાય છે કે આ સમય દરમિયાન અહીં સમૃદ્ધ પુસ્તકાલય બનાવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ વૈજ્ઞાનિકોથી માંડી કવિઓ અને વિદ્વાનો દ્વારા કરવામાં આવતો હતો.
ચંગીઝ ખાને 13મી સદીમાં જ્યારે મધ્ય એશિયા પર આક્રમણ કર્યું, ત્યારે તેના સૈનિકોએ બુખારા પર કબજો કર્યો હતો. એ સમયે શહેરમાં વસવાટ કરતા નાગરિકો અને સૈનિકોએ કિલ્લાની અંદર આશ્રય લીધો હતો, પરંતુ ચંગીઝ ખાનની સેનાએ કિલ્લાની દીવાલો તોડી પાડી કિલ્લાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં અંદર રહેલા લોકોને પણ મારી નાંખ્યા હતા. આ ઘટના પછી કિલ્લાનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું.
ધ અર્કની સ્થાપત્યકલા
આ કિલ્લો કૃત્રિમ ટેકરા ઉપર બનાવવામાં આવ્યો છે, જે આશરે 4 હેક્ટર એટલે કે 10 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. તેની દીવાલોની લંબાઇ આશરે 800 મીટર છે. તે ઊંચાઇમાં 16થી 20 મીટર જેટલો ઊંચો છે. કિલ્લાની બહારની દીવાલો ઇંટો અને માટીના મિશ્રણમાંથી બનાવવામાં આવી છે. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર પર બે ભવ્ય ટાવર્સ છે. દરવાજાની અંદર પ્રવેશ કરીએ એટલે ઢોળાવવાળો રસ્તો છે, જે કિલ્લાની અંદર લઇ જાય છે. આ રસ્તાની બંને બાજુએ અંધારી કોટડીઓ બનાવવામાં આવી છે. પ્રાચીન સમયમાં આ કોટડીનો ઉપયોગ કેદીઓને રાખવા માટે કરવામાં આવતો હતો.
સમયની સાથે કિલ્લામાં પરિવર્તન કરવામાં આવતું ગયું. જેમ કે, 19મી સદી સુધીમાં આ કિલ્લાની અંદર અમીરનો ભવ્ય મહેલ, રાજ્યાભિષેક હોલ, ટંકશાળા, સરકારી કચેરીઓ, શાહી તબેલા વગેરે હતું. આશરે 3000 જેટલા લોકો વસવાટ કરી શકે એવી વ્યવસ્થા અંદર હતી.
ધ અર્કની વર્તમાન સ્થિતિ
કોઇ પણ કિલ્લાની રચના કરવામાં આવે એ પછી તેનો ગોલ્ડન પિરિયડ શરૂ થતો હોય છે, પરંતુ અમુક વર્ષો બાદ તે અસ્ત થઇ જતો હોય છે. એ રીતે ધ અર્કનો સોનેરી કાળ 1920માં સમાપ્ત થયો. રશિયન ક્રાંતિ દરમિયાન લાલ સેનાના જનરલ મિખાઇલ ફ્રુંઝેના આદેશ પર કિલ્લા પર ભયાનક બોમ્બમારો કરવામાં આવ્યો. તોપમારા ઉપરાંત હવાઇ હુમલાના કારણે કિલ્લાની અંદરની મોટાભાગની ઇમારતો બળીને ખાખ થઇ ગઇ. ભવ્ય કિલ્લાનો 70 ટકા ભાગ ખંડેર બની ગયો. અમીર આલીમ ખાન કિલ્લો છોડીને અફઘાનિસ્તાન ભાગી ગયા. આમ, એક સમયમાં ખૂબ જહોજલાલી ધરાવતા ધ અર્ક કિલ્લાની રોનક મરી પરવારી.
ઉઝબેકિસ્તાન સરકાર દ્વારા આજે આ કિલ્લાને એક મોટા મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યો છે. કિલ્લાના જે ભાગો સુરક્ષિત રહ્યા હતા, તેને વ્યવસ્થિત કરીને ત્યાં બુખારાનો ઇતિહાસ, પુરાતત્ત્વ, પ્રાચીન શસ્ત્રો, હસ્તકલા અને સિક્કાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. દર વર્ષે દુનિયાભરમાંથી લાખો પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત લે છે. ધ અર્ક ઐતિહાસિક સ્મારક હોવાની સાથે સાથે સ્થાપત્યકલાનું અદ્ભુત ઉદાહરણ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો