આખી દુનિયાને એ બહુ સારી રીતે યાદ છે કે રામે શિવનું ધનુષ્ય તોડ્યું હતું, પણ આ દુનિયા ક્યારેય એ અઘરો સવાલ નથી પૂછતી કે: આખી જિંદગીમાં રામે એવાં કેટલાં ધનુષ્ય તોડવાની ના પાડી દીધી હતી?
આપણા આધુનિક જમાનાની આ સૌથી મોટી બીમારી છે. આપણને સિનેમાના પડદા પર સળગતી લંકા, હવામાં ઊડતા શસ્ત્રો, વીએફએક્સવાળા વાનરો અને સિક્સ-પેક એબ્સ ધરાવતા ગુસ્સેલ યોદ્ધાઓ બહુ જલદી સમજાઈ જાય છે. આપણને `યુદ્ધ'નો ઘોંઘાટ બહુ આકર્ષક લાગે છે, પણ યુદ્ધ શરૂ થતાં પહેલાંનું `મૌન' પચાવવા માટેની ધીરજ અને વૃત્તિ છે? રામાયણ એ કોઈ `વોર-સ્ટોરી' નથી. જો રામાયણ માત્ર હથિયારો અને યુદ્ધની કથા હોત, તો ક્યારનીય આઉટડેટેડ થઈ ગઈ હોત. રામાયણ એ યુદ્ધની નહીં, પણ `નિયંત્રણ'ની કથા છે. રામાયણનો સૌથી ઊંડો સવાલ એ નથી કે કોણ કોનો નાશ કરી શકે તેમ છે? રામાયણનો અસલી સવાલ એ છે કે: કોણ પોતાની જાતને `રોકી' શકે તેમ છે?
આજે ભલે માણસના હાથમાં તલવારની જગ્યાએ સ્માર્ટ ફોન આવી ગયો હોય અને સામ્રાજ્યની જગ્યાએ કોઈ મલ્ટિનેશનલ કંપની ઊભી થઇ હોય, પણ માણસની અંદરનું કુરુક્ષેત્ર હજુ એ જ છે. ક્રોધ, વાસના, મહત્ત્વાકાંક્ષા, અસલામતી, અહંકાર, અપમાન અને સત્તાની ભૂખ! રાવણ માત્ર લંકામાં નહોતો. જ્યારે કોઈ માણસનું `જ્ઞાન' એની `વાસના'નો ગુલામ બની જાય, ત્યારે જે પેદા થાય છે તેનું નામ રાવણ. કૈકેયી માત્ર અયોધ્યામાં નહોતી; જ્યારે માણસની અંદર રહેલી અસલામતીને કોઈ રાજકીય સલાહકાર મળી જાય, ત્યારે તે કૈકેયી બને છે. દશરથ માત્ર એક વૃદ્ધ રાજા નહોતા; જ્યારે માણસનો પ્રેમ એની નબળાઈ બની જાય, ત્યારે તે દશરથ બને છે અને લક્ષ્મણ એટલે એવી પ્રચંડ આગ, જેને સતત એક નૈતિક સીમાડાની જરૂર પડે છે.
તો પછી રામ કોણ છે? રામ એટલે મહાન નથી કે તેમની પાસે સત્તા છે. રામ એટલે મહાન છે કારણ કે સત્તા તેમને ખરીદી શકી નથી! હીરોઈઝમ અને `વિજય' વચ્ચે આ જ સૌથી મોટો તફાવત છે. રામની મહાનતા રાવણને માર્યા પછી લંકામાં શરૂ નથી થતી, તેમની મહાનતા અયોધ્યાના મહેલમાં જ સાબિત થઈ જાય છે. આજના જમાનાનો કોઈ પોલિટિકલ કન્સલ્ટન્ટ ત્યારે હોત તો તેણે રામને સલાહ આપી હોત કે: `સાહેબ, નેરેટિવ કંટ્રોલ કરો અને સત્તા કબ્જે કરો!' પણ રામ એવું કશું જ નથી કરતા અને આપણે? રામાયણમાંથી એક નવનીત આ પણ નીકળી શકે એમ છે કે, દુનિયાની સૌથી મોટી સત્તા એ માણસ પાસે હોય છે, જે માણસને સત્તાની કોઈ જ ભૂખ નથી હોતી.
આપણા જમાનાને હનુમાન પણ ક્યારેય નહીં સમજાય. હનુમાન એ રામાયણનું સૌથી શક્તિશાળી પાત્ર છે, પણ તેમની મહાનતા એમના `મસલ્સ'માં નથી, પણ તેમના અહંકારશૂન્ય ભાવમાં છે. તાકાતવર બનવું અસંભવ નથી, સમર્પિત થવું અતિ કઠિન છે. તેઓ એકલા હાથે સમુદ્ર પાર કરે છે, સીતાની શોધ કરે છે, આખી લંકાને સળગાવીને ખાખ કરી નાખે છે. આજના સમયમાં એવું કોઈએ કર્યું હોત તો તેમણે પાછા ફરીને ક્યારેય એનું `પર્સનલ બ્રાન્ડિંગ' ઊભું કર્યું હોત અને `હાઉ ટુ ક્રોસ ધ ઓસન ઇન ફાઈવ સ્ટેપ્સ'નો સેમિનાર ડિક્લેર કરી નાખ્યો હોત.
રામાયણ એવું ક્યારેય નથી કહેતું કે `સત્તા' ખરાબ છે. રામાયણ એમ કહે છે કે, `નિયંત્રણ વગરની સત્તા' રાક્ષસી છે અને એટલે જ રાવણ જેવો ખલનાયક બહુ જરૂરી હતો, આ વાત આપણા સુધી પહોચાડવા માટે. જો રાવણ કોઈ અભણ, મૂર્ખ કે કદરૂપો રાક્ષસ હોત, તો આ મહાકાવ્ય થોડું સુપરફિશિયલ બની ગયું હોત, પણ રાવણ જ્ઞાની હતો, તપસ્વી હતો, શક્તિશાળી શાસક હતો અને સંગીતનો પ્રખર જાણકાર હતો. ગણિતજ્ઞ હતો, વિદ્વાન હતો, શિવભક્ત હતો. રાવણનું પતન આપણને એક ભયંકર ચેતવણી આપે છે કે: તમારું `એજ્યુકેશન' તમારી વાસનાઓને સભ્ય નથી બનાવી શકતું. માણસ ચારેય વેદનો જ્ઞાતા હોવા છતાં એ ક્યાં અટકવું તે ન જાણતો હોય તો તે રાવણ છે.
આજની આ 21મી સદી એ બીજું કંઈ નથી, બહેતર ટેક્નોલોજી સાથેનો નવો `રાવણ' જ છે! આપણે ડેટાથી ભરેલા છીએ, એઆઈમાં વસેલા છીએ, એક્સપર્ટ્સથી ઘેરાયેલા છીએ, પણ આપણી સિસ્ટમ હજુ એ જ પ્રાચીન જાનવર જેવી છે. જે નથી લેવાનું, તેની જ આપણને સૌથી વધુ ભૂખ છે. રામાયણની અસલી લડાઈ રામ અને રાવણ વચ્ચેની છે જ નહીં. અસલી લડાઈ `સેલ્ફ-માસ્ટરી' (પોતાની જાત પર કાબૂ) વર્સેસ `સેલ્ફ-એક્સપાન્શન' (પોતાની જાતનો વિસ્તાર) વચ્ચેની છે.
આપણે જ્યારે રામાયણને એક વીએફએક્સવાળી ફિલ્મ કે સીરિયલમાં ફેરવી નાખીએ છીએ, ત્યારે આપણે તેનો આત્મા ચૂકી જઈએ છીએ. સિનેમાના પડદા પર લંકા બહુ ભવ્ય દેખાશે, ઊડતાં તીરો અને વાનરો બહુ આકર્ષક લાગશે, પણ તમે એ માણસનું `શૂટિંગ' કેવી રીતે કરશો જેણે ક્રોધ ન કરવાનો નિર્ણય લીધો હોય? જે અહંકાર પેદા જ ન થયો હોય, એનું તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક શું રાખશો? જે માણસ સિંહાસનને ઠોકર મારીને જંગલમાં જઈ રહ્યો છે, તેની `સ્પેશિયલ ઇફેક્ટ' તમે કેવી રીતે બનાવશો?
અને એટલે જ રામાયણ યુદ્ધની કથા નથી.
યુદ્ધ તો રામાયણના આખા ઘરમાં આવેલો એક સૌથી ઘોંઘાટિયો ઓરડો માત્ર છે. આખું ઘર તો `મર્યાદા'નું બનેલું છે. આ દુનિયામાં એવા લાખો યોદ્ધાઓ થઈ ગયા, જે શહેરો સળગાવી શકતા હતા અને રાજ્યો જીતી શકતા હતા, પણ એવો યોદ્ધા મળવો અશક્ય છે જે હાથમાં ધનુષ્ય હોવા છતાં `ધર્મ'નો અવાજ સાંભળવા માટે રોકાઈ જતો હોય.
યાદ રાખજો, જે તીર છૂટી જાય છે તે માત્ર એક `યુદ્ધ' જિતાડી શકે છે, પણ જે તીર ધનુષ્ય પર ચડ્યા પછી પણ રોકાઈ જાય છે, તે એક આખી `માનવસભ્યતા'નું નિર્માણ કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો