દુનિયાભરમાં અને અલગ અલગ દેશોમાં વિવિધ પ્રકારનાં ધાર્મિક સ્થળો આવેલાં છે. આ સ્થળો સાથે લોકોની આસ્થા જોડાયેલી હોય છે.

 પરંતુ અમુક સ્થળો તો એવાં ગજબનાં છે કે એ એની કલા, ઇતિહાસ અને રહસ્યોના ખજાના માટે વિશ્વભરમાં જાણીતાં છે. એવું જ એક સ્થળ બેસિલિકા ઓફ સાન વિટાલે છે, જે ઇટાલીના રાવેના શહેરમાં આવેલ છે. એવું કહેવાય છે કે આ સ્થળ 1500 વર્ષથી અડીખમ ઊભું છે. એમાં રહેલી અનેક વિશેષતાને કારણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઐતિહાસિક મહત્ત્વ અને નિર્માણ

બેસિલિકાનું નિર્માણ ઈ.સ. 526માં બિશપ એક્લેસિયસના સમયમાં શરૂ થયું હતું અને ઈ.સ. 547માં તેનું કામ પૂર્ણ થયું હતું. તે સમયે રાવેના પર બાયઝેન્ટાઇન સામ્રાજ્યનું શાસન હતું. આ ચર્ચના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ પશ્ચિમી રોમન સામ્રાજ્ય પર પૂર્વીય સામ્રાજ્યની સત્તા અને વૈભવનું પ્રદર્શન કરવાનો હતો. આ સ્થાપત્યનું નામ રાવેનાના શહીદ સંત વિટાલિસના નામ પરથી રાખવામાં આવ્યું છે.

અનોખી સ્થાપત્ય શૈલી

ચર્ચ સામાન્ય રીતે લાંબા એટલે કે લંબચોરસ આકારનાં બનાવવામાં આવે છે, પરંતુ સાન વિટાલેની રચના અષ્ટકોણીય આકારની છે. તે પહેલી નજરમાં જ અનોખું લાગે. આ ચર્ચમાં એક મોટો અષ્ટકોણ છે, જેની અંદર બીજો નાનો અષ્ટકોણ આવેલો છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર મુજબ સાત દિવસમાં સૃષ્ટિનું સર્જન થયું અને આઠમા દિવસે પુનરુત્થાન અને અનંતકાળનું પ્રતીક આઠ નંબરને માનવામાં આવે છે. આથી જ આ ચર્ચ આઠ ખૂણાવાળું બનાવવામાં આવ્યું એવું કહેવાય છે, જે આખા સ્થાપત્યને આધ્યાત્મિક અર્થ આપે છે.

બહારની દીવાલો સાદી ઈંટોની બનેલી છે, પરંતુ જેવા ચર્ચની અંદરની તરફ તમે પ્રવેશ કરો છો, તેવી જ એક અનોખી રંગીન દુનિયામાં આવી ગયા હોય એવો અહેસાસ થાય છે. તેની છત અને દીવાલો પર કરવામાં આવેલી મોઝેક કલા એટલી બધી સમૃદ્ધ અને અદ્ભુત છે કે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. કલાકારોએ કાચના નાના નાના ટુકડાઓને એવી રીતે ગોઠવ્યા છે, જાણે તે જીવંત હોય એવી અનુભૂતિ થાય છે. સાન વિટાલેની મોઝેક કલા વિશ્વભરમાં પ્રખ્યાત છે.

જસ્ટિનિયન અને થિયોડોરાનાં ચિત્રો : સૌથી પ્રખ્યાત મોઝેક સામ્રાજ્યના શાસક જસ્ટિનિયન પ્રથમ અને તેમની પત્ની થિયોડોરાનાં છે. રહસ્યની વાત એ છે કે જસ્ટિનિયન ક્યારેય પોતે રાવેના આવ્યા નહોતા, છતાં તેમનું આબેહૂબ ચિત્ર અહીં કંડારવામાં આવ્યું છે, જે તેમની સત્તાનું પ્રતીક હતું.

પ્રકાશનો જાદુ : મોઝેકના ટુકડાઓને સહેજ ખૂણા પર લગાવવામાં આવ્યા છે. જ્યારે સૂર્યપ્રકાશ બારીઓમાંથી અંદર આવે છે, ત્યારે આ પથ્થરો ચમકી ઊઠે છે, જેનાથી આખા ચર્ચમાં એક દિવ્ય અને જાદુઈ વાતાવરણ સર્જાય છે.

રોચક અને રહસ્યમય બાબતો

ચર્ચના ફ્લોર પર એક અનોખી ભુલભુલામણી જેવી રચના કરવામાં આવી છે. મધ્યયુગના સમયમાં એવું માનવામાં આવતું હતું કે આ રસ્તા પર ચાલવું એ પાપોમાંથી મુક્તિ અને આત્માની શુદ્ધિની યાત્રા સમાન છે. આ માર્ગ પર ચાલવું એ જેરુસલેમની તીર્થયાત્રા કરવાનું પ્રતીક મનાતું હતું.

છઠ્ઠી સદીમાં આટલો મોટો ગુંબજ બનાવવો એ પડકારજનક કામ હતું. રહસ્ય અને નવાઇની વાત તો એ છે કે આ ગુંબજ હલકો રહે એ માટે તેને ઈંટોને બદલે માટીના ખાલી નળાકાર જોડીને બનાવવામાં આવ્યો છે. આ ટેક્નિકને કારણે સદીઓ પછી પણ ભૂકંપ જેવી આપત્તિઓમાં પણ આ ઇમારત અડીખમ રહી છે.

ચર્ચની અંદર બાઈબલની અનેક વાર્તાઓ મોઝેક દ્વારા દર્શાવવામાં આવી છે. અબ્રાહમ અને આઇઝેકની વાર્તા, મોઝેઝ(મૂસા)ના જીવનના પ્રસંગો અને ઈસુ ખ્રિસ્તનું ભવ્ય ચિત્ર મધ્યમાં જોવા મળે છે. દરેક ચિત્રમાં પશુ-પક્ષીઓ અને વનસ્પતિની વિગતો એટલી ઝીણવટભરી છે કે તે સમયના કલાકારોની કુશળતા જોઈને આશ્ચર્ય થાય છે.

બેસિલિકા ઓફ સાન વિટાલે એ માત્ર પથ્થર અને કાચની ઇમારત નથી, પણ તે માનવ શ્રદ્ધા અને કલાની પરાકાષ્ઠા છે. 1500 વર્ષ વીતી ગયાં હોવા છતાં, તેના રંગો આજે પણ તેટલા જ તેજસ્વી છે. અહીં સંગીતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીં અવાજ એટલો શુદ્ધ હોય છે કે સંગીતના સૂર હૃદયને સ્પર્શી જાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો