કુર્ગ, જેને સત્તાવાર રીતે કોડાગુ (Kodagu) તરીકે ઓળખવામાં આવે છે, તે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલું એક સુંદર પહાડી સ્થળ છે. પશ્ચિમી ઘાટની રમણીય પર્વતમાળાઓમાં આવેલું આ સ્થળ તેની તાજગીભરી હરિયાળી, ધુમ્મસભર્યા પહાડો અને સુગંધિત કોફીના બગીચાઓને કારણે `ભારતનું સ્કોટલેન્ડ' તરીકે લોકપ્રિય છે. કુર્ગ એ ભારતના કોફી ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં મોટાભાગે અરેબિકા અને રોબસ્ટા કોફીની ખેતી થાય છે. કોફીના બગીચાઓમાં ફરવું, તેની સુગંધ માણવી અને તાજી કોફીનો સ્વાદ લેવો એ અહીંનો મુખ્ય અનુભવ છે. તેની ઊંચાઈને કારણે અહીં આખું વર્ષ ખુશનુમા અને ઠંડું વાતાવરણ રહે છે.

મડિકેરી અને આસપાસનાં મુખ્ય સ્થળો

રાજાની સીટ : આ સ્થળ પૂર્વેના કોડાગુના રાજાઓ માટે સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ માણવા માટેનું પ્રિય સ્થાન હતું. અહીંથી ખીણો અને પર્વતોનું અદ્ભુત પેનોરેમિક દૃશ્ય જોવા મળે છે. ખાસ કરીને સવારે અથવા સાંજે ધુમ્મસ હટે ત્યારે. અહીંના ફુવારાઓ અને ફૂલોવાળો બગીચો પણ આકર્ષણનું કેન્દ્ર છે.

ઓમકારેશ્વર મંદિર : ઈ.સ. 1820માં રાજા લિંગરાજ દ્વારા ભગવાન શિવને સમર્પિત આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે ગોથિક અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનું અનોખું મિશ્રણ દર્શાવે છે. મંદિરના પ્રવેશદ્વાર પર મુસ્લિમ શૈલીનો ગુંબજ અને મિનારા છે, જે ભારતીય મંદિરોમાં અસામાન્ય છે.

મડિકેરી કિલ્લો : 17મી સદીમાં નિર્મિત આ કિલ્લાનો ઉપયોગ વિવિધ શાસકો દ્વારા કરવામાં આવ્યો છે. કિલ્લાના પરિસરમાં હાલમાં એક મહત્ત્વપૂર્ણ સરકારી ઓફિસ અને એક નાનકડું મ્યુઝિયમ આવેલું છે, જે કુર્ગના ઇતિહાસની ઝલક આપે છે.

 કુદરતી સૌંદર્ય અને ધોધ

અબ્બી ધોધ : જે મડિકેરીથી લગભગ 8થી 10 કિલોમીટર દૂર સ્થિત છે. કોફીના બગીચાઓ અને મસાલાનાં ખેતરોની વચ્ચેથી પસાર થતી કેડી પર ચાલીને આ ધોધ સુધી પહોંચાય છે. ચોમાસા દરમિયાન આ ધોધનો જળપ્રવાહ ખૂબ જ શક્તિશાળી અને ભવ્ય હોય છે. ફોટોગ્રાફી માટે આ ઉત્તમ સ્થળ છે.

મલ્લલ્લી ધોધ : સોમવારપેટ નજીક આવેલો આ કુર્ગનો સૌથી ઊંચો અને શક્તિશાળી ધોધ માનવામાં આવે છે. આ ધોધ કુમારધારા નદીમાંથી નીકળે છે અને ગાઢ જંગલોની વચ્ચે વહે છે. તેના સુધી પહોંચવા માટે થોડું ટ્રેકિંગ કરવું પડે છે.

 ધાર્મિક અને વન્યજીવનનાં સ્થળો

તલકાવેરી : આ પવિત્ર કાવેરી નદીનું ઉદ્ગમસ્થાન માનવામાં આવે છે. અહીં એક નાનકડો કુંડ અને ભગવાન અગસ્ત્યને સમર્પિત મંદિર આવેલું છે. ટેકરીની ટોચ પરથી આસપાસના પહાડોનું અને વાદળોનું અદ્ભુત દૃશ્ય દેખાય છે. તે ધાર્મિક યાત્રા અને કુદરતી સૌંદર્ય માટેનું સ્થળ છે.

દુબારે એલિફન્ટ કેમ્પ : તે કાવેરી નદીના કિનારે સ્થિત છે. આ કેમ્પમાં મુલાકાતીઓ હાથીઓને નજીકથી જોઈ શકે છે, તેમને નવડાવવામાં અને ખવડાવવામાં મદદ કરી શકે છે. તે પ્રકૃતિપ્રેમીઓ અને પરિવારો માટે એક લોકપ્રિય સ્થળ છે.

એડવેન્ચરનો આનંદ

કુર્ગ હાઇકિંગ અને ટ્રેકિંગ માટે પણ પ્રખ્યાત છે. તડિયંડમોલ કુર્ગનું સૌથી ઊંચું શિખર (લગભગ 5,740 ફૂટ) છે. ટ્રેકિંગના શોખીનો માટે આ એક આકર્ષક સ્થળ છે. આ સિવાય બ્રહ્મગિરિ પણ મુખ્ય ટ્રેકિંગ સ્થળ છે, જે સાહસ પ્રેમીઓને પહાડી સૌંદર્યનો નજીકથી અનુભવ કરવાની તક આપે છે.