ફેબ્રુઆરી મહિનો છે. પ્રેમની મોસમ તો બારેમાસ હોવી જોઈએ, પણ ફેબ્રુઆરીમાં ગુલાબનાં ફૂલ, ફુગ્ગાઓ, હાર્ટ શેપની કેક અને લાલ રંગ વધુ દેખાય છે. વસંત કુદરતને ખીલવે છે.
પ્રેમીઓ પોતાના દિલના તરંગોને ખીલવવા માટે વસંતોત્સવની રાહ જોતા હશે. ખબર નહીં, પણ રાહ શબ્દ પણ પ્રેમના સેંકડો સમાનાર્થી શબ્દોમાંનો એક છે. `પ્રેમ એટલે?' આ એક સવાલ ઉપર કવિઓ અને લેખકો અને ઘણીવાર ગુરુઓ પણ પોતાની અડધી કારકિર્દી ચલાવી લેતા હોય છે, પણ પ્રેમમાં ઇંતજાર તો સદીઓથી રહ્યો છે. જ્યારે ઘૂંટણભેર બેસીને હાથમાં ગુલાબ લઈને પ્રપોઝ કરવાની ફેશન ન હતી ત્યારે પણ પોતાની ગમતી વ્યક્તિની રાહ જોવાતી અને એ રાહ જોવી પણ ગમતી. પ્રેમના `પ્ર'માં નીચે જે પાંખિયું છે એમાં રાહ ઈંગિત થયેલી છે. પ્રતીક્ષાના પાયા ઉપર પ્રેમ ટકેલો છે. સૂમસામ રેલવે સ્ટેશન પર મોડી પડેલી ટ્રેનની રાહ જોવી, બપોર વચાળે ટપાલીની સાઇકલનું ટ્રિન ટ્રિન સંભળાય એના માટે કાન સરવા રાખવા, કેન્ટિનમાં એક ઝલક જોવા મળી જાય એના માટે ક્લાસ બંક કરવા, આખી રાત ગરબા ગાતા ઝૂમવું તો રાતે એને ઘરે મૂકવા જઇ શકાય - આ બધામાં રાહ જોવાનું બાય ડિફોલ્ટ છે. પ્રેમ વડની વડવાઈ જેવો હોય. ધીમે ધીમે એવો મજબૂત થાય કે ટીંગાઈને ઝૂલી શકો, પણ પ્રેમ હવે નોટિફિકેશન છે.
ફોન વાઈબ્રેટ થાય તો દિલના ધબકારા વધી જાય. નોટિફિકેશનમાં એનું નામ હોય તો વીજળી વેગે એનું ચેટબોક્સ ખૂલી જાય, એની સ્ટોરી ચાર સેકન્ડમાં લાઈક થઈ જાય અને ગમે તેટલા માણસો વચ્ચે પણ પોતાના ફોનમાં જ ચોરી કરતા હોઈએ એમ ચૂપકે ચૂપકે રિપ્લાય પણ અપાઈ જાય અને પછી હોઠ મરકી ન ઊઠે એનું ધ્યાન પણ રાખવું પડે. પ્રેમ એકાંતમાં ખડખડાટ હસાવે ને જાહેરમાં સ્માઈલને દબાવે. અજબ રસાયણ છે આ. એ એક ગ્રીન ડોટ, એ એકનું જ ઓનલાઈન હોવું, એ એકનું ટાઈપિંગ લખેલું આવવું, એનો લાંબો મેસેજ, હજારો રીલ વચ્ચે એની એકની જ તસવીરનું બેસ્ટ લાગવું, એનો વીડિયો કોલ જો ભૂલથી આવી ગયો તો સ્ક્રીનમાં ઘૂસી જઈને એને ચૂમી લેવાનું મન થવું, મનમાં વિચાર એના અને આંગળીઓ સ્ક્રોલ કરતી ફરતી રહે, આંખો સ્થિર ન રહે પણ ધ્યાન એક જગ્યાએ જ સ્થિર હોય. પ્રેમની પરિભાષાઓ ડિજિટલ છે, પણ કેટલી સટિક અને ચોક્કસ છે. સોફ્ટવેરના સમયમાં પણ અભિવ્યક્તિ અને ઈચ્છાઓ દૃઢ રહે છે.
આપણા દાદાજીઓ અવાજના પ્રેમમાં પડતા. નવલકથાકારો લખતા કે રૂપાની ઘંટડી જેવો અવાજ, કાનમાં મધ રેડાતું હોય એવો સુમધુર કંઠ. આપણે લોકો પ્રેમમાં કાનનો થોડો ઓછો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. અવાજને બદલે બે-પાંત્રીસનો લાસ્ટ સીન વધુ યાદ રહે છે. ત્યારે પ્રેમપત્રો સાચવીને તિજોરીમાં રખાતા. હવે ચેટ આર્કાઈવ થાય છે. ડ્રાઇવમાં મેમરીઝ સચવાય છે. શક્ય હોય તો વોલપેપર પર પ્રેમની સજાવટ થાય છે. એ સમયે પ્રેમને અભિવ્યક્ત કરવા માટે લાંબા લેટરો હતા તો હવે લાંબી ઇન્સ્ટા સ્ટોરી છે. આ ઇન્કથી લઈને ઈન્ટરનેટ સુધી પ્રેમ તો એ જ રહ્યો અને એની અનુભૂતિ પણ તીવ્ર રહી, પણ કંઈક બીજું બદલાયું. શું? મનુષ્યનું ધ્યાન. પ્રેમ નામના રસાયણમાં રાહ જોઈએ એમ ધ્યાન પણ જોઈએ. ફોકસ દોસ્ત ફોકસ. ધ્યાન અપાય છે તો આદર મળે છે એમ સમજવું. આદર વિના પ્રેમ શક્ય નથી. લાંબા સમય સુધી એકધારું અપાતું ધ્યાન એટલે પ્રેમ જ ને, પણ આજે એ લાંબો સમય કેટલી ક્ષણો સુધી સીમિત થયો છે? ત્રીસ સેકન્ડ? નેવું સેકન્ડ? સ્ક્રીનની લાઈટ ફેડ આઉટ થઈ જાય કે ટાઈપિંગ લખેલું આવતું બંધ થઈ જાય ત્યાં સુધી?
માણસને મહત્તમ બેધ્યાન કરી શકે એવો સમય માનવ ઇતિહાસમાં ક્યારેય આવ્યો ન હતો, જે વર્તમાન લાવ્યો. માણસને ખાસ કશું યાદ રહેતું નથી, કારણ કે એ યાદ રાખવાનો પ્રયત્ન કરતો નથી, કારણ કે એની પાસે એના વતી યાદ રાખી શકે એવું ડિવાઇસ છે અને તેના થકી જ એ એના પ્રિયજનના સંપર્કમાં રહી શકે છે, પણ ધ્યાન રહેતું નથી. અટેન્શનનો પનો ટૂંકો પડે છે. એક સમયે ગુફા અને શિકાર સિવાય ખાસ બીજું કરવાનું ન હતું. પછી ખેતરથી ઓરડી ને ત્યાંથી સ્કૂલ સિવાય ખાસ કશું ન હતું. એના પછી વર્ષે દહાડે એકાદી ફિલ્મ કે નાટક કે મેળાથી વિશેષ કશું ન હતું. આજે સ્થિતિ એ છે કે એ સમયે માણસ એના આખા વર્ષમાં જેટલી મનોરંજક પ્રવૃત્તિ કરી શકતો એનાથી વધુ મનોરંજન આજનો માણસ એક જ દિવસમાં સ્ક્રોલ કરીને કન્ઝ્યૂમ કરી લે છે. દુનિયાનું સર્જન જ એ રીતે થઈ રહ્યું છે કે દરેક માણસનું ધ્યાન કેવી રીતે ખેંચવું? ચાર રસ્તે ઊભા કરી દેવામાં આવેલા એલઇડી સ્ક્રીનથી લઈને સરકારની નીતિઓ સુધી બધું પબ્લિકનું ધ્યાન ખેંચવા માટે થાય છે. આ ટુકડાઓમાં વહેંચાઈ ગયેલા આપણા ધ્યાન સાથે એવો પ્રેમ કરવાનો આવે છે જેમાં ખુદ વહેંચાઈ જવાનું છે, સમર્પિત થઈ જવાનું છે, પણ આજુબાજુની દુનિયા એ થવા દે છે?
ઓપ્શનો ચિક્કાર છે. સ્ક્રોલિંગ અનલિમિટેડ છે. કરવા જેવું, જોવા જેવું, માણવા જેવું પુષ્કળ છે. માધ્યમો અગણિત છે. વિકલ્પો બેસુમાર છે.
એમાં રાહ જોવાની વાત જ અવ્યવહારુ લાગે છે આ દુનિયાને. ઢોલ નગારા વચ્ચે શાંતિથી વાગતા માઉથ ઓર્ગનનો અવાજ સાંભળવાની ટ્રેનિંગ સ્કૂલમાં અપાતી નથી. પરિણામે લગભગ બધાનો પહેલો પ્રેમ તૂટે છે ને છેલ્લો પ્રેમ લગ્ન પછી થાય છે. લગ્નજીવન તો ડામાડોળ રહે જ છે એ ઓપન સિક્રેટ છે. પસંદગીઓની વિપુલતા આપણને મુક્તિ આપવી જોઈએ એને બદલે દિલ પેરેલાઈઝ થતું જાય છે. પહેલાં મા-બાપ એનાં બાળકો માટે બેહતર બાયોડેટાની તલાશમાં રહેતાં, હવે એના છોકરાઓને જ બ્રેકઅપ પછીની બીજી કલાકે બેટર પ્રોફાઈલ મળી જાય છે.
આજના સમયમાં રોમિયો કે જુલિયેટ કે હીર કે રાંઝાનો પ્રેમ મહાન થઈ ગયો હોત એમ? રોમિયોને બીજી એલિઝાબેથ મળી ગઈ હોત અને હીરને અલતાફ, કારણ કે આખી કાયનાત માણસનું સતત ધ્યાન ખેંચવા માટે પ્રયત્નશીલ છે ત્યાં માણસ ફક્ત એક જ વ્યક્તિ ઉપર સતત પોતાનું ધ્યાન આપી શકે એવી શક્યતા કેટલી? તો પણ આટલા બધા ડિસ્ટ્રેક્શનના જમાનામાં જો કોઈ સંપૂર્ણ સમર્પણથી એના પ્રિયજનનું થઈ જાય તો એ ચોક્કસપણે ઇતિહાસનાં મહાન નામી પાત્રો કરતાં મોટો પ્રેમી છે. થયો છે આવો પ્રેમ?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો