કાળા પાણીની સજા સાંભળતાં ભલભલાના હાંજા ગગડી જાય, ત્યાં અમે આપને મળવા આવ્યા છીએ! મંદિરની ઘંટડીના મૃદુલ રણકાર જેવું સાંભળી આંખ સાથે કાન ફાટી રહ્યા હતા.

પોર્ટબ્લેરના ટેકરી પરના સરકારી ગેસ્ટહાઉસની રેલિંગ હું પાસે ઊભો હતો. અફાટ સાગરમાં નાખી નજર પહોંચતી નહોતી, પણ આથમતા સૂરજના લીધે ક્ષિતિજમાંથી ઉપસતા રંગબેરંગી આકારોને જોવાની તલ્લીનતા પાછળનાં પગરવથી તૂટી હતી. પારોઠ ફરી જોયું તો એક આધેડના આળા ગાળે પહોંચેલું દંપતી હાથ જોડીને ઊભું હતું. `અહીં કોઇ પણ ગુજરાતી આવે તેમને મળવા જઈએ છીએ. સેલ્યુલર જેલ જોવાનો આગ્રહ કરીએ છીએ!' સામે થોડા આશ્ચર્ય સાથે પુછાઈ ગયું: `કેમ?' તો કહે: `વતન છોડ્યા પછી ગામ-સમાજનું મહત્ત્વ સમજાય અને દેશની મુક્તિ માટે ભોગવેલી યાતનાઓનો ખ્યાલ આવે, તો સ્વતંત્રતાની કિંમત સમજાય.'

કોઈ પિંજરે પુરાયેલા પોપટ જેવું પઢેલું પઢી જાય એવું કહેવું સાંભળી મોં બગડી ગયું હતું. લાગણીના

ખોબામાં કોઈ માંગણીનું પાણી ભરી, સલૂણી સાંજ બગાડવા આવ્યા હોય.

`જુઓ મુરબ્બી, કોઈ ગેરસમજ ન કરશો.' તેમણે કહ્યું: `મૂળ અમે ગુજરાતી છીએ. એક સમયના ભાગેડું પ્રેમીપંખીડાં.' સામે સહજ પુછાઈ ગયું હતું: `તે પંખીડાં અહીં છેક ઊડીને આવી ગયાં.'

સામાન્ય સંવાદ પછી એક જગ્યાએ બેઠાં. આકાશ સ્વચ્છ હતું. પંખીઓ ઊડતાં હતાં. ચારે બાજુ દરિયો હતો. થોડે દૂર મોટી મોટી સ્ટીમર, જહાજ સ્થિર થયેલાં લાગતાં હતાં. સામે દરિયા વચ્ચેની ટેકરી પર ભવ્ય ઈમારત હતી ને વૃક્ષો... આથમતા સૂરજના સોનેરી ઉજાસમાં ભવ્ય ભાસતું હતું, પણ પડખેના દંપતીનો ખ્યાલ આવતાં પૂછ્યું, `હા તો તમે?' જવાબમાં સ્ત્રીએ કહ્યું: `પૂરાં 22 વર્ષ થયાં અહીં આવ્યે.' પણ વચ્ચે સેલ્યુલર જેલવાળું ભુલાઈ ન જાય એટલે કહ્યું: `જેલ જોવાનું કહો છોને.' ઉમેરીને કહ્યું: `પણ આજે જ જોઈ.'

ત્યારે ગાઈડ દ્વારા રજૂ થતી હિસ્ટ્રીમાં ઓતપ્રોત થઇ જવાયું હતું. મા-ભોમની મુક્તિ માટે સ્વાતંત્ર્યસેનાનીઓએ જે યાતનાઓ ભોગવી હતી, ગોરાઓનાં કાળાં-ક્રૂર કરતૂતો વેઠ્યાં હતાં તે સાંભળતાં રૂંવાડાં ખડાં થઈ જતાં હતાં. સ્વાતંત્ર્યસેનાનીઓને સીધા સુવડાવી, છાતી પર ચઢી બેસવાનું પછી બળજબરીથી દૂધ પાઇ, શ્વાસ રૂંધાવી મારી નાખવાના. તેલની ઘાણી પીસવાની, કોરડાની સજા ભોગવવાની, રસોડા પાસે ફાંસીનો માંચડો રાખી કેદીઓને માનસિક યાતના આપવાની. જેલ અને કાળ-કોટડીની વ્યૂહરચના જ ક્રૂરતાનો જીવતો જાગતો પુરાવો હતો. યાતના કે ક્રૂરતા શબ્દનો અર્થ ઓછો પડે એવી બેશુમાર ને અગણિત યાતનાઓનું વર્ણન સાંભળતાં ભલભલા ભારતીયની આંખો ભીની થઇ જાય એવું હતું.

`અમે આપની પાસે જ આવ્યાં એવું નથી.' સ્ત્રીએ કહ્યું: `કોઇ પણ ગુજરાતી આવે એટલે...' ક્ષણાર્ધના વિરામ પછી પુરુષે જ કહ્યું: `આ નિમિત્તે ગુજરાતીને મળવામાં પરિવારને મળ્યાંનું સુખ મળે છે અને...'

અબોલ રહી આડુંઅવળું જોવા લાગ્યાં. અંધારું ઊતરી આવ્યું હતું. દરિયો કાળાશથી ઊભરાવા લાગ્યો હતો. દૂર લાંગરેલા જહાજમાં સળગતા લેમ્પ, દીવડા કાળી ચૂંદડી પર ટાંકેલાં આભલાં જેવા લાગતા હતા.

પ્રેમના લીધે વતન ને વહાલાંઓને છોડીને ભાગવું, પછી અજાણી જગ્યાએ સ્થિર થવું કેટલું કપરું હશેને. પછી પણ વતન ઝુરાપો ઊધઈના જેમ આળા દિલને કોર્યા કરતો હોય. જે અનુભવ્યા વગર સમજાય

એવું નહોતું, પણ બંનેમાં રસ પડ્યો હતો, તેથી પૂછ્યું: `તમે અહીં...' તો કહ્યું: `સેટ થઇ ગયાં છીએ, મદ્રાસથી સ્ટીમરમાં શાકભાજી આવે તે વેચવાનો ધંધો કરીએ છીએ. બે જ છીએ, અમારા પૂરતું ગુજરાન ચાલે છે.'

 વાત જોતાં અનોખું દંપતી લાગ્યું, તેથી મૂળ મુદ્દો કઢાવવા માટે આવું પૂછ્યું: `પણ તમે?'

 `છેલ્લાં વર્ષોમાં ગુજરાતીઓનું અહીં આવવું વધ્યું છે.' પછી કહે: `ખાસ તો સરકારી કર્મચારીઓ એલટીસી નિમિત્તે અહીં આવે છે.' અબોલ રહેલી સ્ત્રીએ વાતને જોડતાં કહ્યું: `અહીં કોઈ મુશ્કેલી પડે એવું નથી, પણ તેમને જરૂરી મદદ કરવાની અમને મજા આવે છે, થાય છે કે અમારા ઘરે કોઈ મહેમાન આવ્યા છે.'

 `એ બધું તો બરાબર છે, પણ તમે લોકો ગુજરાત છોડી અહીં છેક કેમ આવ્યા?' મેં સવાલ કર્યો.

 `ઘર છોડી મદ્રાસ સુધી આવી ગયા હતા ને પછી સ્ટીમરમાં અહીં.' આગળ કહ્યું: `અમારે કોઈ સંજોગોમાં પકડાવું નહોતું. નાતજાતના લીધે પકડાયા પછી શું હાલત થાત એ વિચારથી કંપારી છૂટી જાય છે.'

વાતનું મૂળ પકડાયું, સાંધો મળ્યો. એક તો અહીં ક્રાઈમરેટ લગભગ શૂન્ય છે. કોઈ એવી હેરાનગતિ નથી અને સૌથી મોટી વાત જ્ઞાતિના અહીં કોઈ ભેદ નથી. અંગ્રેજો ભારતમાંથી ક્રાંતિકારીઓને પકડી પકડી આ જેલમાં નાખી દેતા હતા. કેટલાયના શરીરે પથરા બાંધી પાછળથી દરિયામાં ડુબાડી દેતા. ખાસ તો અંદામાન-નિકોબારમાં, વહાણની અન્ય દેશોમાં અવરજવર માટે વસવાટ કરાવવો જરૂરી લાગ્યો હતો, તેથી કેટલાય ક્રાંતિકારીઓને અહીં છુટ્ટા મૂકી દેવામાં આવ્યા હતા. તેઓને જે પાત્ર મળ્યું તેની સાથે સંસાર માંડ્યો હતો ને એક એવો જ્ઞાતિ વગરનો સમાજ ઊભો થયો. આ બધું સેલ્યુલર જેલની લાઇબ્રેરિયન બહેને કહ્યું હતું.

અને સ્ત્રીએ ખુમારીથી જણાવ્યું:

`આજ સુધી અમને કોઈએ પૂછ્યું નથી, તમે કેવાં છો?' આવું સાંભળી બેઘડી સ્તબ્ધ થઇ જવાયું. પછી કહે: `ગુજરાતીઓને કહીએ છીએ, આદિમાનવ `જારવા', હેવલોક-રાધા બીચ. એ બધું જોવા ભલે જાવ પણ સેલ્યુલર જેલ જોવાનું ચૂકશો નહીં.' પછી જણાવ્યું: `હવે આ અમારું એક મનગમતું કાર્ય થઇ પડ્યું છે.' પછી તો આ દંપતીના પ્રેમપ્રકરણ પછીના, વતનપ્રીતિ અને દેશદાઝના નવતર કાર્ય સામે કંઈ બોલવાં કે પૂછવા જેવું લાગ્યું નહોતું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો