પૈસા કમાવવા જેવી ક્ષુલ્લક પ્રવૃત્તિ માટે સમય વેડફવાનું મને પોષાય એમ નથી.' માથાફરેલ માણસના જેવા લાગતા આ શબ્દો કોના છે એની આગળ વાત કરીએ, પણ આવું બોલવા માટે તો શું આવું વિચારવા માટે પણ કેટલા ઇંચની છાતી જોઈએ એ પહેલાં વિચારો. જોકે, છાતીની સાઈઝ અને માણસના એટિટ્યૂડ વચ્ચે કોઈ સંબંધ નથી, પણ આવું બેખોફ કહી દેવા માટે અને કસીને જિંદગી જીવવા વચ્ચે ગાઢ સંબંધ છે. જોકે, જિંદગી જીવવા વિશે બધા પાસે વાત કરવી યોગ્ય નથી, કારણ કે બહુધા લોકો માટે જિંદગી જીવવી એટલે જન્મવું, ભણવું, કમાવવું, સેટલ થવું, છૈયા છોકરા કરવા, એમને મોટા કરવા, ગાડી લેવી, ઘરનું ઘર કરવું, દર પાંચ વર્ષે એક વિદેશ યાત્રા કરવી, બાકી કેરળ કે કાશ્મીરમાં જઈને ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દેવી - હેશ ટેગ ફેમિલી-ટ્રિપ-ટાઈમ અને પછી ઘરડા થતાં જવું, ધર્મધ્યાન કરવું અને બાળકો પૈસેટકે સુખી છે એ વાતે પોરસાઈને વૃદ્ધ થઈને મરી જવું. જિંદગીની વ્યાખ્યા આવી કરતા લોકો પાસે જીવવાની, માણવાની, શ્વસવાની અને જીવતા છીએ એની અનુભૂતિ કરવાની વાત કરવાનો ફાયદો ખરો? તો પછી આ દુનિયા સામે આ વાત પણ બાઉન્સર જ જશે કે જિંદગીનો ખરો સમય લોકો પૈસા કમાવવા જેવી પ્રવૃત્તિમાં વેડફી નાખે છે.
સુખ પૈસામાં રહેલું છે. સાચું. જે લોકો એવું કહે છે કે, `મની કેન નોટ બાય હેપિનેસ' એ લોકોને ખબર નથી કે ખરીદી કરવા ક્યાં જવું. સાચું. શાંતિ અને રાહત ફક્ત પૈસો આપી શકે. સાચું. પૈસો જ પરમેશ્વર છે. સાચું. નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ. સાવ સાચું. આ બધી જ બાબતો સાચી છે, પણ કોના માટે સાચી છે? માણસ માટે તો સાચી છે જ, પણ આ બાબતો માણસે પોતે આ પ્રકારના બનાવેલા સમાજ માટે સાચી છે. તમે સમાજનું ગઠન એવું કર્યું છે કે જેમાં સારી જગ્યાએ શ્વાસ લેવાથી લઈને ચોખ્ખી કોરી જગ્યાએ નીંદર કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે. આ માણસે પરાપૂર્વથી એવા સમાજનું ઘડતર કર્યું છે જેના એક મહાકાવ્યના સૌથી તાકાતવર વિદ્વાન વિલનની આખી લંકા સોનાની દર્શાવવામાં આવી છે. પીવાનું પાણી, જે આ સંસારમાં સર્વત્ર વ્યાપ્ત છે એ પાણી પીવા માટે પણ રોકડા આપવા પડે છે ને માણસે બનાવેલા આ સમાજમાં આવી વ્યવસ્થા પ્રગતિની નિશાની છે. શુદ્ધ હવા માટે એર પ્યૂરિફાયર, ડ્રિંકિંગ વોટર માટે મશીન, સૂવા માટે ફૂટપાથનું પણ ભાડું આપવું પડે છે અને પેટનો ખાડો પૂરવા માટે તો `તાવડી તેર વાના માંગે'ના ન્યાયે અઢળક વસ્તુઓ ખરીદીને લાવવી પડે છે. સાલું આ બેઝિક્સના ચક્કરમાં જ આખુંય આયખું નીકળી જાય છે. સર્જનહારે આ ચક્કીમાં પીસાવવા માટે સૃષ્ટિનું સર્જન કર્યું હશે?
