દરેક વ્યક્તિના જીવનમાં કોઇ લક્ષ્ય, સપનું, ધ્યેય, આકાંક્ષા, શોખ કે મનોરથો હોય જ છે. જિંદગીની ચાહ જ રાહ બનતી હોય છે, પરંતુ મંજિલ કોક નસીબદારને જ મળે છે. જે ઇચ્છ્યું હોય, વિચાર્યું હોય એ મળી જાય તો એ જીવન શાનું? જિંદગી એ સંપૂર્ણતા નહીં, અપૂર્ણતાનું નામ છે. કેટલુંય મથો કંઇ ને કંઇ તો છૂટી જ જાય છે. અધૂરપ-અફસોસ, પસ્તાવો-ડંખ એ પણ જિંદગીના જ રંગ છે અને દરેક વ્યક્તિ જીવનમાં વત્તાઓછા અંશે આ રંગોથી રંગાય જ છે, પણ આ રંગોને ખેલદિલી અને સ્વીકારથી ધોવામાં ન આવે તો જિંદગી દર્દ બનીને રહી જાય. દરેક વ્યક્તિના મનમાં કાશ! આમ હોત તો? કાશ! હું આ કરી શકી હોત તો? એવાં અફસોસના ડંખ વાગતા જ રહે છે અને ઘણીવાર લોકોમાં આ અફસોસ એટલો તીવ્ર હોય છે કે તેઓ જિંદગીની બીજી સારી ક્ષણોને ઝડપી શકતા નથી. આ રીગ્રેટ એમની જિંદગી ખરાબ કરી દે છે, તેથી રીગ્રેટ વિના જીવવું એ સમયની જ નહીં જિંદગીની માંગ છે.
આપણે આપણાં જીવનની ઘટનાઓ, વિઘ્નો, સમસ્યાઓ, તકો વગેરેને શાંતિથી બેસીને વિચારીએ, કારણો તપાસીએ તો આપણને પીડતા પ્રશ્નોના જવાબ અવશ્ય મળે, ભૂલ હશે તો સુધરવાનો રસ્તો મળશે, ક્યાં ભરોસો મૂકવો અને ક્યાં અંતર રાખવું એ સમજાશે. ભૂતકાળ સમજાશે અને મન હળવું થશે. ભવિષ્યનો રસ્તો ક્લિયર બનશે.
ઘણી વખત માણસને ઘણું બધું મળે, પરંતુ વસ્તુ ન મળે એનો અફસોસ જિંદગીભર સતાવે. જિંદગીમાં ગયેલો સમય ફરી આવતો નથી. એ વાસ્તવિકતાને સ્વીકારી હરખાવાનું બંધ કરવું જોઇએ અને એવી જ અન્ય બાબત પર ફોક્સ કરો અથવા તો એનાથી વધુ મહત્ત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી પેલો અફસોસ ગાયબ થઇ જાય.
વળી, કેટલીક વ્યક્તિને અફસોસમાં જ ડૂબેલા રહેવું ગમે. વીતેલા સમયને તેઓ દરેક સમક્ષ ગાયા કરે. આગળ વધવાને બદલે ફોન, ટીવી, પારકી પંચાત, હેલ્થ ઇસ્યૂ વગેરેમાં ગળાડૂબ રહી સમય બરબાદ કરી બીજી અનેક અફસોસની ક્ષણો જીવનમાં ઉમેરે. સમય તો વહેતો જ રહેવાનો એને વેસ્ટ કરવાથી જીવનની નવી તકો પણ જતી રહેશે. જિંદગી બધાને બીજો ચાન્સ આપે જ છે અને ન આપે તો શોધો. સમય વેસ્ટ કરવાને બદલે નવી તક, નવું ધ્યેય અને નવા રસ્તાઓ પર ફોક્સ કરો. મગજને રીગ્રેટની આગળ-પાછળ જ ભટકતું રાખશો તો આખું જીવન જ રીગ્રેટ બનીને રહેશે.
કેટલાક લોકો પોતાનાં સપનાં માટે ઝનૂની બન્યા વગર ગિવઅપ કરે છે અને જે સરળતાથી મળી જતી મંજિલ હોય એને અપનાવી લે છે. દાખલા તરીકે તમારું ડોક્ટર બનવાનું સપનું હોય, પરંતુ પેરામેડિકલમાં ઓછી મહેનત કરીને તમે ડોક્ટર બનવાનાં સપનાંને હાંસિયામાં ધકેલી દો. મે, બી પેરામેડિકલમાં તમે ખૂબ સફળ થાઓ, પરંતુ જ્યારે તમે અન્ય ડોક્ટરને માન-સન્માન મેળવતા જુઓ ત્યારે તમને ડોક્ટર ન બનવાનો અફસોસ સતાવશે. સપનાં સાકાર કરવા માટે મહેનત કરવાને બદલે જ્યારે અન્ય સપનાનું સેટિંગ કરો ત્યારે રીગ્રેટ થાય જ. સો, જે ઇચ્છો છો તે જ મેળવવાનો પ્રયાસ ન કરો. સલામતી અને સરળતા જીવનમાં શાંતિ અને સ્થિરતા આપી શકે, પરંતુ આનંદ અને રોમાંચની ચરમસીમા નહીં આપી શકે.
જીવનમાં દરેક નિર્ણયો તોલી તોલીને લેવાય તો દિલનો અવાજ દબાઇ જાય અને જ્યારે માણસ દિલને બદલે દિમાગથી નિર્ણય લે ત્યારે જીવનમાં એને ક્યાંક ને ક્યાંક ખૂટતાનો અહેસાસ રહેવાનો જ. દિલના રસ્તા પર પડકારો રહેવાના, પરંતુ માણસ જો બોલ્ડ બનીને નિર્ણયો લે તો એ જે તકલીફો સહન કરશે એનાથી એનો ગ્રો થવાનો જ છે. સાહસને બદલે ભયભીત બનીને નિર્ણય લેશો તો જીવનમાં અફસોસનાં વાદળો સતત વરસતાં રહેશે અને જ્યારે આમ બને ત્યારે હું ખોટો હતો એવી કબૂલાત જાત સામે કરવી પડે.
કેટલાક લોકો પોતાની જિંદગીની હાર માટે ખુદને બદલે અન્યને જવાબદાર ઠેરવે છે, પરંતુ એકવાર નિર્ણય લીધા પછી શંકા જાગે અને એને બદલી શકવાની શક્યતા હોય તો એને બદલવાનું સાહસ તરત કરો. કોઇ હસશે કે જે નુકસાન થયું છે એની ચિંતા કરશો તો અફસોસ-પસ્તાવો અને પલાયનવાદની લાગણી તમને સતત ઊધઇની જેમ પીડતી રહેશે. યોદ્ધા હારે તો પણ કહેવાય તો યોદ્ધા જ છે, તેથી હારવાના ડરથી જંગમાં ન ઝંપલાવી સામાન્ય જ રહો એના કરતાં હારની શક્યતા સાથે પણ યોદ્ધા બનવાનું સ્વીકારશો તો બહારના જગતમાં જીતો કે ન જીતો તમારી જાત સામે તો તમે જીતશો જ અને જાત સામે જીતનારને અફસોસ દુઃખી નથી કરતો.
હા, આ જુસ્સા માટે થોડી બેફિકર જોઇએ. દરેક વસ્તુને અતિ ગંભીરતાથી લેનાર અને હંમેશાં લેખાંજોખાં કરનાર જીવનનો આનંદ માણી શકતો નથી, તેથી અફસોસની વર્ષાથી ભીંજાતા ન રહેવું હોય તો -
સાહસિક બનો.
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો.
આગળનું જુઓ.
તમારા ડરને સમજો.
દિલની વાત સાંભળો.
હારને સ્વીકારો અને હરાવો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો