‘કોઈ મને દુબળો-પાતળો કહે તો કેવું લાગે? આ ખુદના સવાલ સામે ખંજવાળ આવે એવો જવાબ હતો: ‘અપમાનજનક લાગે હોં! ’ આમ તો જુગતરામ દવે ખુદ તનથી દુબળા-પાતળા હતા. સામે મનથી એટલા જ મજબૂત હતા. લીધેલું કામ ખંત અને મહેનતથી પૂર્ણ કરે. પોતે જે આદિવાસી વિસ્તારમાં સેવારત હતા, ત્યાં એક સમૂહ ‘દુબળા’થી ઓળખાય તે જરાય ગમતું નહોતું. તે ભારે અળખામણું લાગતું હતું.

પછીથી હળનો પતિ એવા ખેડૂત પરથી હળપતિ એવી ઓળખ અપાવી હતી, પણ પોતાનું દુબળું-પાતળું શરીર સરખું કરી શક્યા નહોતા. કારણ હાથ લીધેલાં કાર્યોની ચીવટ અને એટલી જ જીવટ.

પોતાના કાર્ય બાબતે જુગતરામ દવે ખુદ સ્પષ્ટ હતા અને તેમનો એક જ જવાબ હતો: `શિક્ષણ એ માત્ર જ્ઞાનપ્રાપ્તિનું સાધન નથી. એ જીવન જીવવાની કળા છે. તેમાં વ્યક્તિની આત્મનિર્ભરતા અને સામાજિક પરિવર્તન પણ શિક્ષણ સાથે જોડાવું જોઈએ.'

ગૂજરાત વિદ્યાપીઠમાં સવાઇ ગુજરાતી એવા કાકાસાહેબ કાલેલકર સાથેની ચર્ચાના અંતે જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જઇ શિક્ષણ સાથે સામાજિક ઉત્થાન અને પરિવર્તનના પગરણ કરવાં. જે આધારે વેડછીમાં નઈ તાલીમ શ્રમકેન્દ્ર શિક્ષણ શરૂ કર્યું હતું. તેમાં અમુકને સવાલ થયો હતો: ‘ગાંધીજીની કલ્પના મુજબની કેળવણી સાકાર થશે ખરી?’ સામે જુગતરામ પાસે રોકડો જવાબ હતો: ‘શ્રમ આધારિત શિક્ષણમાં સૂતર કાંતશે, વણાટકામ કરશે અને ખેતીકામ પણ.’ તો સામે મૌન સવાલ હતો: ‘તેથી શું?’ પણ જવાબ ઉઘાડો હતો: ‘આ આદિવાસી બાળકો પોતાના ભણવાનો ખર્ચ જાતે કાઢતાં થશે.’ પછી જણાવી જ દીધું હતું: ‘બાળકો અને શિક્ષકો ગામડાંમાં જશે અને ત્યાં સફાઈ, આરોગ્ય અને વ્યસનમુક્તિ જેવાં કામો કરશે. જેના લીધે સમાજમાં સુધારો થશે.’

નઈ તાલીમ સંઘના સક્રિય સભ્ય હતા. ગાંધીજીના આદર્શોને અપનાવી સમાજમાં વહેતા કરવામાં મહત્ત્વની ભૂમિકા હતી. તેથી શિક્ષણપદ્ધતિને જીવનવ્યવહારમાં ઉતારવા સારુ, વેડછી સ્વરાજ આશ્રમ જેવી સંસ્થાઓ સ્થાપી ગાંધીજીના આદર્શોને મૂર્તિમંત કર્યા હતા, પણ જુગતરામ દવેનું જીવનકાર્ય સેવા ને શિક્ષણ પૂરતું મર્યાદિત નહોતું. તેઓ સ્વતંત્રતા સંગ્રામના સૈનિક પણ હતા. દરેક આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી અને જેલવાસ પણ ભોગવ્યો હતો.

દાંડીકૂચમાં સવિનય કાનૂન ભંગ કર્યો અને અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ સમયે વેડછી આશ્રમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી, આદિવાસી સમાજમાં સેવા-શિક્ષણનો દીવો જલતો રાખવાની જવાબદારી તેમના પર હતી, પણ જેલમાં જવાથી આશ્રમની આર્થિક સ્થિતિ કથળી હતી.

તેઓ ગાંધીજીને પત્ર લખે છે: ‘બાપુ, હું અહીં જેલમાં છું અને જેલનું વાતાવરણ પણ મને સેવાની ભૂમિ જેવું જ લાગે છે. અહીં પણ જેલના સાથીઓ અને કર્મચારીઓ વચ્ચે મારાથી બનતી સેવા કરી રહ્યો છું. મારું શરીર ભલે અહીં બંધ હોય, પણ મારું મન અને આત્મા સતત વેડછી આશ્રમની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે. આપના આશીર્વાદ અને માર્ગદર્શન મારી સાથે હોય, પછી બહાર ગમે તેટલી મુશ્કેલી આવે, હું ડગવાનો નથી. મારો વિશ્વાસ છે કે જ્યાં સુધી આપણું કાર્ય સાચું છે, ત્યાં સુધી ભગવાન તેની મદદ માટે કોઈક વ્યવસ્થા જરૂર કરશે.’

ગાંધીજીએ જ્યારે આ પત્ર વાંચ્યો ત્યારે તેઓ ભારે પ્રસન્ન થયા હતા અને જુગતરામ દવેની નિષ્ઠા અને સમર્પણને બિરદાવતાં કહ્યું હતું: ‘જુગતરામ દવેનો પત્ર એ સાચા રચનાત્મક કાર્યકરની શ્રદ્ધાનું પ્રતીક છે. આત્મવિશ્વાસ અને નિ:સ્વાર્થ સેવા જ કાર્યને જીવંત રાખે છે. વેડછીના કામની ચિંતા ઈશ્વર કરશે, કેમ કે જુગતરામે પોતાનું જીવન જ તે કામને અર્પણ કર્યું છે. મારી પ્રાર્થના અને આશીર્વાદ હંમેશાં વેડછી આશ્રમ અને જુગતરામ સાથે છે.’

ખરેખર જેલમાં હોવા છતાં જુગતરામ દવેની શ્રદ્ધા અને હકારત્મક વલણના લીધે જ વેડછી આશ્રમનું કામ અટક્યા વગર અવિરત ચાલુ રહ્યું હતું. અન્ય સાથી કાર્યકરોએ પણ તેમના આ પત્રથી પ્રેરણા લઇ કાર્યને આગળ ધપાવ્યું હતું. તેઓએ જેલને પણ સજા નહીં, પણ સેવા ને આત્મમંથનનું સ્થળ સમજ્યું હતું.

જુગતરામ દવેએ બાળસાહિત્ય અને પત્રકારત્વમાં પણ એટલું જ યોગદાન આપ્યું હતું. જીવનના શરૂઆતના સમયમાં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ‘ઇન્ડિયન ઓપિનિયન’ સામયિકમાં મદદ કરી હતી. ભારતમાં પાછા આવ્યા બાદ તેમણે મહત્ત્વનાં સામયિકો ‘નવજીવન’ તેમજ ખાસ તો આદિવાસી વિસ્તારના શિક્ષકો અને સમાજ માટે ‘ગામ શિક્ષક’નું સંપાદન કર્યું હતું.

પોતે જે કરી રહ્યા હતા તે આશ્રમની કેળવણીના ભાગરૂપે બાળકો માટે સરળ, મનોરંજક અને મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કર્યું હતું. જેના કારણે બાળસાહિત્યકારની પણ ઓળખ ઊભી થઇ હતી. ખાસ તો આદિવાસી બાળકોને ધ્યાનમાં રાખી તેમણે નાની-નાની વાર્તાઓ, ગીત-ઉખાણાં લખ્યાં હતાં. જેનો ઉદ્દેશ શિક્ષણ સાથે ગાંધીવાદી સંસ્કાર આપવાનો હતો. વળી, રમૂજી કથાઓમાં હાસ્ય-વિનોદ રજૂ કર્યો હતો. તે લખાણો એટલાં સહજ ને સરળ હતાં કે બાળકો સહેલાઇથી ગ્રહણ કરી શકતાં હતાં. અને એટલે જ કાકાસાહેબ કાલેલકરે જુકાકાને ‘શબ્દના ખેડૂત’ તરીકે નવાજ્યા હતા.