તે ઘરેથી નીકળ્યો ત્યારે પુત્રએ પૂછ્યું હતું: ‘ક્યાં જવાની તૈયારી છે?’ પછી અન્ય સવાલની અટકળમાં જણાવ્યું હતું: ‘લોકો ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા માટે કેવડિયા કોલોની જાય છે, તેમ હું પણ જાઉં છું. ત્યાં ભીડ હોય, રહેવાની.’ ટૂંકમાં, તેમનું કહેવું હતું: ‘મારે એક વાર કેવડિયા કોલોની જોવા જવું છે.’
પુત્ર સઘળું જાણતો, સમજતો હતો. તેનું કહેવું હતું: ‘ભૂતકાળના સ્મશાનમાંથી મડદા બહાર કાઢવાનો કોઈ અર્થ હોતો નથી.’ સામે જવાબ આપ્યો હતો: ‘મારું કહેવું સમજાયું તે ગમ્યું.’ પછી શ્વાસ ગળી, ગળું ભીનું કરીને જણાવાયું: ‘જીવનમાં બધું અર્થસભર હોય એવું નથી હોતું, જીવનસભર પણ હોય છે.’ પછી થયું હતું, આજની આ નવીનક્કર પેઢીને ભૂતકાળમાં નહીં પણ વર્તમાનમાં રસ હોય છે.
વાંધો માત્ર એટલો જ, એકલાએ ગાડી લઈને ન જવું. ભીડ અને અકસ્માતનો સતત ભય રહે છે, પણ કેવડિયા કોલોની એટલે કે એકતાનગર માટેની અમદાવાદથી ખાસ ટ્રેન ઊપડે છે. સસ્તી સેવા ને સુરક્ષિત મુસાફરી. કોઈને કહેવા, પૂછવાની કે જણાવવાની જરૂર નહોતી. પછી તો જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.
રેલવે સ્ટેશનથી પગપાળા જ નીકળવું રાખ્યું હતું. સ્મૃતિમાં સચવાયેલી દિશા, રસ્તાઓ સાથ આપે તેમ નહોતા, પણ રોડ પરનાં બોર્ડ દિશાદર્શન કરાવતાં હતાં.વળી, સીધા, પહોળા ને સમથળ રોડ. પસાર થતાં વાહનો. મોટી ને ભવ્ય ઈમારતો. પોતે કોઈ ભળતી ભેણીમાં આવી ભરાયો નથીને, પણ ના, સ્થળ એ જ હતું, સ્થિતિ બદલાઈ ગઈ હતી.
તેમને પહેલાં ઝરવાણી જવું હતું. પહાડીઓમાંથી પ્રગટતા ઝરણામાં સંવેદનાને ઝબકોળી તેના કાંઠે કાંઠે પસાર થવું હતું. પછી સ્મૃતિમાં સચવાયેલી યાદના ઝરૂખે ઊભા રહી એ સૃષ્ટિને નિહાળવી હતી.
વર્ષો પૂર્વે એક સરકારી કામે અહીંના સરકારી ગેસ્ટહાઉસમાં રહ્યાનું યાદ હતું. તે સમયે કોલોનીના નવનિર્માણ વખતે માથે તગારું ને કાખમાં છોકરું લઇ જીવનનો જંગ ખેલતી ને જીતતી મજૂરણ જનેતાનું હૃદયદ્રાવક દૃશ્ય જોયું હતું. ત્યારે ગામડે રહેતી જનેતાનું કહેવું તેના કાનમાં ને મનમાં ઉભરાયું હતું: ‘અમે ચરોતરમાં કઠલાલ અડખેપડખેની નહેરો ખોદવાનું કામ કર્યું છે અને આગળ કેવડિયા કોલોનીમાં પણ મજૂરી કરી છે. ત્યારે તું સાવ નાનો, મારે કેડ્યમાં તેડવો પડતો હતો.’ જનેતાની આ વાતે કેવડિયા કોલોનીમાં જવાનું, જોવાનું હંમેશાં વળગણ રહ્યું હતું અને એ સ્ત્રીમાં મને જનેતાનાં દર્શન થયાં હતાં. તેની કાખમાં તેડાયેલું છોકરું એ જાણે હું પોતે હતો.
તેમનું હૈયું ભરાઇ આવતું હતું. જનેતાનાં લીલાછમ ઝાડવાં હવે તો માત્ર સ્મૃતિમાં રહ્યાં હતાં.
ભીડમાં ભેરવાઇ ગયા હોવાનું લાગે, પણ ઝરવાણી જવાની ઉતાવળ હતી. પણ વર્ષો પૂર્વેની કેવડિયા કોલોની અને અત્યારની સ્થિતિ સાવ જુદી હતી. ભૂગોળ સમેત નાક-નકશો બદલાઈ ગયો હતો. કોઈ વનકન્યા બ્યૂટીપાર્લરમાંથી બહાર આવી હોય એવું લાગતું હતું. તે રસ્તો શોધી ઝરવાણીએ પહોંચ્યો હતો.
તાપની વચ્ચે પણ ધોધના પાણીની ઝીણી ઝણ ઠંડક આપતી હતી. તે સઘળું ભૂલી, ભાવાવેશમાં છબછબ કરતો આગળ વધી રહ્યો હતો. ઊંડા પાણીમાં આગળ જવાય એટલું જવું હતું. ડૂબી જવાનો ડર નહોતો, પણ જાણે ભીતરથી અવાજ ઊઠ્યો હોય એવું લાગ્યું હતું: ‘એ...સંભાળીને હોં સાહેબ.’
પણ કોઈ સ્ત્રીએ પાછળથી બાવડું પકડી, બાથ ભીડી લઇ ઊંડા પાણીમાં ગરક થતો બચાવી લીધો હતો. ત્યારે એ સ્ત્રી એક પળ પણ ચૂકી હોત તો, રામ બોલો ભાઈ રામ. ઘડીભર હડકંપ મચી ગયો હતો, પણ પોતે એ સ્ત્રીને જુએ, ઓળખે એ પહેલાં આઘેથી સનન કરતો સાદ આવ્યો હતો: ‘એ... શાંતિ...’ તે અલપઝલપ સામે જોયું ન જોયું કરી, દોડીને ઝાડીમાં અદૃશ્ય થઇ ગઈ હતી.
‘એક સ્ત્રીએ હાડમાંસ નિચોવીને મોટો કર્યો તે જનેતા હતી, પણ જે સ્ત્રીએ મોતના મુખમાંથી બચાવ્યો તે કોણ હતી?’ જવાબ ક્યાંય જડે તેમ નહોતો. ‘હું એ મારી બીજી જનેતા જોવા મળે તો દર્શન કરવા આવ્યો છું.’ પણ એ ઝૂંપડાં જ રહ્યાં નહોતાં. છાતીફાટ નિસાસો નાખી તે ધીમા પગલે પાછો ફરી ગયો હતો.