બાય ધ વે, સૌ પ્રથમ વાત તો એ કે સીસીટીવી આપણી સુરક્ષા માટે છે એવું જેને પણ લાગતું હોય એમને કહેવાનું કે આંકડાઓ તપાસી લો, સીસીટીવીની શોધ પછી ભારતમાં ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, મારામારીના બનાવો વધ્યા છે. (એટલે એ વાતે ધરપત રાખવી કે એઆઈ નોકરી નહીં લઈ લે તમારી, વિરાટવાચકો). પંચ મશીન જેટલું વાહિયાત છે એનાથી વાહિયાત છે ઉપર નીચે કે આગળ પાછળ લગાવેલા સીસીટીવી કેમેરા. જેમણે પણ આ સીસીટીવી કેમેરાની શોધ કરી છે એમને તો પ્રણામ કરવા જોઈએ. ના ના, બહુ સારું કાર્ય કર્યું છે એ મહાશયે. એકદમ ઉમદા. ખૂબ સરસ. કેટલી સેફ્ટી વધી છે નહિ? અફકોર્સ! નોકરીની સેફ્ટી ભલેને ન હોય, મેનેજમેન્ટના મગજની તો છે જ ને! ઑયો રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને નોકરીના સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરા બંનેમાં બહુ ઝાઝો ફરક નથી, ફરક ખાલી બંને સ્થળે થતી પ્રક્રિયાઓમાં રહે છે, પણ જે નજરે બંનેને જોવામાં આવે છે એ તો એકસરખી જ છે.

પહેલી વખત દસમા ધોરણમાં ભણતી વખતે ટ્યુશન ક્લાસવાળા ગણિતના સરનો નવો નિયમ જોયો. ક્લાસમાં લાગેલ સીસીટીવી કેમેરા પર તેઓ રૂમાલ ઢાંકી દેતા. પોતે ગણિતમાં એક્સપર્ટ. એમની પાસે ગણિત શીખવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરે ને એમને રાખવા માટે સંચાલકો, પણ એમની એક શરત હતી કે મારા ક્લાસ પર આ ત્રીજી આંખ મને ન જોઈએ. કારણ એટલું જ કે મારા કામ પર ભરોસો ન હોય તો વિદ્યાર્થીઓની માર્કશીટ ચકાસી લેવી, પણ મને ચકાસવા નહિ બેસવાનું. હવે આવો એટિટ્યૂડ કોઈ શિક્ષકનો ન ચાલે.

ધીમે ધીમે આ ત્રીજી આંખનો વ્યાપ અને ત્રાસ વધતો ગયો. નોકરીના સ્થળે ખૂણે ખૂણે આ કેમેરા લાગવા માંડ્યા છે. અમુક અમુક કંપની તો વોશરૂમ બહાર પણ રાખે છે, જેથી કર્મચારી ત્યાં ઊભા રહીને સમય પસાર કરે છે કે નહિ એ જોઈ શકાય, કેટલો સમય વોશરૂમમાં વિતાવ્યો એની પણ ગણતરી માંડી શકાય, પણ એ કંપનીઓને એ નથી સમજવું કે કામ શાંતિથી કરવા દો, પ્રેશર કે ટોર્ચર ન કરો, એટલે કોઈ વોશરૂમની અંદર કે બહાર ટાઈમ પાસ કરવા ન જાય. આટલી સાદી સમજ હાઈ-લેવલના મેનેજમેન્ટને હોતી નથી. પછી કહેશે કે આપણી કંપની ફોરેન કંપની જેટલો પ્રોગ્રેસ કેમ નથી કરતી?

હવે તો પેલા ગોગલ્સમાં પણ કેમેરા આવવા લાગ્યા છે. કોર્પોરેટ કંપનીનું ચાલે તો દરેક કર્મચારીના ગોગલ્સના એ કેમેરાનું એક્સેસ પણ પોતે રાખે, જેથી કર્મચારી એના કમ્પ્યૂટરની સ્ક્રીન ઉપર કઈ સાઇટ પર કેટલો સમય વિતાવે છે એ નિગરાની હેઠળ રહે. જોકે, એવું થઈ જ રહ્યું છે. કોર્પોરેટ ક્ષેત્રે કારકિર્દી ઘડી રહેલા યુવાનો પોતાના પર્સનલ કમ્પ્યૂટર કે મોબાઈલમાં શું પ્રક્રિયા કરે છે એની જાણ પાડોશીઓની પંચાત જેવા કેમેરા કરે ત્યારે સાલું લાગી આવે. અમુક કંપનીમાં તો સ્પેશિયલ સ્ટાફ રોકવામાં આવે છે જે આ સીસીટીવી કેમેરાની હિલચાલ પર નજર રાખે, એ પણ કાનમાં હેડફોન લગાવીને, એટલે જો કોઈ કર્મચારી બોસ વિશે કે કંપની વિશે સત્ય બોલતો જણાય તો અસત્યના પ્રયોગો માફક હણાય ને પાછો મોટો ગુનેગાર ગણાય!

આ લોકોનું ચાલે તો કર્મચારીઓની બેગમાં, સ્કૂટર કે કારમાં ને ઘરમાંય પોતાના ખર્ચે કેમેરા નખાવે એમ છે ને બિચારા નોકરિયાત જીવને જીવવા જેવા ન રહેવા દે. એ કામ કરે છે કે નહિ એ તો અલગ મુદ્દો છે, પણ એ બીજું શું કરે છે, કંપનીમાં આવીને કામ સિવાય એણે કશું કરવાનું નથી ને એનું કોઈ જીવન જ નથી એવું એને ન લાગવા માંડે ત્યાં સુધીનો જાપ્તો ગોઠવી દેવામાં આવે. નોકરિયાત માણસ ઇન્સ્ટાગ્રામ પણ મિલીગ્રામમાં જોખીને ડરીને વાપરતો હોય છે. ચાલુ નોકરીએ ફોનમાં વાત કરતો, ખાતો પીતો, ભૂલથી ગૂગલ પર સર્ચ કરતો કે બગાસું ખાતો ઝડપાયો કેમ નહિ એની રાહમાં આ ત્રીજી આંખ સતત ચકોર રહેતી હોય છે.

જોકે, આટલો ખર્ચો કરીને આવી મોંઘીદાટ અને હાઈટેક ગોઠવણ કરી હોય તો એના પૈસા વસૂલ કરવા એકાદ બે ગુનાઓ કરી નાંખવા. બહુ બહુ તો નોકરી જાય, પણ આ કંપનીવાળાનો ઈગો તો ટકી રહેને એ જોવાનું. હવે કોઈ એવી દલીલ કરશે કે સીસીટીવી કેમેરા કર્મચારીઓ પર નજર રાખવા માટે જ નથી હોતા, એ તો એમની સુરક્ષા માટે હોય છે. હા. સુરક્ષાવાળો મુદ્દો બહુ સાચો અને ઉપયોગી, પણ આ કેમેરાનો ઉપયોગ સુરક્ષા માટે ઓછો અને પંચાત માટે હંમેશાં વધુ થયો છે.

નોકરી માટે અણગમો કે નોકરી કરનાર માટે કંટાળો વધતો જાય છે એનાં અનેક કારણો છે. પહેલાં પગાર ઓછા અને લપ પણ ઓછી હતી, આજે પગાર વધ્યા છે ને મગજમારી પણ વધી ગઈ છે. માણસો અને મશીન બેઉને હેન્ડલ કરવાં અઘરાં થતાં જાય છે ને કોણ કોને હેન્ડલ કરે છે એ નક્કી કરવામાં જિંદગી જતી જાય છે. જો બોસ પંચ મશીન હોય, ગૂગલ વગરનું કમ્પ્યૂટર નામનું ડબલું હોય, ત્રીજી આંખ જેવા સીસીટીવી કેમેરા હોય કે જમ જેવો બોસ હોય; પાંજરું હોય કે નેસ્ટ, પણ નોકરી ઇઝ બેસ્ટ. નોકરિયાત પાસે આવું બોલ્યા સિવાય છૂટકો નથી! પણ સીસીટીવીની આદત આપણને પડી ગઈ છે એ સારું છે. હવે તો આપણો ફોન આપણી વાતો સાંભળી લેતો હોય છે. પ્રાઇવસી જેવું કશું બચ્યું નથી. સબકા જીવન હૈ ખુલ્લી કિતાબ, આઈ મીન ખુલ્લો સ્ક્રીન!

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો