ભારતનો ઇતિહાસ અદ્ભુત સ્થાપત્યોથી ભરેલો છે. પ્રાચીન સમયમાં રાજાઓ દ્વારા જે રચનાઓ કરાવવામાં આવી છે તે આજે પણ અજોડ અને અકલ્પનીય છે. એમાં ફક્ત મહેલો જ નહીં, પરંતુ વાવનો પણ સમાવેશ થાય છે. જ્યારે જળ વ્યવસ્થાપનની વાત આવે ત્યારે સૌથી પહેલાં વાવનું નામ લેવામાં આવે છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે પહેલાંના સમયમાં રાજાઓ દ્વારા વાવનું નિર્માણ કરવામાં આવતું હતું, તેથી ભારતભરમાં અનેક વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે.   

એમાં રાજસ્થાનમાં આવેલી ચાંદ વાવડી વાવ તેની ભવ્યતા, સ્થાપત્ય અને અકલ્પનીય રહસ્યો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાજસ્થાનના દૌસા જિલ્લાના આભાનેરી ગામમાં આવેલી ચાંદ વાવડી વાવ વિશ્વની સૌથી મોટી અને સૌથી ઊંડી વાવ હોવાનું મનાય છે. આ વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવે છે અને તેની જાળવણી આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.   

3000 વર્ષ જૂનું આભાનેરી ગામ

ચાંદ વાવડી વાવ એ આભાનેરી ગામમાં આવેલ છે અને આ ગામ ચાંદ વાવડી કરતાં પણ હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. આભાનેરીને દૌસા જિલ્લાનું હાર્ટ માનવામાં આવે છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા અવશેષોને આધારે આ ગામ આશરે 3000 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે.   

વાવનો ભવ્ય ઇતિહાસ

ઇતિહાસકારોના મતે ચાંદ વાવડી વાવનું નિર્માણ 8મીથી 9મી સદી દરમિયાન થયું હોવું મનાય છે. રાજપૂત વંશના રાજા મહાન સમ્રાટ મિહિરભોજ જે મહારાજા ચાંદ તરીકે પણ ઓળખાતા હતા, તેમણે ચાંદ વાવડીનું નિર્માણ કરાવ્યું હતું. તેમના નામ ઉપરથી આ વિશાળ વાવડીનું નામ ચાંદ વાવડી પડ્યું હતું. આ વાવ લગભગ 35 મીટર પહોળી છે. આ વાવડીમાં ઊતરવા માટે ઉપરથી નીચે સુધી પાકાં પગથિયાં છે. 13 માળની આ વાવ આશરે 19.5 મીટર જેટલી ઊંડી છે. વાવની અંદર ઊતરવા માટે ત્રિકોણાકારમાં ગોઠવાયેલા કુલ 3500 જેટલાં સાંકડાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આ પગથિયાં એટલી ચોક્સાઇથી ગોઠવેલાં છે કે તેને જોતાં એ જાણે કોઇ જાદુઇ ભુલભુલામણી જેવાં હોય એવું લાગે છે. રાજસ્થાન રણપ્રદેશ હોવાથી અહીં કાળઝાળ ગરમી પડે છે. આવી ગરમીમાં આ વાવનું તાપમાન ઠંડું હોય છે. વાવના તળિયાનું તાપમાન બહારના તાપમાન કરતાં પાંચથી છ ડિગ્રી જેટલું ઓછું હોય છે. રાજાઓ અને સ્થાનિક લોકો ગરમીથી બચવા માટે અહીં સભાઓનું આયોજન કરતા હતા.   

વાવમાં ગુપ્ત સુરંગ

ચાંદ વાવડી વાવની અંદર અંધારું અને અજવાળું નામની ગુપ્ત સુરંગ એટલે કે ગુફાઓ આવેલી છે. બહારથી ઝરૂખા જેવી લાગતી આ સુરંગ છેક બીજા ગામમાં નીકળે એટલી લાંબી છે.   

પ્રાચીન સમયમાં કટોકટી કે યુદ્ધના સમયે રાજા અને સૈનિકો પોતાનો જીવ બચાવવા આ ગુપ્ત માર્ગોનો ઉપયોગ કરતા હતા. વાવની સીડીઓને આકર્ષક અને કલાત્મક રીતે બનાવવામાં આવી છે. અહીં 33 કરોડ દેવી-દેવતાઓને વાવના પથ્થરો પર કોતરવામાં આવ્યાં છે.   

રોમાંચક રહસ્યો અને માન્યતાઓ

ચાંદ વાવડી સાથે સ્થાનિક લોકો દ્વારા અનેક માન્યતાઓ અને રહસ્યો જોડાયેલાં છે. 

લોકવાયકા અનુસાર આટલી વિશાળ અને જટિલ સ્થાપત્ય ધરાવતી વાવનું નિર્માણ મનુષ્યો દ્વારા કરવું અશક્ય હતું, તેથી આ વાવ કોઇ સામાન્ય કારીગરોએ નહીં, પરંતુ કોઇ અદૃશ્ય શક્તિઓ અથવા જીન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જોકે, વિજ્ઞાન અને ઇતિહાસકારો આ દાવા સાથે સંમત થતા નથી. આ વાવનું સૌથી મોટું રહસ્ય તેનાં પગથિયાં છે. એવું કહેવાય છે કે જો કોઇ વ્યક્તિ જે પગથિયા પરથી નીચે ઊતરે છે, તે ક્યારેય એ જ પગથિયા પરથી પરત ઉપર આવી શકતી નથી. જોકે, આ કોઇ જાદુ નથી, પરંતુ પગથિયાંની સપ્રમાણતા અને ભુલભુલામણી જેવી અદ્ભુત રચનાનું પરિણામ છે, જે આપણી નજરને ભ્રમિત કરે છે, તેથી આ પ્રકારનો ભાસ થાય છે.   

 ચાંદ વાવડી વાવ એ પથ્થરોનું માળખું નથી, પરંતુ પ્રાચીન ભારતના એન્જિનિયરો અને કારીગરોના અસાધારણ બુદ્ધિચાતુર્યનો પુરાવો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો