જોસેફ `જૉ' જેક્સન હાથમાં ચામડાનો જાડો પટ્ટો લઈને ખુરશી પર બેસતો. સામે પાંચ નાના છોકરાઓ ડાન્સ અને સિંગિંગની પ્રેક્ટિસ કરતા. એક સ્ટેપ ચુકાય, એક સૂર ખોટો પડે, એટલે પેલા ચામડાના પટ્ટાનો સટાક કરતો ફટકો છોકરાની પીઠ પર પડતો. એમાંનો એક છોકરો, જે સૌથી નાનો હતો, તે સતત ડરના ઓથાર હેઠળ પોતાનું પરફેક્શન નિખારતો ગયો. એ છોકરો મોટો થઈને `કિંગ ઓફ પોપ' માઈકલ જેક્સન બન્યો. દુનિયાએ એને ભગવાનની જેમ પૂજ્યો, એના ડાન્સ પર લોકો બેભાન થઈ જતા, પણ આ 100% પરફેક્શનની કિંમત શું ચૂકવવી પડી? માઈકલ અંદરથી સાવ ખોખલો, ભયભીત અને એકલો થઈ ગયો. તેણે પોતાનો ચહેરો બદલી નાખ્યો, બાળપણનો અભાવ પૂરવા અજીબ હરકતો કરવા લાગ્યો, ઊંઘવા માટે એનેસ્થેસિયાના હેવી ડોઝ લેવા પડ્યા અને છેલ્લે પોતાના જ પિતાને એ કાયમ માટે નફરત કરતો થઈ ગયો. જૉ જેક્સને દુનિયાને એક સુપરસ્ટાર તો આપ્યો, પણ એક દીકરાના આત્માની નિર્દય હત્યા કરીને. આ બધું બહુ સરસ રીતે તાજેતરમાં રિલીઝ થયેલી `માઈકલ' ફિલ્મમાં હૃદયદ્રાવક રીતે બતાવ્યું છે.

બોર્ડના રિઝલ્ટની મોસમમાં આપણા જ શહેરના અનેક ડ્રોઈંગ રૂમમાં આવા `જૉ જેક્સન' છાતી ફુલાવીને બેઠા હશે. જે ઘરમાં બાળકે 90% કે 95%નો આંકડો પાર કર્યો છે, ત્યાં પેંડા વહેંચાઈ રહ્યા છે, વોટ્સએપ પર ગર્વથી છલકાતાં સ્ટેટસ મુકાઈ રહ્યાં છે અને જ્યાં 60% કે 65% આવ્યા છે, ત્યાં એ બાળકને ભવિષ્યના ગુનેગાર કે સાવ નિષ્ફળ માણસ તરીકે ખૂણામાં ધકેલી દેવાયો છે, પણ જિંદગીનું ક્રૂર મનોવિજ્ઞાન અને આધુનિક જગતનું અર્થશાસ્ત્ર આ ગોખણપટ્ટીની માર્કશીટ કરતાં બિલકુલ ઊંધું ચાલે છે.

આપણી એજ્યુકેશન સિસ્ટમ અને મા-બાપ મળીને પેલા 90%વાળા બાળકને એક કાલ્પનિક `પેડેસ્ટલ' (ઊંચા આસન) પર બેસાડી દે છે. એ સવારે વહેલો ઊઠે છે, હોમવર્ક કરે છે અને શિક્ષક જે બોલે તેને જ બ્રહ્મવાક્ય માને છે. આ સિસ્ટમ તેનામાં એક ભયંકર મનોવૈજ્ઞાનિક ખામી પેદા કરે છે. તેનો અહંકાર અત્યંત નાજુક, કાચ જેવો બરડ બની જાય છે. તેને માત્ર `જીતવાની' અને `ફર્સ્ટ આવવાની' જ ટ્રેનિંગ મળી છે. જ્યારે આ `ગુડ બોય' કે `ગુડ ગર્લ' દસ વર્ષ પછી જિંદગીના અસલી મેદાનમાં ઊતરે છે, જ્યાં કોઈ ચોક્કસ સિલેબસ નથી હોતો, જ્યાં માર્કશીટ જોઈને નહીં પણ કામ જોઈને રિજેક્શન મળે છે, ત્યારે આ 90%વાળો યુવાન અંદરથી ભાંગી પડે છે. તેને નિષ્ફળતા પચાવતા આવડતું જ નથી, કારણ કે તેણે જિંદગીમાં ક્યારેય અસ્વીકારનો સ્વાદ ચાખ્યો જ નથી.

બીજી તરફ પેલો 60% લાવનારો છેલ્લી પાટલીએ બેસતો છોકરો છે. તે સિલેબસ ગોખતો નથી, મારથી ડરતો નથી અને ઘરે મા-બાપનાં ટોણાં સાંભળીને તેની ચામડી ગેંડા જેવી જાડી થઈ ગઈ છે. આ બાળકને કોઈએ ઊંચા આસન પર બેસાડ્યો નથી, એટલે તેને નીચે પડવાનો કોઈ ડર નથી! આ 60%વાળા બાળકમાં એક એવી સ્કિલ ડેવલપ થાય છે જે દુનિયાની કોઈ આઈ.આઈ.એમ. શીખવી શકતી નથી `નેગોશિએશન' અને `જુગાડ'. તેની આ `સ્ટ્રીટ-સ્માર્ટનેસ' જ તેને જિંદગીનાં તોફાનોમાં બચાવે છે. વ્યાપાર જગત તેને રિવોર્ડ આપે છે, જે નિયમો તોડે છે અને નવો રસ્તો બનાવે છે. એટલે જ 90% લાવીને આખી જિંદગી નિયમો પાળનાર વ્યક્તિ કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં સીઈઓ (CEO) કે યાંત્રિક ગુલામ બની શકે છે, પણ 60% લાવીને રિસ્ક લેનાર વ્યક્તિ એ કંપનીનો માલિક બની શકે છે. મોરબી, અમદાવાદ, સુરતમાં કારખાના ધરાવતા કેટલા માલિકો રેન્કર છે?

સૌથી મોટી વક્રતા એ છે કે આપણે ગુજરાતીઓ છીએ. આપણા ડીએનએમાં `રિસ્ક' લેવાનું અને શૂન્યમાંથી સર્જન કરવાનું નૈસર્ગિક કૌશલ્ય છે. લોથલથી આફ્રિકા સુધી વહાણવટામાં વ્યાપાર થતો ત્યારે પણ પંચાણું ટકાની જરૂર પડતી નહીં કે કર લો દુનિયા મુઠ્ઠી મેં કહેવા માટે પણ બોર્ડમાં રેન્કની જરૂર પડી નથી અને છતાં આજનો સરેરાશ ગુજરાતી બાપ અસાહસિક થઈ ગયો છે અને પોતાના બાળકને 90નો આંકડો લાવવા માટે અને 9થી 5ની નોકરીની સલામતી શોધવા માટે અદૃશ્ય ચાબુક મારી રહ્યો છે! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં 500 પાનાં ગોખવાની કોઈ જ જરૂર નથી. આવનારા સમયમાં એ જ ટકશે જેનામાં ખરાબ પરિસ્થિતિમાં ટકી રહેવાની `ઈમોશનલ ઈન્ટેલિજન્સ' હશે. રિઝલ્ટના દિવસે વોટ્સએપ પર મુકાતાં સ્ટેટસ એ બાળકની સફળતાની ઉજવણી નથી, એ વાલીઓના પોતાના અહંકારનું નગ્ન પ્રદર્શન છે.

માઈકલ જેક્સને કિંગ ઓફ પોપ બન્યા પછી એક હચમચાવી નાખનારા ઇન્ટરવ્યૂમાં કહેલું, `હું જ્યારે અરીસામાં મારો ચહેરો જોઉં છું, ત્યારે મને મારો બાપ દેખાય છે અને મને મારા એ ચહેરાથી સખત નફરત થાય છે.'

બોર્ડની માર્કશીટમાં 90નો આંકડો છાપવાની અને સમાજમાં ખોટો રુઆબ છાંટવાની આ આંધળી રેસમાં કાલે સવારે તમારું બાળક અરીસામાં તમને જોઈને ગર્વ અનુભવશે કે પછી એક છૂપો, ક્યારેય ન મિટાવી શકાય તેવો અણગમો?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો