દુનિયામાં અમુક એવાં શહેરો પણ આવેલાં છે, જેમાં વર્ષો જૂની ગુફાઓ આવેલી છે, જે આજે પણ પુરાતત્ત્વવિદો માટે સંશોધનનો વિષય બની રહી છે. એવી જ ગુફાઓ ઇઝરાયેમાં પણ આવેલી છે.

ઇઝરાયેલમાં આવેલી અનોખી ગુફાઓ જે ઇતિહાસ, સ્થાપત્ય અને ભૂસ્તરશાસ્ત્રનો અનોખો સંગમ છે. આ સ્થળનું નામ બેત ગૂવરીન-મારેશા છે, જે ઇઝરાયેલના જુડિયન લોલેન્ડ્સમાં આવેલું છે અને તે રહસ્યમય દુનિયા માટે વધુ પ્રખ્યાત છે.

 ઇઝરાયેલમાં પ્રખ્યાત જુડિયન પહાડોની તળેટીમાં આવેલ બેત ગૂવરીન અને મારેશા બંને અલગ અલગ કાળખંડનાં શહેરોની બનેલી છે.

મારેશા શહેર અને બેત ગૂવરીન

મારેશાનો ઉલ્લેખ બાઇબલના ઇતિહાસમાં નોંધવામાં આવ્યો છે. હેલેનિસ્ટિક કાળ દરમિયાન તે વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. અહીં ઇદુમિયન, યહૂદી અને ગ્રીક સંસ્કૃતિઓનો સમન્વય જોવા મળતો હતો. જ્યારે બેત ગૂવરીનની વાત કરીએ તો, મારેશાના પતન પછી રોમન કાળમાં આ શહેરનો ઉદય થયો હતો. ઇ.સ. 200માં સમ્રાટ સેપ્ટિમિયસ સેવેરસે તેને એલ્યુથેરોપોલિસ નામ આપ્યું હતું. એ સમયથી આ એક અત્યંત સમૃદ્ધ અને મહત્ત્વનું શહેર માનવામાં આવતું હતું. રોમન સમયગાળા દરમિયાન આ શહેરનું મહત્ત્વ વધ્યું. તેને એલ્યુથેરોપોલિસ એટલે કે મુક્ત લોકોના શહેર તરીકે ઓળખવામાં આવતું હતું. મજાની વાત તો એ છે કે અહીં રોમન એમ્ફીથિયેટર અને વિશાળ રહેણાક વિસ્તારોના અવશેષો આજે પણ જોવા મળે છે.

2000 ગુફાઓનું શહેર

એકાદ બે ગુફાઓ બનાવતા પણ આપણને અનેક તકલીફોનો સામનો કરવો પડે, જ્યારે આ તો બે-ચાર નહીં, પરંતુ 2000 કરતાં પણ વધારે ગુફાઓ આવેલી છે, જે એકબીજા સાથે જોડાયેલી છે. આ વિસ્તારની વિશેષતા તેના નરમ સફેદ પથ્થરો છે. પ્રાચીન સમયના લોકોએ જોયું કે આ પથ્થર ખોદવામાં સરળ છે, પરંતુ હવાના સંપર્કમાં આવે તો તે સખત અને મજબૂત બની જાય છે. પ્રાચીન લોકોએ આ કુદરતી ગુણધર્મનો ઉપયોગ કરીને જમીનની નીચે વિશાળ ઓરડાઓ, ટનલ અને હોલ બનાવ્યાં.

ગુફાઓના વિવિધ પ્રકાર

અહીં આવેલી બે હજાર જેટલી ગુફાઓ એકસરખી નથી. એમાં વિવિધતા જોવા મળે છે.

ઘંટ આકારની ગુફાઓ : આ વિસ્તારમાં આશરે 800 જેટલી ઘંટ આકારની ગુફાઓ આવેલી છે. ખોદકામ કરનારાઓ ઉપરથી નાનું કાણું પાડીને નીચેની તરફ વિસ્તરણ કરતા હતા. તેનો આકાર નીચેથી પહોળો અને ઉપરથી સાંકડો એટલે ઘંટ જેવો છે. આ ગુફાઓની ઊંચાઇ 12થી 15 મીટર સુધીની હોય છે અને તેની અંદરનો પ્રકાશ એક અલૌકિક અનુભવ કરાવે છે. તેની દીવાલો પર જે પણ પ્રાચીન શિલાલેખો અને ક્રોસનાં ચિહ્્નો જોવા મળે છે, જે બાયઝેન્ટાઇન કાળની સાક્ષી પૂરે છે.

કોલમ્બેરિયમ ગુફાઓ : આ ગુફાઓનો ઉપયોગ કબૂતર ઉછેરવા માટે કરવામાં આવતો હતો. ગુફાની દીવાલોમાં હજારો નાના નાના ખાંચા કોતરવામાં આવ્યા છે. તે સમયે કબૂતરોનો ઉપયોગ માત્ર સંદેશાવ્યવહાર માટે જ નહીં, પરંતુ તેમના મળનો ઉપયોગ શ્રેષ્ઠ ખાતર તરીકે અને તેમના માંસનો ઉપયોગ ખોરાક તરીકે થતો હતો.

તેલ કાઢવાની ઘાણીઓ

પુરાતત્ત્વવિદોને અહીં જમીનની નીચે ગુફાઓમાં 22 જેટલી ભૂગર્ભ ઓલિવ ઓઇલ મિલો મળી આવી છે. મારેશા તે સમયે ઓલિવ ઓઇલના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હતું. ઠંડું વાતાવરણ ઓલિવ ઓઇલને લાંબા સમય સુધી સાચવવા માટે અનુકૂળ હોવાથી તેલના સંગ્રહ અને ઉત્પાદન માટે આ જગ્યા શ્રેષ્ઠ હતી.

સિડોનિયન કબર

મારેશાના સૌથી સુંદર ભાગોમાં સિડોનિયન કબરનો સમાવેશ થાય છે. તે સિડોનના સમૃદ્ધ પરિવારોની છે, જેઓ અહીં વસ્યા હતા. આ ગુફાઓમાં પ્રાચીન ભીંતચિત્રો જોવા મળે છે. આ કબરોમાં દોરેલાં વિચિત્ર પ્રાણીઓ, શિકારીઓ અને ફૂલો તે સમયની કલા અને સંસ્કૃતિનો પરિચય આપે છે.

રોમન એમ્ફીથિયેટર અને જીવનશૈલી

બેત ગૂવરીનમાં એક વિશાળ રોમન એમ્ફીથિયેટર પણ આવેલું છે, જે ઇઝરાયેલમાં જોવા મળતાં ગણ્યાંગાંઠ્યાં એમ્ફીથિયેટરોમાંનું એક છે.

અહીં પ્રાચીન સમયમાં ગ્લેડિયેટર્સની લડાઇઓ અને મનોરંજનના કાર્યક્રમો યોજાતા હતાં. તેની બેઠક વ્યવસ્થાની નીચેના ભાગમાં રૂમો બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અહીં રોમન બાથહાઉસના અવશેષો પણ મળી આવ્યા છે.

આ સ્થળ પુરાતત્ત્વવિદો માટે સોનાની ખાણ સમાન છે. અહીંથી હજારોની સંખ્યામાં માટીનાં વાસણો, સિક્કાઓ, મૂર્તિઓ અને શિલાલેખો મળી આવ્યાં છે. આ શોધો પરથી હેલેનિસ્ટિક, રોમન, બાયઝેન્ટાઇન અને મુસ્લિમ શાસનકાળ દરમિયાનના લોકોનાં જીવનધોરણ વિશે માહિતી મળે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો