વિશ્વમાં પ્રાચીન સમયમાં એવી અનેક કૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે જે અલૌકિક હોય. જેને જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે.
એવી જ એક કૃતિ ઓલિમ્પિયામાં આવેલ ઝિયસની છે. ઝિયસની આ પ્રતિમા પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે. આ પ્રતિમા ગ્રીક કલા, ધર્મ અને સ્થાપત્યની પરાકાષ્ઠાનું પ્રતીક હતી. ગ્રીક દેવતાઓના રાજા અને ઓલિમ્પિક રમતોના મુખ્ય દેવતા ઝિયસને સમર્પિત આ મહાકાય શિલ્પકૃતિએ હજારો વર્ષો સુધી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
શિલ્પકાર અને નિર્માણ
આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ ગ્રીક જગતના મહાન શિલ્પકાર ફિડિયસ દ્વારા લગભગ 435 ઇ.સ. પૂર્વે ઓલિમ્પિયા ખાતે ઝિયસના મંદિરની અંદર કરવામાં આવ્યું હતું. ફિડિયસ, જેમણે એથેન્સમાં પાર્થેનોનની ભવ્યતા માટે પણ કામ કર્યું હતું. તેમણે આ મૂર્તિ માટે અનોખી ક્રાયસેલિફન્ટાઇન ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નિકમાં અત્યંત કીમતી સામગ્રી, એટલે કે સોના અને હાથીદાંતનો ઉપયોગ થતો હતો. મૂર્તિનું મુખ્ય માળખું લાકડાનું બનેલું હતું, જેના પર ઝીણવટપૂર્વક હાથીદાંતના ટુકડાઓ લગાવીને દેવતાના શરીરના ખુલ્લા ભાગો બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઝભ્ભો, વાળ અને પગરખાં માટે સોનાની પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી મૂર્તિ અદ્ભુત અને તેજસ્વી લાગતી હતી.
મૂર્તિની ભવ્યતા અને કદ
ઝિયસની મૂર્તિની સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તેનું કદ હતું. ઝિયસ સિંહાસન પર બેઠેલી મુદ્રામાં હોવા છતાં, મૂર્તિની ઊંચાઈ લગભગ 12 મીટર એટલે કે 40 ફૂટ જેટલી હતી. ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ નોંધ્યું હતું કે જો ઝિયસ ઊભા થવાનું વિચારે, તો તેઓ મંદિરની છત તોડી નાખે. આ કદ માત્ર દેવતાની શક્તિ અને ભવ્યતા દર્શાવતું નહોતું, પરંતુ તે મંદિરમાં પ્રવેશતા ભક્તોમાં એક પ્રકારનો ડર અને આદર ઉત્પન્ન કરતું હતું. મૂર્તિમાં ઝિયસને શક્તિશાળી, પરંતુ સૌમ્ય અને ન્યાયી શાસક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમની જમણી બાજુ વિજયની દેવી નાઇકની નાની પ્રતિમા હતી, જ્યારે ડાબી બાજુ એક રાજદંડ હતો. રાજદંડના ટોચ પર પવિત્ર પક્ષી ગરુડ બિરાજમાન હતું. તેમના માથે ઓલિવની ડાળીનો મુગટ અને પગમાં સોનેરી ચંપલ હતાં, જે નીચેના પગ મૂકવાના આસન પર હતાં.
સિંહાસન અને પાયો
ઝિયસની મૂર્તિ જેટલી અદ્ભુત હતી એટલું જ અદ્ભુત તેમનું સિંહાસન હતું. આ સિંહાસન હાથીદાંત, સોનું અને વિવિધ કીમતી પથ્થરોથી શણગારેલું હતું. સિંહાસન પર ગ્રીક પૌરાણિક કથાઓનાં જટિલ દૃશ્યો કોતરવામાં આવ્યાં હતાં. એમાં પૌરાણિક પ્રાણીઓ, દેવતાઓ અને વીરોની લડાઈઓ દર્શાવવામાં આવી હતી. આ કોતરણીઓ માત્ર સુશોભન નહોતી, પણ તે ઝિયસનાં ન્યાય, શક્તિ અને દિવ્ય વંશનું કથાત્મક નિરૂપણ કરતું હતું. આ મૂર્તિ એક પથ્થરના આધાર પર મૂકવામાં આવેલી હતી. ગ્રીક પ્રવાસી પૌસાનિયાસના વર્ણન મુજબ ઝિયસના પગ પાસે પાણી અને તેલથી ભરેલો નાનો સ્વિમિંગ પુલ જેવો માર્બલનો એક ટાંકો હતો, જે મૂર્તિની જાળવણી માટે હતો એવું કહેવાય છે. તેલની બાષ્પ બાષ્પીભવનને ધીમું કરીને ઓલિમ્પિયાની ભેજવાળી હવામાં હાથીદાંતને તિરાડ પડતી અટકાવતું હતું, જ્યારે પ્રકાશના પરાવર્તનથી મૂર્તિ વધુ તેજસ્વી લાગતી હતી.
મૂર્તિનો વિનાશ
લગભગ 8 સદીઓ સુધી આ મૂર્તિ ઓલિમ્પિક રમતો દરમિયાન ભક્તો અને મુલાકાતીઓ માટે એક પવિત્ર ધામ રહી. જોકે, ચોથી સદી ઈ.સ. પૂર્વે ખ્રિસ્તી ધર્મના ઉદય પછી મૂર્તિનું મહત્ત્વ ઘટવા લાગ્યું. ઓલિમ્પિક રમતો બંધ કરવામાં આવી અને છેવટે ઝિયસના મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું.
મૂર્તિના અંત વિશે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ ઇતિહાસકારો માને છે કે પાંચમી સદી ઈ.સ. પૂર્વેમાં તેને ઓલિમ્પિયાથી પૂર્વમાં કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે હાલના ઇસ્તંબુલ લઈ જવામાં આવી હતી. અહીં એક શાહી મહેલમાં તેને સુરક્ષિત રાખવામાં આવી હતી, પરંતુ 475 ઈ.સ. પૂર્વેની આસપાસ એક ભીષણ આગમાં તેનો વિનાશ થયો. અન્ય એક સિદ્ધાંત મુજબ, પાંચમી અથવા છઠ્ઠી સદીમાં ઓલિમ્પિયામાં આવેલા ભૂકંપે જ મંદિર અને તેની અંદરની મૂર્તિનો નાશ કરી દીધો હતો.
આજે ઝિયસની મૂર્તિ માત્ર પૌરાણિક કથાઓ, સિક્કાઓ પરનાં ચિત્રો અને પ્રાચીન લેખકોના વિસ્તૃત વર્ણનોમાં જ જીવંત છે. તેના વિનાશ છતાં ફિડિયસની આ કલાકૃતિ હજી પણ માનવ ઇતિહાસમાં સૌથી પ્રેરણાદાયક અને ભવ્ય ધાર્મિક શિલ્પોમાંની એક તરીકે યાદ કરવામાં આવે છે.
