વિશ્વમાં એવી અનેક અજાયબીઓ છે જેના વિશે જાણવાની અને સમજવાની આપણને ઇચ્છા થાય. એવી જ એક પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓ છે, જેમાં રોડ્સના કોલોસસનો સમાવેશ થાય છે. આ અજાયબીની વિશેષતા એ હતી કે તે સૌથી ટૂંકા ગાળા માટે અસ્તિત્વમાં રહેલી અજાયબી હતી, છતાં તેની ભવ્યતાની ચર્ચા હજારો વર્ષો પછી પણ વિજ્ઞાનીઓ અને પ્રવાસીઓમાં થતી રહે છે.
ઐતિહાસિક મહત્ત્વ
આ પ્રતિમાના નિર્માણ પાછળ એક મહાન વિજયની ગાથા છુપાયેલી છે. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં સિકંદર મહાનના મૃત્યુ બાદ તેના સેનાપતિઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થયો. રોડ્સ ટાપુ ઈજિપ્તના રાજા ટોલેમી સાથે જોડાયેલો હતો. આથી મેસેડોનિયાના શાસક એન્ટિગોનસે તેના પુત્ર ડેમેટ્રિયસને રોડ્સ પર આક્રમણ કરવા મોકલ્યો. ડેમેટ્રિયસે 40,000 સૈનિકો અને તે સમયના વિશાળ યુદ્ધ યંત્રો સાથે રોડ્સને ઘેરી લીધું, પરંતુ રોડ્સના લોકોએ મક્કમતાથી સામનો કર્યો. અંતે ડેમેટ્રિયસે હાર માની અને સંધિ કરીને પાછા ફરવું પડ્યું. દુશ્મન લશ્કર જતી વખતે પોતાનો તમામ સામાન અને લોખંડનાં યુદ્ધ યંત્રો ત્યાં જ છોડી ગયું. આ વિજયની ઉજવણી કરવા અને તેમના ઇષ્ટદેવ સૂર્યદેવ હેલિયોસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમણે એક વિરાટ પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું.
નિર્માણ અને કૌશલ્ય
આ પ્રતિમાનું નિર્માણ શિલ્પકાર ચારેસ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે આટલી વિશાળ મૂર્તિ બનાવવી એ કોઈ પડકારથી ઓછું નહોતું, કારણ કે અત્યાર જેટલાં આધુનિક સાધનો એ સમયમાં અવેલેબલ નહોતાં. યુદ્ધમાં જીતેલાં સાધનો અને હથિયારોને ઓગાળીને તથા તેને વેચીને તેમાંથી મળેલાં નાણાંનો ઉપયોગ નિર્માણમાં કરવામાં આવ્યો. આમ મૂર્તિ બનાવવા પાછળ કરોડોનું રોકાણ કરવામાં આવ્યું. મૂર્તિના નિર્માણનું કામ ઇ.સ. પૂર્વે 280માં શરૂ થયું અને તેને પૂર્ણ થતાં આશરે 12 વર્ષ લાગ્યાં હતાં.
મૂર્તિ મજબૂત બને એટલે એની અંદર પથ્થરના મોટા સ્તંભો અને લોખંડના સળિયાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. તેના પર કાંસાનાં વિશાળ પતરાંઓ જડવામાં આવ્યાં હતાં. જેમ જેમ મૂર્તિ ઊંચી થતી ગઈ, તેમ તેમ તેની આસપાસ માટીના ઢગલા કરીને રેમ્પ (ઢાળ) બનાવવામાં આવ્યા, જેથી કામદારો ઉપર સુધી પહોંચી શકે. આ મૂર્તિમાં સૂર્યદેવ હેલિયોસને ઊભેલા દર્શાવવામાં આવ્યા હતા, જેમના એક હાથમાં મશાલ હતી અને મસ્તક પર સાત કિરણો ધરાવતો મુગટ હતો.
મૂર્તિની ભવ્યતા
રોડ્સનું કોલોસસ આશરે 33 મીટર (110 ફૂટ) ઊંચું હતું. જો આપણે તેની તુલના કરીએ, તો એ સમયની સૌથી ઊંચી માનવ નિર્મિત પ્રતિમા હતી. તેનો અંગૂઠો જ એટલો મોટો હતો કે કોઈ માણસ તેને બંને હાથે બાથ ભરી શકતો નહોતો. આજના યુગની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઊંચાઈ આશરે 46 મીટર છે, જે દર્શાવે છે કે 2300 વર્ષ પહેલાં ગ્રીક લોકોએ કેટલી પ્રગતિ કરી હતી!
મૂર્તિનો રહસ્યમય અંત
આટલી અદ્ભુત પ્રતિમા લાંબો સમય ટકી શકી નહીં. તેના નિર્માણના આશરે ૫4થી 60 વર્ષ પછી એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભયાનક ભૂકંપમાં રોડ્સ શહેરને ભારે નુકસાન થયું. આ ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે કોલોસસ તેના સૌથી નબળા બિંદુ એટલે કે ઘૂંટણમાંથી તૂટી પડ્યું. ભૂકંપ પછી રોડ્સના લોકોએ મૂર્તિને ફરી બેઠી કરવાનું વિચાર્યું, પરંતુ ત્યારે `ડેલ્ફીના ઓરેકલે' ભવિષ્યવાણી કરી કે સૂર્યદેવ નારાજ થયા છે અને જો તેને ફરી બેઠી કરવામાં આવશે તો આખા ટાપુ ઉપર આફત આવશે. આ ડરને કારણે મૂર્તિના ટુકડાઓ ત્યાં જ જમીન પર પડ્યા રહ્યા. આશ્ચર્યની વાત એ છે કે, આ તૂટેલી અવસ્થામાં પણ તે એટલી પ્રભાવશાળી હતી કે લોકો દૂર-દૂરથી માત્ર તેના ટુકડાઓ જોવા આવતા હતા. એવું કહેવાય છે કે, આ ટુકડાઓ આશરે 800 વર્ષ સુધી ત્યાં જ પડ્યા રહ્યા હતા. જ્યારે આરબોએ રોડ્સ જીત્યું, ત્યારે તેમણે આ કાંસાના અવશેષો વેચી દીધા હતાં.
મૂર્તિને લઈને વિવાદ
ઘણાં વર્ષો સુધી ચિત્રકારોએ તેને બંદરના પ્રવેશદ્વાર પર બે પગ પહોળા કરીને બતાવી છે. એની નીચેથી જહાજો નીકળતાં હોય, પરંતુ આજના એન્જિનિયરો કહે છે કે, જો તે બંદર પર હોત, તો તેના પતન વખતે આખું બંદર બ્લોક થઈ ગયું હોત. તેના વજનને કારણે બંદરને ઘણું નુકસાન થયું હોત, તેથી એવી અટકળો કરવામાં આવે છે કે, તે રોડ્સના મુખ્ય શહેરના મધ્યમાં અથવા કોઇ ઊંચી જગ્યા પર આવેલી હશે.
રોડ્સનું કોલોસસ ભલે આજે અસ્તિત્વમાં નથી, પણ તે કલા, વિજ્ઞાન અને ઈતિહાસના સંગમ તરીકે હંમેશાં અમર રહેશે. આજે પણ રોડ્સમાં આ મૂર્તિને ફરીથી બનાવવાની ચર્ચાઓ ચાલતી રહે છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
