વર-વહુ વચ્ચેનો સંબંધ આમ પણ કથળી ચૂક્યો હતો. એમાં વળી એમના જીવનમાં એક રસિક-રંગીન જુવાનિયાનો પ્રવેશ થયો. પતિએ ભયંકર ઇર્ષ્યા અનુભવી. છતાં એક રવિવારની સાંજે જુવાનિયાએ પતિના ઘરે, પતિના આમંત્રણથી પત્ની સાથે મળીને બીથોવનની સંગીતરચના ક્રોત્ઝર સોનાટા પેશ કરી.
પછી તો થોડા જ દિવસમાં જુવાન પેરિસ જતો રહેવાનો હતો, એટલે રવિવારની પાર્ટી પછી છૂટા પડતી વખતે પતિને એવું સમજાયું કે આ છેલ્લી મુલાકાત હતી અને હવે જુવાનિયો ક્યારેય ઘરે આવશે નહીં. જોકે, બે દિવસ પછી પતિ બહારગામ ગયેલા પતિને પત્નીનો સંદેશો મળ્યોઃ `ટૂફસ્કી (જુવાનિયો) ઘરે આવેલો. એણે જે સ્કૉર્સ-સંગીતનોંધો મને આપવાનું કહેલું એ આપી ગયો છે અને એણે તો મને ફરી સાથે મળીને સંગીતવાદન માટેનું સૂચન કર્યું, પણ મેં ના પાડી દીધી.'
આગળની વાત પતિના શબ્દોમાં (ટ્રેનમાં પતિ એક સહયાત્રી સમક્ષ પત્નીની ખૂનગાથા વર્ણવી રહ્યો હતો)...
સંગીતનોંધો આપવાની હતી? એવી તો કોઈ વાત થયાનું મને યાદ જ નહોતું. હું તો એવું સમજેલો કે ટૂફસ્કીને હવે પછી મળવાનું જ નહોતું. મને નવાઈ લાગી. અકળામણ પણ થઈ. ચિઠ્ઠી મેં ફરી વાંચી. મને એમાં (પત્નીના પક્ષેથી) સહેજ કોમળતા અને ક્ષોભનો અણસાર આવ્યો અને મારી અંદર ઇર્ષ્યાએ માથું ઊંચક્યું. ઈર્ષ્યા ભયંકર ચીજ છે. મેં મારા મનને સમજાવ્યું કે ખોટા વિચારો કરવાની જરૂર નથી.
છતાં અચાનક મને એવો વિચાર આવ્યો કે મારી પત્ની અને સંગીતકાર વચ્ચે ન થવાનું થઈ ચૂક્યું હશે. મેં મારા મનને એમ કહીને મનાવવાની કોશિશ કરી કે પેલો પુરુષ ખરાબ માણસ હોય તો પણ મારી પત્ની એક આદરણીય મહિલા છે, માતા છે, પત્ની છે. મારે ગંદી શંકાઓ ન કરવી જોઈએ. ખોટા વિચારો કરવા એ તો મૂર્ખામી છે, પરંતુ બીજી તરફ મારા મનમાં એવો સવાલ ઊઠતો હતો કે એ બંને વચ્ચે દેહસંબંધ શા માટે ન બંધાય? કોઈ પણ પુરુષ છેવટે શું ઝંખે? હું પોતે પણ છેવટે શેના માટે પરણ્યો હતો? મારી પત્ની પાસેથી મને પણ છેવટે તો એ જ ચીજ જોઈતી હતી. બીજા પુરુષોને પણ એ જ જોઈએ. સંગીતકાર જુવાનિયાને પણ મારી પત્નીના દેહ સિવાય બીજું શું જોઈએ? એ માણસ યુવાન હતો, તંદુરસ્ત હતો. એ કોઈ મોટો સિદ્ધાંતવાદી નહોતો એ તો ઠીક, એનો કદાચ એવો સિદ્ધાંત હોઈ શકે કે મોકો મળે તો છોડવાનો નહીં. આમ પણ મારી પત્ની અને એ જુવાન સંગીતથી જોડાયેલાં હતાં. સંગીત એટલે વિલાસિતાનું એકદમ સૂક્ષ્મ રૂપ. એમને જોડનારી ચીજો તો ઘણી હતી, પણ એમને રોકનારું શું હતું? કશું જ નહીં. મારી પત્નીને હું સમજી શકતો નહોતો. એના વિશે મને એટલું જ સમજાતું હતું કે એ મારા ભોગવટા માટેનું એક પ્રાણી છે અને પ્રાણી (નૈતિકતા અને એવી બધી વાતોથી) શા માટે બંધાય? રવિવારની પાર્ટીમાં પત્નીએ જુવાન સાથે મળીને બીથોવનની રચના ક્રોત્ઝર સોનાટા (આત્માને પ્રફુલ્લિત કરે એવું સંગીત) વગાડ્યા બાદ ઉન્માદી સંગીતરચનાઓ પેશ કરેલી. એ સંગીત બીભત્સતાને આંબે એટલું ઉન્માદી હતું. સંગીતવાદન બાદ પત્ની જે રીતે સંકોચાયેલી, ચહેરા પરથી એણે જે રીતે પરસેવો લૂછેલો, જુવાનિયાની સામે જોવાનું ટાળેલું, પછી જુવાનિયાના ગ્લાસમાં પાણી રેડતી વખતે એની સામે જોયેલું, પછી એ જે રીતે હસેલી, એમનું એકમેક સામે જોવાનું ટાળવું અને મોકો મળતાં નજર વડે વાત કરી લેવી.
ઓહ! નક્કી એ બંને વચ્ચે બધું થઈ જ ચૂક્યું હશે. હું બહારગામ ગયો જ શું કામ?
રાતભર હું ગેસ્ટહાઉસમાં જાગતો રહ્યો અને સિગારેટો ફૂંકતો રહ્યો. સવાર પડતાં સુધીમાં મને સમજાઈ ગયું કે હવે હું અહીં રોકાઈ નહીં શકું. હું જે સમિતિની બેઠક માટે આવેલો એ સમિતિને મેં ચિઠ્ઠી મોકલી આપી કે અર્જન્ટ કામ આવી પડવાથી હું મોસ્કો પાછો ફરી રહ્યો છું, મારી જગ્યાએ સમિતિમાં બીજા કોઈને લઈ લો.
અને હું ઊપડ્યો. રેલવે સ્ટેશન ઘણું દૂર હતું. ત્યાં સુધી મારે બગીમાં યાત્રા કરવાની હતી. બગીની યાત્રા એકદમ સરસ હતી. ઠંડક, હૂંફાળો તડકો, ખેતરો, ઘોડા, લોકો. આ બધું જોઈને મેં હળવાશ અને પ્રસન્નતા અનુભવી. પછી જ્યારે એ યાદ આવ્યું કે હું ક્યાં જઈ રહ્યો હતો અને શા માટે જઈ રહ્યો હતો ત્યારે મેં મારી જાતને કહી દીધું: ત્યારની વાત ત્યારે (અત્યારે આ પ્રાકૃતિક સૌંદર્યને માણી લે).
હું સ્ટેશને પહોંચ્યો. ટ્રેનમાં બેઠા પછી મનમાં ભયાનક કલ્પનાઓ શરૂ થઈ. મારી નજર સમક્ષ વ્યભિચારનાં ચિત્રો તરવરવાં લાગ્યાં. એ દૃશ્યો ક્રમશઃ વધુ આકરા અને વિગતસભર બનતાં ગયાં. એ દૃશ્યો મારા મનની કલ્પના છે એવું જાણવા છતાં જેમ જેમ મનને એ દૃશ્યો દેખાતાં ગયાં તેમ તેમ તે મને વધુ ને વધુ વાસ્તવિક લાગવા લાગ્યાં. મને થયું કે જે બધું મને દેખાઈ રહ્યું એ બધું બની જ શકે. એવું જ બન્યું હશે. મને ખાતરી થવા લાગી કે મારી કલ્પના જ વાસ્તવિકતા છે. અચાનક મને વર્ષો પહેલાં એ જુવાન ટૂફસ્કીના ભાઈએ કહેલી એક વાત યાદ આવી ગઈ. મને થયું કે એ વાત ભલે એના ભાઈએ ઘણા સમય પહેલાં કહેલી, પણ આજે એ વાત ટૂફસ્કી અને મારી પત્નીને લાગુ પડતી હતી. ટૂફસ્કીના ભાઈને મેં પૂછેલું કે એ ક્યારેય વેશ્યા પાસે જાય છે ખરો? ત્યારે એણે એવું કહેલું કે વેશ્યા પાસે જવામાં જાતીય રોગના ચેપની શક્યતા હોવાથી એ વેશ્યાને બદલે સારા ઘરની પરણેલી અને ચોખ્ખી સ્ત્રીઓ પસંદ કરતો હતો. હવે એના ભાઈને પરણેલી, ચોખ્ખી સ્ત્રી મળી ગઈ હતી. એ વાત સાચી કે મારી પત્ની એકદમ જુવાનજોધ ગણી શકાય એવી નહોતી, એનો એક દાંત પડી ચૂક્યો હતો અને એ સહેજ ભરાવદાર થઈ ચૂકી હતી,
પણ મેં ટૂફસ્કી વતી વિચાર્યું કે `બાઈ થોડી મોટી-જાડી હોય એમાં તો બીજું શું થઈ શકે? જે હોય એનાથી ચલાવી લેવાનું, એમાંથી લાભ લણી લેવાનો.' મને લાગ્યું કે એ જુવાનિયો મારી પત્નીને રખાત બનાવી લેશે. મને મારી જાત પર દયા ઊપજી. હું ટ્રેનના ડબ્બામાં ઊભો થઈને આંટા મારવા લાગ્યો. મને આપઘાત કરી લેવાના ઉત્કટ વિચારો આવવા લાગ્યા. હું એટલો વ્યાકુળ બની ગયો કે એક સ્ટેશને હું મારા ઉપલા વર્ગના ડબ્બાની ખાલી કેબિન (જેમાં મારા સિવાય કોઈ નહોતું) છોડીને થર્ડ ક્લાસના ડબ્બામાં જતો રહ્યો. એ ડબ્બો બહુ ગંદો હતો. ચારે તરફ ફોતરાં વેરાયેલાં હતાં. પછીના સ્ટેશને હું ફરી મારી કેબિનમાં આવતો રહ્યો.
વિચારો મને પીંખી રહ્યા હતા. જુવાન પ્રત્યે હું અપમાનિત થયાની લાગણી અનુભવી રહ્યો હતો અને પત્ની પ્રત્યે ભયંકર રોષ અનુભવતો હતો. મેં વિચાર્યું કે હું આપઘાત કરી લઉં તો મારી પત્ની મારાથી છૂટી જાય, એને તો ગમતું મળી જાય (આઝાદી). ખરેખર તો પત્નીને પીડા થવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે મેં કેટલો ત્રાસ વેઠ્યો.
મારું સ્ટેશન આવ્યું. સ્ટેશન પર ઊતરતાં જ મને લાગ્યું કે હવે કંઈક ભયાનક બનવાનું છે. મેં ઝડપથી ઘોડાગાડી પકડી. મને પગમાં ઠંડી લાગી રહી હતી. પગનાં મોજાં ક્યાં? મને યાદ આવ્યું કે ટ્રેનમાં મેં પગનાં મોજાં કાઢીને એક થેલામાં રાખેલાં. તરત યાદ આવ્યું કે થેલો તો હું ડબ્બામાં જ ભૂલી ગયો હતો. મારી પાસે એક બાસ્કેટ હતી એ પણ હું ડબ્બામાં ભૂલી ગયો એનું મને ભાન થયું. મેં ઘોડાગાડી પાછી વાળીને સ્ટેશને જઈને ભુલાયેલો સામાન લેવાને બદલે વહેલામાં વહેલી તકે ઘરે પહોંચવાનું પસંદ કર્યું.
ઘોડાગાડી ઘરે પહોંચી ત્યારે રાત ખાસ્સી થઈ ચૂકી હતી. ઘરની બહારથી જ હું જોઈ શક્યો કે બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. નોકર ગ્રેગરે દરવાજો ખોલ્યો. સામે જ હેટ-કોટ ટાંગવાના સ્ટેન્ડ પર મેં ટૂફસ્કીનો ઓવરકોટ ટંગાયેલો જોયો. મને જરાય નવાઈ ન લાગી. ત્યાં એ ઓવરકોટ હશે એની મને ધારણા હતી જ. મેં ગ્રેગરને પૂછ્યું, કોણ આવ્યું છે? એણે કહ્યું, ટૂફસ્કી. (ક્રમશઃ)
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
