છેતરપિંડી, લાલચ, અંધશ્રદ્ધા અને મમતાના તાર છિન્નભિન્ન કરતી આ ઘટના 1991ના બેંગલુરુ શહેરના સૌથી આલિશાન વિસ્તારથી શરૂ થાય છે. શાકેરેહ ખલીલી કોઈ સામાન્ય મહિલા નહોતી. તે મૈસૂરના ભૂતપૂર્વ દીવાન સર મિર્ઝા ઇસ્માઇલની પૌત્રી હતી અને ઈરાનમાં ભારતના પૂર્વ રાજદૂત અકબર ખલીલીની ભૂતપૂર્વ પત્ની હતી. શાકેરેહનો જન્મ 27 ઓગસ્ટ, 1947ના રોજ અત્યંત સમૃદ્ધ, સંસ્કારી અને ઉચ્ચ શાહી પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના ઘરે અવારનવાર મોટી હસ્તીઓ, રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓની અવરજવર રહેતી હતી. શાકેરેહ પોતાની ખૂબસૂરતી, ખુશમિજાજ સ્વભાવ અને રોયલ કલ્ચર માટે જાણીતી હતી. છતાં સમયની એવી વિચિત્ર બલિહારી હતી કે અબજો રૂપિયાની માલમિલકત, બંગલાઓ અને એરિસ્ટોક્રેટિક શાન ધરાવતી આ મહિલા અચાનક એક દિવસ ગાયબ થઈ ગઈ. બેંગલુરુના રિચમંડ રોડ પર આવેલા તેમના બહુમૂલ્ય પાંચ એકરના ભવ્ય બંગલા નં. 81માં મૌન છવાઈ ગયું હતું. આ એક એવી રહસ્યમય કંપારી છૂટી જાય તેવી કથા છે, જેણે સમગ્ર દેશના ન્યાયતંત્ર અને તપાસ એજન્સીઓને હચમચાવી મૂકી હતી.

વાર્તાનાં મુખ્ય પાત્રોમાં શાકેરેહ સિવાય બીજી એક વ્યક્તિ છે, મુરલી મનોહર મિશ્રા, જે પાછળથી સ્વામી શ્રદ્ધાનંદ તરીકે ઓળખાયો. મધ્ય પ્રદેશના સાગર જિલ્લાનો મૂળ વતની એવો આ શખ્સ 1982ની આસપાસ રામપુરના નવાબના મહેલમાં સામાન્ય નોકરી કરતો હતો. શાકેરેહ અને તેના પ્રથમ પતિ અકબર ખલીલીની મુલાકાત શ્રદ્ધાનંદ સાથે રામપુરના નવાબના મહેલમાં થઈ હતી. શ્રદ્ધાનંદે પોતાની મીઠી વાતો, અંધશ્રદ્ધા અને ચમત્કારોની બનાવટી વાતોથી શાકેરેહને પોતાના પ્રભાવમાં લેવાનું શરૂ કર્યું. શાકેરેહ તે સમયે પોતાના દાંપત્યજીવનમાં આંતરિક તણાવ અનુભવી રહી હતી અને ચાર પુત્રીઓ લેઇલી, શકીના, રેહાના અને સેબાની માતા હોવા છતાં એક પુત્રની ઈચ્છા ધરાવતી હતી. શ્રદ્ધાનંદે તેની આ માનસિક નબળાઈનો પૂરતો લાભ ઉઠાવ્યો. તેણે દાવો કર્યો કે તેની પાસે એવી દૈવી શક્તિઓ અને તાંત્રિક વિદ્યા છે જેનાથી તે શાકેરેહના જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે અને તેને પુત્રરત્ન પણ અપાવી શકે છે. ધીમે ધીમે તે બેંગલુરુ આવી પહોંચ્યો અને શાકેરેહના પરિવારનો અતિશય વિશ્વાસુ બની ગયો તેમજ તેના મિલકતના વ્યવહારો પણ સંભાળવા લાગ્યો.

1985માં શાકેરેહ અને અકબર ખલીલીનાં 21 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો અને તેમના છૂટાછેડા થઈ ગયા. અકબર ખલીલી ઈરાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા હોવાથી દેશ બહાર રહેતા હતા. આ જ તકનો સપૂર્ણ લાભ લઈને શ્રદ્ધાનંદે પોતાની જાળ વધુ મજબૂત કરી. વર્ષ 1986માં શાકેરેહ અને શ્રદ્ધાનંદે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી લીધાં. આ લગ્નથી શાકેરેહનો પરિવાર, સમાજ અને તેની ચારેય પુત્રીઓ અતિશય આઘાતમાં સરી પડી હતી. એક ઉચ્ચ રોયલ પરિવારની સમૃદ્ધ મહિલા એક સામાન્ય મામૂલી અને ધૂર્ત માણસ સાથે લગ્ન કરી બેઠી હતી. લગ્ન પછી શ્રદ્ધાનંદનો અસલી ચહેરો ઝડપથી સામે આવવા લાગ્યો. તેનું મુખ્ય લક્ષ્ય શાકેરેહનો પ્રેમ નહીં, પરંતુ તેની બેંગલુરુ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં આવેલી અબજો રૂપિયાની કીમતી જમીન, વારસાગત મકાનો અને જ્વેલરી હતાં. તેણે શાકેરેહની તમામ સંપત્તિ પોતાના નામે કરવા માટે વિવિધ કાગળો પર સહીઓ લેવાના અને પાવર ઓફ એટર્ની મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. શાકેરેહને પણ ધીમે ધીમે શ્રદ્ધાનંદના કપટી ઈરાદાઓ પર શંકા થવા લાગી હતી અને બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા.

28 એપ્રિલ, 1991ના દિવસે શાકેરેહની ક્રૂર હત્યાની યોજનાનો તબક્કો અમલમાં મુકાયો. શ્રદ્ધાનંદે અત્યંત ઠંડા કલેજે અને અગાઉથી ઘડેલા પૂર્વઆયોજિત ષડ્યંત્ર મુજબ કામ કર્યું. તેણે કેટલાક દિવસો અગાઉ જ બંગલાના કામદારો પાસે બેડરૂમની બિલકુલ અડીને આવેલા આંગણામાં એક મોટો ઊંડો ખાડો ખોદાવ્યો હતો અને એવું બહાનું બનાવ્યું હતું કે ત્યાં અંડરગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ અથવા સિંક બનાવવાનો છે. સાથોસાથ તેણે એક સ્થાનિક કારીગર પાસે મોટા કદનું લાકડાનું બોક્સ (શબપેટી જેવું) તૈયાર કરાવ્યું હતું. 28 એપ્રિલે શ્રદ્ધાનંદે શાકેરેહને ચા અથવા દૂધમાં ભારે માત્રામાં ઊંઘની દવાઓ ભેળવીને પીવડાવી દીધી. જ્યારે શાકેરેહ અર્ધબેભાન અને સંપૂર્ણ અસહાય અવસ્થામાં પથારી પર પડી હતી, ત્યારે શ્રદ્ધાનંદે તેને મેટ્રેસ અને ચાદર સાથે જ ઉપાડીને તે મોટા લાકડાના શબપેટી જેવા બોક્સમાં પૂરી દીધી.

આ બોક્સ પહેલાંથી જ બંગલાના બેડરૂમની બાજુના આંગણામાં ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ઉતારવા માટે તૈયાર રાખવામાં આવ્યું હતું. શ્રદ્ધાનંદે મજૂરોની મદદથી તે ભારે બોક્સને ઊંડા ખાડામાં દાટી દીધું અને ઉપરથી સિમેન્ટ, કાંકરા અને માટી પૂરીને ઉપર આબેહૂબ માર્બલની ટાઇલ્સ લગાવી દીધી, જેથી કોઈને સહેજ પણ આશંકા ન જાય. શાકેરેહ અર્ધબેભાન અવસ્થામાં જીવતી જ જમીનની અંદર દફનાવવામાં આવી હતી, જે માનવ ઇતિહાસના સૌથી ભયાનક અને નિર્દય અંત પૈકીનો એક હતો. જ્યારે શાકેરેહનો દફનાવેલો દેહ જમીનમાં ઓક્સિજન માટે તડપતો હતો, ત્યારે શ્રદ્ધાનંદ બંગલામાં એકદમ સામાન્ય બનીને ફરી રહ્યો હતો.

હત્યા બાદ શ્રદ્ધાનંદે ખૂબ જ ચાલાકીથી જુઠ્ઠાણાંની માળખાકીય રચના કરી. શાકેરેહના ગાયબ થવા અંગે તેણે ઘરના નોકરો અને સગાંસંબંધીઓને જણાવ્યું કે શાકેરેહ કોઈ ખાસ માનસિક શાંતિ માટે અથવા તો ગુપ્ત રીતે હૈદરાબાદ કે લંડન ગઈ છે. જ્યારે શાકેરેહની દીકરીઓ, ખાસ કરીને મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સેબા ખલીલી તેની માતા સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવા લાગી, ત્યારે શ્રદ્ધાનંદે તેને પણ વિવિધ બહાનાં બતાવ્યાં. ક્યારેક તે કહેતો કે માતા લંડનમાં હોસ્પિટલમાં દાખલ છે, તો ક્યારેક કહેતો કે તે ક્યાંક તીર્થયાત્રા પર છે અને કોઈનો સંપર્ક કરવા નથી માગતી, પરંતુ મહિનાઓ અને સમય વીતતો ગયો છતાં શાકેરેહનો કોઈ ફોન કે સંદેશો ન આવ્યો, ત્યારે સેબા ખલીલીની શંકા દૃઢ બની. સેબા જાણતી હતી કે તેની માતા તેની પુત્રીઓને અતિશય પ્રેમ કરતી હતી અને આટલો લાંબો સમય ક્યારેય સંપર્ક વિના ન રહી શકે.

સેબાએ પોતાની માતાને શોધવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા. તેણે પોતાની રીતે હૈદરાબાદ, મુંબઈ અને લંડનમાં તપાસ કરી, પણ શાકેરેહનો કોઈ પત્તો ન મળ્યો. અંતે 1992માં સેબાએ બેંગલુરુના અશોકનાગર પોલીસ સ્ટેશનમાં પોતાની માતાના ગાયબ થવાની સત્તાવાર હેબિયસ કોર્પસ અરજી અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. શરૂઆતમાં સ્થાનિક પોલીસે આ કેસને હળવાશથી લીધો અને તેને પતિ-પત્ની વચ્ચેનો અંગત વિવાદ ગણાવ્યો, પરંતુ સેબાના સતત દબાણ, હાઇકોર્ટના દરવાજા ખટખટાવવા અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સમક્ષ સતત રજૂઆતોને કારણે કાયદાકીય તંત્ર હરકતમાં આવ્યું.

1992ના અંતમાં આ હાઇ પ્રોફાઇલ કેસ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ(CCB)ને સોંપવામાં આવ્યો. સબ-ઇન્સ્પેક્ટર ટી. એચ. નોકરપ્પા અને તેમની બાહોશ ટીમે કેસની ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ શરૂ કરી. પોલીસે શ્રદ્ધાનંદના ફોન કૉલ્સ, બેંક એકાઉન્ટ્સ અને તેની નાણાકીય હિલચાલ પર કડક નજર રાખવાનું શરૂ કર્યું. તપાસમાં બહાર આવ્યું કે શાકેરેહના ગાયબ થયા પછી પણ શ્રદ્ધાનંદ તેના બેંક ખાતાંઓમાંથી કરોડો રૂપિયા ઉપાડી રહ્યો હતો, કીમતી જ્વેલરી વેચી રહ્યો હતો અને રિચમંડ રોડની અત્યંત કીમતી જમીન વેચવા માટે બિલ્ડરો સાથે સોદાબાજી કરી રહ્યો હતો. પોલીસે જ્યારે શ્રદ્ધાનંદની અવારનવાર પૂછપરછ કરી ત્યારે તેના જવાબો વિરોધાભાષી અને શંકાસ્પદ હતા.

પોલીસનો શંકાનો દાયરો મજબૂત થતાં તેમણે બંગલાના જૂના નોકરો અને ભૂતપૂર્વ કર્મચારીઓની ગુપ્ત રીતે કડક પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન એક નોકર રામચંદ્ર અને રસોઇયાએ એક અત્યંત મહત્ત્વપૂર્ણ રહસ્ય ખોલ્યું. તેણે પોલીસને જણાવ્યું કે 1991ના એપ્રિલ મહિનામાં શ્રદ્ધાનંદે બેડરૂમ નજીકના આંગણામાં ગુપ્ત રીતે મોટો ખાડો ખોદાવ્યો હતો અને રાત્રિના સમયે એક વિશાળ લાકડાનું બોક્સ મંગાવ્યું હતું. ત્યારબાદ ટૂંક સમયમાં જ તે ખાડાને પૂરીને ઉપર નવી ટાઇલ્સ જડી દેવામાં આવી હતી. આ સુરાગ મળતાં જ પોલીસ ટીમ સમજી ગઈ કે શાકેરેહ બહાર ક્યાંય ગઈ નથી, પરંતુ બંગલાના પરિસરમાં જ કંઈક ભયાનક બન્યું છે.

આ નિર્ણાયક સુરાગના આધારે પોલીસે માર્ચ, 1994માં રિચમંડ રોડ સ્થિત ભવ્ય બંગલા પર દરોડો પાડ્યો. 33 માર્ચ, 1994ના રોજ કાનૂની અધિકારીઓ, મેજિસ્ટ્રેટ, ફોરેન્સિક નિષ્ણાતો અને ડોક્ટરોની હાજરીમાં શ્રદ્ધાનંદને સાથે રાખીને તે ચોક્કસ ટાઇલ્સવાળી જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. બંગલાના આંગણામાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે વાતાવરણમાં ભારે ઉત્તેજના અને સનસનાટી હતી. આશરે 6થી 7 ફૂટ ઊંડે ખોદકામ કર્યા પછી કડક જમીનમાંથી એક વિશાળ લાકડાનું બોક્સ મળી આવ્યું.

જ્યારે તે બોક્સને સાવચેતીપૂર્વક બહાર કાઢીને ખોલવામાં આવ્યું ત્યારે અંદરનું દૃશ્ય જોઈને ત્યાં હાજર તમામ અધિકારીઓ ચોમકી ઊઠ્યા. બોક્સની અંદરથી એક માનવકંકાલ મળી આવ્યું. કંકાલની આસપાસ મેટ્રેસ (ગાદલું), ગાદલાનાં પીંછાં, એક બેડશીટ અને નાઇટવેર કપડાંના અવશેષો હતા. બેંગલુરુની મિલિટરી હોસ્પિટલ અને ફોરેન્સિક લેબોરેટરી દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી. આ ભારતીય અપરાધ તપાસના ઇતિહાસમાં પ્રથમ એવો કેસ બન્યો જેમાં મૃતદેહ સંપૂર્ણપણે વિઘટિત થઈ ગયો હોવાથી ઓળખ માટે ડીએનએ (DNA) પ્રોફાઇલિંગ સુપર-ઈમ્પોઝિશન ટેક્નિક અને દાંતના ચાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીએનએ ટેસ્ટિંગ દ્વારા સાબિત થયું કે આ કંકાલ બીજા કોઈનું નહીં, પરંતુ શાકેરેહ ખલીલીનું જ હતું.

સૌથી હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી વિગત ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવી. કંકાલના હાથના આંગળાના નખ લાકડાના બોક્સની અંદરની દીવાલો પર ઊંડે સુધી ખૂંપેલા અને સ્ક્રેચ માર્ક્સ (સોફ્ટ લાકડા પર ઘસવાનાં નિશાનો) સાથે મળી આવ્યાં હતાં. સાથે જ શાકેરેહની શ્વાસનળી અને ફેફસાંના સ્થાને માટીના સૂક્ષ્મ કણો મળ્યા હતા. આ ફોરેન્સિક પુરાવાઓએ સ્પષ્ટપણે સાબિત કર્યું કે જ્યારે શાકેરેહને બોક્સમાં પૂરીને જમીનમાં દાટવામાં આવી ત્યારે તે મરી નહોતી, પરંતુ ઊંઘની દવાની અસર હેઠળ જીવતી હતી. જ્યારે તેની ઊંઘ ઊડી હશે ત્યારે તેણે ઘોર અંધારામાં ઓક્સિજન વિના તડપીને બહાર નીકળવા માટે બોક્સના ઢાંકણા અને દીવાલો પર નખથી ભયાનક સંઘર્ષ કર્યો હતો.

આ ભયાનક અને નિર્મમ સત્ય સામે આવ્યા બાદ પોલીસે તરત જ મુરલી મનોહર મિશ્રા ઉર્ફે સ્વામી શ્રદ્ધાનંદની સત્તાવાર ધરપકડ કરી લીધી. શ્રદ્ધાનંદ સામે ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ કરવો) અને 420 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધીને મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી. સેશન્સ કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ ચાલી, જેમાં સેબા ખલીલી અને તપાસ અધિકારી નોકરપ્પાની સાક્ષીઓ નિર્ણાયક બની. 250થી વધુ પુરાવાઓ અને દસ્તાવેજો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા. 2000ની સાલમાં સેશન્સ કોર્ટે શ્રદ્ધાનંદને અતિશય નિર્દયી ગુના માટે દોષી ઠેરવ્યો અને ફાંસીની સજા (મૃત્યુદંડ) સંભળાવી. ત્યારબાદ 2005માં કર્ણાટક હાઇકોર્ટે પણ આ ફાંસીની સજાને યોગ્ય ઠેરવીને બહાલ રાખી હતી.

ત્યારબાદ કેસ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. અપીલ દરમિયાન બે ન્યાયાધીશોની ખંડપીઠમાં સજા અંગે મતભેદ થતાં કેસ ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો. 22 જુલાઈ, 2008ના રોજ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.એન. અગ્રવાલ, જસ્ટિસ જી.એસ. સિંઘવી અને જસ્ટિસ અફતાબ આલમની ખંડપીઠે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે શ્રદ્ધાનંદની દોષસિદ્ધિને સંપૂર્ણપણે કાયમ રાખી, પરંતુ ફાંસીની સજાને એક વિશેષ શ્રેણીની આજીવન કેદમાં ફેરવી દીધી. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ આદેશ આપ્યો કે શ્રદ્ધાનંદને તેના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેવું પડશે અને તેને ક્યારેય પેરોલ, ક્ષમા કે સજામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.   

આ કેસ ભારતીય ન્યાયશાસ્ત્રમાં એક મોટો દાખલો બની ગયો, કારણ કે સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડ અને સામાન્ય આજીવન કેદ (જેમાં 14 વર્ષ પછી મુક્તિની શક્યતા હોય છે) વચ્ચેનો એક નવો માર્ગ `સ્વામી શ્રદ્ધાનંદ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય' કેસ દ્વારા સ્થાપિત કર્યો. એક સામાન્ય, ગરીબ અને ધૂર્ત ઠગ કેવી રીતે પોતાની માયાજાળથી એક ઉચ્ચ રોયલ પરિવારની અબજોપતિ મહિલાનું આખું જીવન અને સંપત્તિ છીનવી લે છે અને અંતે પુત્રીની સતત લડાઈ તથા ફોરેન્સિક વિજ્ઞાનના કારણે કાયદાના સકંજામાં કાયમ માટે કચડાઈ જાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો